Spain housing crisis 2026 : 87 વર્ષના વૃદ્ધ મહિલાને સ્પેનમાં ઘરમાંથી બહાર કાઢી મુકવી એ નેશનલ ટૉપિક બની ગયો છે અને તેના વિરોધમાં સ્પેનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હજારો લોકોએ આ મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો છે અને સરકારે આ મુદ્દાને ધ્યાને લઈ 8 મહિના વહેલી ચૂંટણી લાવવાનો નિર્ણય જાહેર કરી દીધો.
કેસની શરૂઆત 23 સપ્ટેમ્બરે થઈ. મેડ્રિડમાં 87 વર્ષના મારિયા ડેલ કાર્મેન અબાસ્કલને એ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા, જ્યાં તેઓ લગભગ 70 વર્ષથી રહેતાં હતા.આ ઘર અબાસ્કલ પરિવાર પાસે ઘણા દાયકાઓથી ભાડે હતું. 2018માં ઘરના મૂળ માલિકે આખી ઈમારત એક રિયલ એસ્ટેટ કંપનીને વેચી દીધી. ત્યારબાદ કંપની અને અબાસ્કલ વચ્ચે ભાડાને લઈને વિવાદ શરૂ થયો. કંપનીએ ભાડું 500 યુરોથી વધારીને 2650 યુરો કરી દીધું. અબાસ્કલનું માસિક પેન્શન જ લગભગ 1,350 યુરો હતું. એટલે કે માગવામાં આવેલું ભાડું તેમની આખી માસિક આવક કરતાં પણ ઘણું વધારે હતું. આ જ કારણે તેઓ નવું ભાડું આપવાની સ્થિતિમાં નહોતા. ત્યારબાદ મામલો કોર્ટમાં ગયો હતો.
અબાસ્કલને ઘરમાંથી કાઢી મૂકવાના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ મામલો ઝડપથી ફેલાઈ ગયો. લોકોનું કહેવું હતું કે જો 87 વર્ષના વૃદ્ધ મહિલા પોતાનું આખું પેન્શન આપી દેવા છતાં ઘરનું ભાડું નથી ચૂકવી શકતા, તો આ ફક્ત એક પરિવારની સમસ્યા નથી. મેડ્રિડ સહિત અનેક શહેરોમાં લોકોએ મોંઘા ભાડા અને ઘરમાંથી કાઢી મૂકવાની ઘટનાઓ સામે પ્રદર્શનો કર્યા. અબાસ્કલનો કેસ ધીમે ધીમે સ્પેનના વધતા આવાસ સંકટનું પ્રતીક બની ગયો. સરકાર પર પણ દબાણ વધવા લાગ્યું. પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝની સરકારે કહ્યું કે વૃદ્ધો અને અન્ય નબળા ભાડૂઆતોને ઘરમાંથી કાઢી મૂકતા રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
સ્પેન સરકારે ભાડૂઆતોને રાહત આપવા માટે બે બિલ પણ રજૂ કર્યા હતા. 29 સપ્ટેમ્બરે સરકારે સંસદમાં રજૂ કર્યા હતા બિલ. પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝની સરકાર પાસે બહુમતી ન હોવાથી દરેક મોટા નિર્ણયો માટે અન્ય સાથી પક્ષોના સમર્થનની જરૂર પડે છે. સરકારને આશા હતી કે આવાસ સંકટને જોતા બીજી પાર્ટીઓ આ ઉપાયોનું સમર્થન કરશે. પરંતુ તેમને જરૂરી સમર્થન ન મળ્યું. 2 ઓક્ટોબરે થયેલા વોટિંગમાં બંને પ્રસ્તાવ પાસ થઈ શક્યા નહીં.
સ્પેનમાં ઓછી આવક ધરાવતા લોકો માટે સસ્તા સરકારી ઘરો ખૂબ જ ઓછા છે. કુલ ઘરોમાં આવા ઘરોનો હિસ્સો માત્ર 1.5 % છે. કેટલાક કિસ્સાઓમાં ભાડાની કિંમત એક યુવાન વ્યક્તિની સરેરાશ માસિક કમાણીના લગભગ 99% સુધી પહોંચી ગઈ છે. સ્પેનની સેન્ટ્રલ બેંકે ચેતવણી આપી છે કે જો ઘરોની અછત દૂર નહીં કરવામાં આવે તો 2028 સુધીમાં 10 લાખથી વધુ ઘરોની અછત સર્જાઈ શકે છે.









