સુદાનમાં સોનાની ખાણમાં ફરી મોટી દુર્ઘટના, 11 ના મોત

સુદાનના રેડ સીમાં આવેલ ખાણમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગોલ્ડ માઈનનો શાફ્ટ તૂટી પડતાં 11ના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 30 શ્રમિકો ઘાયલ થયાના અહેવાલ છે. માત્ર એક જ સપ્તાહમાં સુદાનમાં આ બીજી મોટી દુર્ઘટના છે. ગોલ્ડ માઈનિંગમાં આ દુર્ઘટનાઓ અનિયંત્રિત જોખમોને ઉજાગર કરે છે.

સુદાનના ઉત્તર પૂર્વીય રેડ સી સ્ટેટનો ઓની વિસ્તાર, જ્યાં આ દુર્ઘટના બની છે. જેમાં 11 ના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને 30 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનિયમિત અને નાના પાયાના ખાણકામમાં સલામતીના અભાવના કારણે શાફ્ટ ધરાશાયી થયો છે.

આંતરિક યુદ્ધનો માર ખમી રહેલા આફ્રિકી દેશ સુદાનમાં આ એક જ સપ્તાહમાં બીજી મોટી ઘટના છે. શાફ્ટના ધરાશાયી ભાગમાં હજુ પણ કેટલાય શ્રમિકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે.

ગત રવિવારે જ સુદાનના પશ્ચિમી ક્ષેત્રમાં આવેલા અલ-ઝારા વિસ્તારમાં ગોલ્ડ માઈન ધસી પડતાં 82 લોકોના મોત થયા છે. આ વિસ્તાર પેરા મિલિટ્રી રેપિડ સપોર્ટ ફોર્સના નિયંત્રણમાં છે. જે છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી સુદાનની સેના સામે જંગ લડી રહી છે.

સુદાનમાં મોટા પ્રમાણમાં સોનાનું ઉત્પાદન થાય છે. રોજબરોજ અહીં ખાણમાં નાની-મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે. સુરક્ષા વ્યવસ્થાના નિયમોનું ચુસ્ત રીતે પાલન ન થતાં આ ઘટનાઓ બને છે.

એપ્રિલ 2023 થી સુદાનની સેના અને પેરા મિલિટ્રી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચેના યુદ્ધના કારણે સુદાન બરબાદ થઈ ગયુ છે. આંતરિક યુદ્ધમાં અત્યાર સુધી 50 હજારથી વધુ લોકોના મોત થયા છે. કેટલાક સંગઠનોનું માનવુ છે કે આ તો અનોપચારિક આંકડો જ છે. હકીકતમાં મૃતકોની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રનું માનવુ છે કે સુદાનમાં સોનાની મોટા પ્રમાણમાં તસ્કરીના કારણે યુદ્ધ છેડાયુ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment