UAE Diesel Price: ઓઈલના સૌથી મોટા ઉત્પાદક દેશ UAE માં ડિઝલનો ભાવ ભારત કરતાં પણ મોંઘો થઈ ગયો છે. યુએઈની સરકારે ડિઝલમાં ફરી એક વખત ભાવ વધારો ઝીંક્યો છે. 22 ઓક્ટોબર મુજબ દુબઈમાં એક લિટર ડિઝલનો ભાવ 123 રૂપિયા છે, જ્યારે દિલ્હીમાં આ જ ડિઝલ 95 રૂપિયામાં મળી રહ્યુ છે. UAE એ ઓક્ટોબરમાં ડિઝલના ભાવમાં 12 ટકાનો વધારો કર્યો છે. અને છેલ્લા 8 માસમાં તો તેમાં 90 ટકાનો વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણ મોંઘુ થયુ છે. UAE માં પેટ્રોલ-ડિઝલના ભાવ વૈશ્વિક બજારો સાથે જોડાયેલા છે. ત્યાં દર મહિને આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે ભાવ નક્કી કરવામાં આવે છે. અમેરિકા અને ઈરાન યુદ્ધની અસરના કારણે પણ ઈંધણના ભાવમાં વધારો નોંધાયો છે. હોર્મૂઝ સ્ટ્રેટમાંથી ઓઈલના સપ્લાયને લઈને અનિશ્ચિતતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતો વધી છે. જેની અસર UAE માં ઓઈલના ભાવ પર પડી છે. UAE જાપાન, ચીન, ભારત અને દક્ષિણ કોરિયાને ઓઈલ સૌથી વધારે વેચે છે.
અમેરિકા અને ઈરાન યુદ્ધ દરમિયાન UAE માં પણ મોટા હુમલા કરવામાં આવ્યા હતા. 14 માર્ચે ફુજેરાહના ઓઈલ નિકાસ કેન્દ્ર પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ આગની પણ ઘટના સામે આવી હતી. જેના કારણે જહાજમાં થોડા સમય માટે ઓઈલ ભરવાનું કામ રોકી દેવામાં આવ્યુ હતુ. 19 માર્ચે મિસાઈલોને અટકાવવાથી તેનો કાટમાળ પડવાથી અબુધાબીનો હબશાન ગેસ પ્લાન્ટ અને બાબ ઓઈલ ક્ષેત્ર બંધ કરવાની ફરજ પડી હતી. 4 મેના રોજ પણ ફુજેરાહના ઓઈલ ક્ષેત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. યુદ્ધ દરમિયાન ફુજેરાહમાં 19 હુમલા કરવામાં આવ્યા હતા. ઓઈલની ટાંકીઓ અને પાઇપલાઇન તંત્રને નુકસાન પહોંચ્યું. માર્ચમાં અહીંથી ઓઈલનું લોડિંગ ઘટીને દરરોજ લગભગ 4.4 લાખ બેરલ રહી ગયું, જ્યારે 2025માં આ આંકડો તેના કરતાં બમણાથી વધુ હતો. હોર્મુઝની બહાર આવેલું ફુજૈરાહ યુએઈનું મહત્વપૂર્ણ ઓઈલ નિકાસ કેન્દ્ર છે. અહીં થયેલા હુમલાઓથી ઓઈલની હેરફેર પ્રભાવિત થઈ અને યુએઈના વૈકલ્પિક નિકાસ માર્ગ પર દબાણ વધ્યું.









