Ujjain Shahi Masjid demolition: તીર્થસ્થળ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો એક ભાગ હટાવવા મુદ્દે રણસંગ્રામ થઈ ગયો છે. 100 વર્ષ જૂની શાહી મસ્જિદનો 9 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો ભાગ તોડવાનો છે. છત્રી ચોક વિસ્તારમાં આવેલી મસ્જિદનો એક ભાગ રસ્તો પહોળો કરવા માટે તોડવાની આવશ્યકતા પડી છે. મુસ્લિમ સમાજે પોતે જ શાહી મસ્જિદનો એ નડતરરૂપ ભાગ તોડવાનું શરૂ કર્યુ હતુ, જેને લીલી નેટથી ઢાંકવામાં પણ આવ્યુ હતુ. મસ્જિદથી થોડે દૂર લોકો વહેલી સવારે તેનો વિરોધ કરવા એકત્ર થઈ ગયા હતા.
ઉજ્જૈનમાં રસ્તા પહોળા કરવાનો ચાલી રહ્યો છે વિવાદ
ઉજ્જૈનમાં કેટલાક વિસ્તારોમાં રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. 730 મીટર લાંબા માર્ગને 9.80 કરોડના ખર્ચે 15 મીટર પહોળો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરીમાં મુખ્યમંત્રીનું પૈતૃક ઘર, નગર નિગમના સભાપતિનું પણ મકાન પ્રભાવિત થાય તેમ છે.
રસ્તામાં નડતરરૂપ બાંધકામને દૂર કરવામાં આવતુ હતુ
શાહી મસ્જિદનો કેટલોક ભાગ મુસ્લિમ યુવકો દ્વારા જ દૂર કરવામાં આવી રહ્યો હતો તદુપરાંત રસ્તા પરનો નડતરરૂપ ભાગ પણ તોડવામાં આવી રહ્યો હતો. મસ્જિદથી થોડે જ દૂર લોકો વહેલી સવારે વિરોધ કરવા માટે એકઠા થઈ ગયા હતા. મહિલાઓએ બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ થયુ. પોલીસની ટુકડી પહોંચતા જ પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા. પથ્થરમારા બાદ પોલીસે સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લીધી અને સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો.
શાહી મસ્જિદ મુદ્દે દાખલ કરેલી અરજી મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફગાવી
ઉજ્જૈનમાં શાહી મસ્જિદ મામલે દાખલ કરવામાં આવેલી અરજી મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફગાવી દીધી છે. બેન્ચે કહ્યુ છે કે રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલુ રહેશે. કોર્ટે મસ્જિદના એક ભાગનો તોડવાની મંજૂરી આપતા આદેશ પર રોક લગાવવાનો પણ ઈન્કાર કર્યો છે. પથ્થરમારાની ઘટનામાં પોલીસે 15 લોકોની અટકાયત કરી છે. 7 લોકો સામે FIR નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે, જેના પર વાતાવરણ ડહોળાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મસ્જિદ 100 વર્ષથી વધારે સમયથી જૂની છે
મસ્જિદ 100 વર્ષથી વધારે જૂની 1925 ના સિંધિયા પરિવારના દસ્તાવેજમાં મસ્જિદનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં જમીન અધિગ્રહણમાં બાકી હિસ્સાને યથાવત રાખવાની વાત હતી. વર્ષ 1975માં મસ્જિદના પ્રબંધન પ્રમાણે રસ્તા અને ટ્રાફિક માટે થોડી જમીન આપવામાં આવી હતી. 1985 ના સરકારી ગેઝેટમાં પણ તેનો ઉલ્લેખ છે.













