સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં અમેરિકાના રાજદૂત અને ક્યુબાના વિદેશમંત્રી વચ્ચે તડાફડી બોલી ગઈ હતી. બંને દેશોના રાજદ્વારીઓ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામાને લઈ થોડા સમય માટે માહોલ ગરમ થઈ ગયો હતો અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભા સ્થગિત કરવી પડી હતી. અમેરિકાના રાજદૂત માઈક વૉલ્ટ્સ અને ક્યુબાના વિદેશમંત્રી બુરનો રોડ્રીગ્સ પાહિલા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. બંને એકબીજા પર આરોપ લગાવતા જોવા મળ્યા હતા.
અમેરિકી રાજદૂત માઈક વોલ્ટ્સ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સંબોધન કરી રહ્યા હતા, ત્યારે ક્યુબાના વિદેશમંત્રી બુરનો રોડ્રીગ્સ પાહિલા પોડિયમ પાસે પહોંચી ગયા હતા અને તેમની ઉપર ખોટુ બોલવાનો આક્ષેપ કર્યો હતો, આ સમયે વોલ્ટ્સે તેમને દૂર ખસવા ધમકી આપી હતી અને પાહિલા ઉકળી પડ્યા હતા અને વોલ્ટ્સને કહ્યુ હતુ કે તમે મને ધમકાવી ન શકો. આ સાથે જ બંને વચ્ચે તડાફડી થઈ ગઈ હતી. મામલો ગંભીર બની જતા સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની કાર્યવાહી રોકવી પડી હતી.
ક્યુબા વિરુદ્ધ અમેરિકાએ લાદેલા પ્રતિબંધોની ચર્ચા કરવા માટે મળેલી સંયુક્ત રાષ્ટ્રની મહાસભા બેઠક શરૂ થઈ હતી. આ બબાલ થઈ ત્યારે સભ્યોએ મતદાન કરવાનું બાકી હતુ. અમેરિકાએ ક્યુબા પર લાંબા સમયથી આર્થિક અને વેપારી પ્રતિબંધો મુકેલા છે. ક્યુબાના વિદેશમંત્રી દ્વારા અમેરિકા પર અન્ય દેશોને ક્યુબાની વિરુદ્ધમાં મતદાન કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકા ઉપર તેવો પણ આક્ષેપ મૂક્યો હતો કે, ક્યુબામાં ઇંધણની આપૂર્તિ ઉપર મૂકેલા પ્રતિબંધોથી ક્યુબાની આરોગ્ય- વ્યવસ્થા ઉપર પણ માઠી અસર થઈ છે. દેશમાં બાળ-મરણનો દર બમણો થઈ ગયો છે. લાખ્ખો ક્યુબનની જિંદગી પણ જોખમમાં છે.
આનો જવાબ આપતા અમેરિકી રાજદૂત માઇકલ વૉલ્ટ્સે ક્યુબાની સરકારને ભ્રષ્ટ જણાવતા તેની ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે : ‘તે દેશના નેતાઓ, પોતાના દ્વિપોમાં રહે છે, મોંઘી રોલેક્સ કાંડા ઘડિયાળો પહેરે છે, જ્યારે દેશની સમસ્યાઓ માટે બીજાને જવાબદાર ગણાવે છે. ‘અમેરિકી દૂતે આ ટિપ્પણીઓ એવા સમયે કરી કે જ્યારે અમેરિકા તરફથી ઇંધણની આપૂર્તિ પર પ્રતિબંધો ક્યુબા પર મૂકાયેલા છે. વૉલ્ટ્સે ક્યુબાના દિવંગત નેતા ફીડેલ કાસ્ટ્રોની એક તસ્વીર દેખાડી જેમાં તેમણે રૉલેક્સ ઘડિયાળ પહેરી છે. દરેક ઘડિયાળની કિમત આશરે ૪૦,૦૦૦ ડૉલર જેટલી છે. આ દેખાડતા વૉલ્ટ્સે કહ્યું કે, ‘આ ઘડિયાળની કિંમત સરેરાશ ક્યુબન નાગરિકની ૫૫ વર્ષની કમાણી બરોબર થવા જાય છે. આ સિનેરિયો માત્ર કાસ્ટ્રોના સમય પૂરતો જ સીમિત નથી રહ્યો વર્તમાન પ્રમુખ પણ રૉલેક્સ ઘડી પહેરે છે.’
વૉલ્ટ્સે આ કહ્યું ત્યારે ક્યુબાના વિદેશમંત્રી પાહિલા પોડિયમ પાસે પહોંચી ગયા હતા અને કહ્યું કે, ‘તમે જુઠ્ઠુ બોલો છો’ ત્યારે વૉલ્ટ્સે કડક અવાજે કહ્યું કે, ‘પાછા બેસી જાવ.’ ત્યારે પાહિલા ગુસ્સે થઈ ગયા અને કહ્યું : ‘તમે મને ધમકાવી ન શકો’ આ સાથે બંને વચ્ચે તડાતડી જામી, છેવટે અન્યોએ વચ્ચે પડી મામલો શાંત કર્યો પરંતુ તે દરમિયાન મહાસભાની કાર્યવાહી સ્થગિત રહી હતી.









