સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના ભાષણ પર ભારતે સીધો આકરો પ્રહાર કર્યો છે. ભારતીય પ્રતિનિધિએ UNGA માં પાકિસ્તાનની જેવી-તેવી કરી દીધી છે અને વિશ્વ સામે ફરી એક વખત પાકિસ્તાનને નીચુ જોવુ પડે તેવી સ્થિતિ આવી ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રાઈટ ટુ રિપ્લાય હેઠળ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને રોકડુ પરખાવી દીધુ છે ભારતીય IFS પેટલ ગેહલોતે. પાકિસ્તાન પર આતંકવાદને ચઢવણી કરવાનો આરોપ લગાવ્યો છે અને આતંકવાદી ગતિવિધિઓ કાબૂમાં ન આવે તો ગંભીર પરિણામો ભોગવવાની પણ ચિમકી આપી છે. પાકિસ્તાન પર વારંવાર ખોટુ બોલવાનો IFS પેટલ ગેહલોતે આરોપ લગાવ્યો છે. 9/11 ના હુમલાખોર ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી જ મળ્યો છે તેનો ઉલ્લેખ કરી પાકિસ્તાનનું નાક કાપી નાંખ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, “જનરલ અસેમ્બ્લીમાં આશ્ચર્યજનક વાત સાંભળવા મળી છે. 9/11 ના ભયાનક આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન અબોટાબાદમાં પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટરની નજીક જ રહેતો હતો. પાકિસ્તાનના લોકો ફોર્મ 47 ની સરકાર કહે છે, તેમની પાસેથી આવી જ આશા રાખી શકાય.”
પાકિસ્તાનની પાખંડપૂર્ણ વાતો સાંભળી
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી IFS પેટલ ગેહલોતે પ્રતિક્રિયા આપતા વધુમાં ઉમેર્યુ હતુ કે, “અમે લોકશાહી અને માનવીય મૂલ્યો વિશે પાખંડી વાતો સાંભળી છે, પાકિસ્તાનમાં સેનાની, સેના માટે અને સેના દ્વારા બનેલી સરકાર છે. ત્યાંના વડાપ્રધાન કે કઠપૂતળી નેતાઓ આવતા-જતા રહેશે, પરંતુ હકીકતમાં નિર્ણય કોણ લે છે તેનાથી સમગ્ર વિશ્વ પરિચિત છે. અમે જે સાંભળ્યુ, તે એવા લોકો તરફથી નિવેદન આવ્યા છે, જેમની કટ્ટરતા અને નફરતનો લાંબો ઈતિહાસ રહેલો છે. તેઓ દિવસે સુરક્ષાનો દાવો કરે છે અને રાતે આતંકવાદ ફેલાવે છે.”
ઈશનિંદા કાયદાને લઈ IFS ગેહલોતે પાકિસ્તાનની આપી લપડાક
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી IFS ગેહલોતે પાકિસ્સાનને તમામ મોરચે પછડાટ આપી છે. તેમણે કહ્યુ કે, “સંયુક્ત રાષ્ટ્રની આ મહાસભામાં ધાર્મિક અસહિષ્ણુતાને લઈ એવા દેશ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે, જેમનો મુખ્ય આધાર ઈશનિંદા કાયદો છે. સમગ્ર વિશ્વ જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. કોઈ પણ મીઠી મીઠી વાતો હવે દુનિયાને ભ્રમિત નહી કરી શકે.”
જમ્મુના મુદ્દે પણ પાકિસ્તાનને ઘેર્યુ
IFS પેટલ ગેહલોતે જમ્મુ કશ્મીર મુદ્દે પણ પાકિસ્તાનને રોકડુ પરખાવ્યુ છે. “જમ્મુ-કશ્મીર મારા દેશનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. આપણે પાકિસ્તાન હસ્તક રહેલા કશ્મીર વિશે વાત કરવી જોઈએ. રાવલકોટના લોકોને હત્યા, હિંસા અને અધિકારોથી વંચિત કરવા જેવા ગંભીર સમસ્યાઓ વેઠી રહેલા લોકોને પૂછવુ જોઈએ. પાકિસ્તાને પોતાના દેશ વિશે ચિંતા કરવી જોઈએ.”
પાકિસ્તાનમાં ફોર્મ 47 સરકાર શું છે ?
ફોર્મ 47 ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે. જેને રિટર્નિંગ ઓફિસર તૈયાર કરે છે. જેમાં ઉમેદવારને પ્રાપ્ત થયેલ વોટ અને અપ્રાપ્ય વોટની ગણતરી હોય છે. વર્ષ 2024ની ચૂંટણી બાદ પાકિસ્તાનમાં ફોર્મ 47 ને લઈ વિવાદ થયો હતો. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટીએ જનાદેશ બદલવાનો આરોપ લગાવ્યો હતો, તે બાદથી શાહબાઝ શરીફની સરકાર ફોર્મ 47 સરકારના નામથી ઓળખાવા લાગી છે. ભારતે તેનો જ પાકિસ્તાન સામે ઉપયોગ કર્યો છે.
કોણ છે IFS પેટલ ગેહલોત ?
પેટલ ગેહલોત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર(UN)માં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ છેલ્લા બે વર્ષથી એટલે કે સપ્ટેમ્બર 2024થી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સલાહકારની ભૂમિકા નિભાવી રહ્યા છે. UNમાં પોસ્ટિંગ પહેલાં તેઓ જૂન 2020થી જુલાઈ 2023 સુધી વિદેશ મંત્રાલયના ‘યુરોપ વેસ્ટ ડિવિઝન’માં અંડર સેક્રેટરી હતા. પેટલ ગેહલોત દિલ્હીના રહેવાસી છે, તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો અને દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કોલેજમાંથી તેમણે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. જોકે ગ્રેજ્યુએશન તેમણે મુંબઈથી પૂરું કર્યું હતું. પેટલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો. વર્ષ 2015માં તેમની પસંદગી ભારતીય વિદેશ સેવા (IFS)માં થઈ હતી.













