UN માં સેકન્ડ ક્લાસ દરરજો નહી ચાલે, ભારતનું સ્પષ્ટ વલણ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાને લઈને ભારતે ફરી એકવાર પોતાનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. ભારતે કહ્યું છે કે વીટો પાવર વિના કાયમી સભ્યપદ આપવું એ ‘સેકન્ડ ક્લાસ સ્ટેટસ’ સમાન છે અને ભારત આવી વ્યવસ્થા સ્વીકારશે નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વથનેનીએ સુરક્ષા પરિષદમાં સુધારા માટે તમામ કાયમી સભ્યોને સમાન અધિકાર અને જવાબદારીઓ આપવાની માગ કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતર-સરકારી વાટાઘાટોની પૂર્ણ બેઠક દરમિયાન ‘વીટોનો મુદ્દો’ ઉઠાવતા પર્વથનેનીએ કહ્યું કે જ્યાં સુધી વીટોની જોગવાઈ ચાલુ રહેશે, ત્યાં સુધી સુધારા પછી રચાનારી સુરક્ષા પરિષદના તમામ કાયમી સભ્યોને આ અધિકાર મળવો જોઈએ. તેમના મતે, સમાનતા અને ન્યાયની માગ છે કે તમામ કાયમી સભ્યોને સમાન અધિકાર મળે.

ભારતે ચેતવણી આપી છે કે વીટો પાવર વિનાના લાંબા ગાળાના સભ્યોની નવી શ્રેણી બનાવવાથી તેમને વાસ્તવમાં બીજા દરજ્જાના સભ્યો બનાવી દેવામાં આવશે. આવી વ્યવસ્થાથી સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો—અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ—ની નિર્ણય લેવાની સત્તામાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પર્વથનેનીએ કહ્યું કે કાયમી સભ્યોની નવી શ્રેણી બનાવવાથી, પછી તેમને વીટો પાવર આપવામાં આવે કે નહીં, સુધારાની ચર્ચા વધુ જટિલ બનશે. તેનાથી જે અસમાનતા દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે વધુ ઊંડી થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે સમયાંતરે ચૂંટણી દ્વારા ચૂંટાતા સભ્યપદ અને કાયમી સભ્યપદની વિભાવનાઓ મૂળભૂત રીતે એકબીજાથી અલગ છે.

ભારતના રાજદૂતે સુરક્ષા પરિષદના 1965ના વિસ્તરણનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે અસ્થાયી સભ્યોની સંખ્યા 6થી વધારીને 10 કરવામાં આવી હતી, જ્યારે કાયમી સભ્યોની સંખ્યા પાંચ જ રાખવામાં આવી હતી. તેના કારણે કાયમી અને ચૂંટાયેલા સભ્યોનો ગુણોત્તર 5:6થી બદલાઈને 5:10 થયો હતો. ભારતના મતે, આ ફેરફારથી પાંચ કાયમી સભ્યોની નિર્ણય પ્રક્રિયા પરની પકડ વધુ મજબૂત બની હતી. ભારતે કહ્યું છે કે વીટો પાવરને મર્યાદિત કરવાના મુદ્દા પર સુરક્ષા પરિષદના અન્ય સુધારાઓથી અલગ રહીને વિચાર કરી શકાય નહીં. સભ્યપદની શ્રેણીઓ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ, પરિષદનું કદ અને તેની કાર્યપદ્ધતિ જેવા મુદ્દાઓને પણ સાથે ધ્યાનમાં લેવા જોઈએ.

ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં કાયમી અને અસ્થાયી બંને પ્રકારના સભ્યપદની સંખ્યા વધારવાની માગ કરી રહ્યું છે. ભારતનું કહેવું છે કે 1945માં રચાયેલી સુરક્ષા પરિષદ 21મી સદીની ભૌગોલિક-રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી. ભારત 2028-29ના કાર્યકાળ માટે અસ્થાયી બેઠક મેળવવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે. આ બેઠક માટેની ચૂંટણી જૂન 2027માં યોજાવાની છે, જેમાં એશિયા-પ્રશાંત જૂથની એક બેઠક માટે ભારત અને તાજિકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા પરિષદમાં સુધારાની પ્રક્રિયા સ્પષ્ટ સમયમર્યાદા અને નિર્ધારિત લક્ષ્યાંકો સાથે આગળ વધવી જોઈએ. તેના માટે લેખિત દરખાસ્તો આધારિત વાટાઘાટો શરૂ કરવાની પણ માગ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોને વીટો પાવરનો વિશેષ અધિકાર મળેલો છે. તેના આધારે કોઈ એક કાયમી સભ્ય મહત્ત્વના પ્રસ્તાવને અટકાવી શકે છે, ભલે અન્ય સભ્યો તેના સમર્થનમાં હોય. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, પ્રતિબંધો, સૈન્ય કાર્યવાહી તથા નવા સભ્યોના પ્રવેશ જેવા મુદ્દાઓ પર આ અધિકાર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતનું વલણ છે કે સુરક્ષા પરિષદમાં વાસ્તવિક સુધારા માટે માત્ર અસ્થાયી સભ્યોની સંખ્યા વધારવી પૂરતી નથી. કાયમી સભ્યપદ, વીટો પાવર અને તમામ સભ્યોના સમાન અધિકારો અંગે પણ નિર્ણય લેવો જરૂરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment