અમેરિકાએ અરબ સાગરમાં ઈરાનના કોનાર્ક નેવી બેઝ પર હુમલો કર્યો

US attack Konarak naval base: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ પૂરો થવાની જગ્યાએ હવે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. અમેરિકાએ ઈરાનના સૌથી શક્તિશાળી અને ખતરનાક મનાતા કોનાર્ક નેવી બેઝ પર હુમલો કરી દીધો છે, જેના કારણે ઈરાન ધુંઆપુઆ થઈ ગયુ છે. ઈરાન તરફે ઉત્તર અરબ સાગરમાં અમેરિકાએ આ હુમલો કરતા યુદ્ધ હવે ખતરનાક વળાંક લેશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે અને યુદ્ધ સમાપ્ત થવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યુ છે, વાતચીતના તમામ રાજદ્વારી પ્રયાસો આ હુમલા બાદ ખોટા સાબિત થયા છે અને આ તમામ વચ્ચે ફારસ અને ઓમાન વચ્ચે આવેલી હોર્મૂઝ સામુદ્રધુની ખુલાવ પર ફરીથી સસ્પેન્સ ઉભુ થયુ છે.

ઈરાની નૌસેનાએ દાવો કર્યો હતો કે મંગળવારે સવારે દક્ષિણ-પૂર્વ ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં ઓમાનની ખાડીના તટ પર આવેલા કોનાર્ક નેવી બેઝ પર અમેરિકાએ ખતરનાક હુમલો કર્યો છે. ચાબહારની ખાડી પાસે અને હોર્મૂઝ સ્ટ્રેટના એક્ઝિટ પોઈન્ટ પર સ્થિત આ નેવી બેઝ પર બે પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકા દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 2 ઈરાની સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.

આ હુમલા અગાઉ ઈરાને ઉત્તર અરબ સાગર તરફ આગળ વધી રહેલા યુએસ નેવીના આર્લે બર્ક ક્લાસના ડિસ્ટ્રોયર વોરશીપને અદ્યતન એન્ટિ શિપ ક્રુઝ મિસાઈલ અને બેલેસ્ટિક મિસાઈલથી ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાના જવાબમાં યુએસએસ જ્યોર્જ એચ.ડબ્લ્યૂ બુશ એરક્રાફ્ટ કેરિયર પરથી ઉડાન ભરેલા એફ/એ-18 સુપર હોર્નેટ લડાકુ વિમાનોએ દક્ષિણ-પૂર્વ ઈરાનમાં આઈઆરજીસી (IRGC) ના ઠેકાનાઓ પર વળતા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત ઈરાનના ઇસ્ફહાન અને કુમ પ્રાંતમાંથી પણ બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

આ ગંભીર હુમલા બાદ કેટલાક એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે ઈરાનના અર્થતંત્રને ઓક્સિજન પૂરુ પાડતો મુખ્ય ઓઈલ એક્સપોર્ટનો માર્ગ ગણાતો ખાર્ગ આઈલેન્ડ અમેરિકાના નિશાને છે. અમેરિકા ઈરાનના આ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યુ હોવાના અહેવાલો પણ માધ્યમોમાં ચમકી રહ્યા છે. એવા પણ દાવાઓ થઈ રહ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ અધિકારીઓ સાથે ખાર્ગ આઈલેન્ડ પર હુમલો કરવા માટે ચર્ચા પણ કરી છે.

મહત્વનું છે કે ઈરાનની તેલ નિકાસના 90 ટકા હિસ્સાનું સંચાલન આ જ આઈલેન્ડ પરથી થાય છે. અમેરિકા મિડ ટર્મ ઈલેક્શન પહેલા ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે નમે તે માટે દબાણ લાવવાના અંતિમ વિકલ્પ તરીકે ઓઈલ ટેન્કરો, પાઈપલાઈનો અને સૈન્ય ઠેકાણાઓ પર સચોટ હુમલા કરવાની યોજના પર વિચાર કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે મોટું આર્થિક અને રાજકીય સંકટ ઊભું થવાની પૂરી શક્યતા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment