અમેરિકામાં દક્ષિણ કેરોલીનામાં પરમાણુ લેબમાં આગ લાગવાના કારણે ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. આગ બુઝાવતા 2 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ લાગવાના કારણે થોડા સમય માટે રેલવે, હવાઈ અને સડક માર્ગ પર રોક લગાવવામાં આવી હતી. એકેન શહેર સ્થિત સવાના રિવર સાઈટ પરિસરમાં આવેલી સવાના રિવર નેશનલ લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. સાંજે 5.30 વાગ્યે આગ લાગ્યા બાદ તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
આગ લાગવાની આ ઘટનામાં અધિકારીઓએ સ્ટ્રક્ચરની બહાર રેડિયોએક્ટિવ મટિરિયલ ફેલાયુ હોવાની શક્યતાને નકારી કાઢી હતી. પરમાણુ કેન્દ્રના એન્ટ્રી પોઈન્ટ બંધ કરી દેવાયા હતા અને બહારથી અંદર કોઈને પણ જવાની અનુમતિ આપવામાં આવી નહતી. પરમાણુ કેન્દ્રની આસપાસના રેલવે, સડક અને હવાઈ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો. જે વિસ્તારમાં આગની ઘટના બની હતી, ત્યાં કર્મચારીઓને જરૂરી ન હોય તો ખસેડી લેવામાં આવ્યા હતા. રાજ્ય અને કેન્દ્રની સરકારોને આ ઘટનાની જાણકારી આપી દેવામાં આવી હતી.
સવાના રિવર સાઈટ અમેરિકાના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલુ મહત્વનું કેન્દ્ર છે. 75 વર્ષથી વધારે સમય સુધી અમેરિકાને સુરક્ષા મિશનમાં આ સાઈટ મદદ કરે છે. આ પરમાણુ કેન્દ્રમાં વ્યવસ્થિત સફાઈ પણ કરવામાં આવે છે જેના કારણે પર્યાવરણ સુરક્ષિત રહે. અમેરિકાના આ ન્યુક્લિયર સેન્ટરનું નિર્માણ 1950ના દશકામાં થયુ હતુ. એ સમયે ત્યાં પાંચ પરમાણુ રિએક્ટર બનાવવામાં આવ્યા હતા. પરમાણુ હથિયાર બનાવવામાં જરૂરી ટ્રિટિયમ, પ્લુટોનિયમ-239 ને આ રિએક્ટરમાં તૈયાર કરવામાં આવે છે. રસાયણિક પદાર્થોને અલગ કરવા માટે અહીં બે સયંત્ર પણ બનાવવામાં આવ્યા છે.









