અમેરિકા હોય કે ચીન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં થઈ રહેલા અતિશય રોકાણને લઈને હવે રોકાણકારોની ચિંતા વધી રહી છે. તેની અસર ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના શેર પર પણ જોવા મળી છે. કંપનીના ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ તેના શેરમાં 13.2 ટકા સુધીનો કડાકો બોલાયો હતો. આટલા મોટા ઘટાડાને કારણે માત્ર 5 મિનિટમાં કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે 48 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. કંપનીના વેચાણના આંકડા અંદાજ કરતાં ઓછા રહેવા અને જાહેરાતની આવકમાં સુસ્તી આવતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો.
ગૂગલ અને તેની પેરેન્ટ કંપની અલ્ફાબેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. કંપની ડેટા સેન્ટર, કમ્પ્યુટિંગ ક્ષમતા અને AI ટેક્નોલોજીના વિકાસ પાછળ જંગી ખર્ચ કરી રહી છે. જોકે, આટલા મોટા ખર્ચ સામે કંપનીને કેટલો નફો મળશે તે અંગે રોકાણકારોમાં સવાલો ઊભા થયા છે. અલ્ફાબેટે જુલાઈમાં જણાવ્યું હતું કે તેનો મૂડી ખર્ચ વધીને આશરે 205 અબજ ડોલર થયો છે, જે અગાઉના વર્ષની સરખામણીએ લગભગ બમણો છે. આટલા મોટા રોકાણ છતાં કંપનીની આવકમાં અપેક્ષા પ્રમાણે વૃદ્ધિ ન દેખાતાં રોકાણકારોની ચિંતા વધી હતી.
કંપનીએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ રોકાણકારોએ મોટા પાયે શેર વેચવાનું શરૂ કર્યું હતું. તેના કારણે અલ્ફાબેટના શેર માત્ર 5 મિનિટમાં 13.2 ટકા તૂટીને 279.43 ડોલર પર પહોંચી ગયા હતા. આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે 500 અબજ ડોલર એટલે કે 48 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. કંપનીના માર્કેટ વેલ્યૂમાં નોંધાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અલ્ફાબેટે ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામોમાં કુલ 111.2 અબજ ડોલરની આવક નોંધાવી હતી. જોકે, આ આંકડો વિશ્લેષકોના અંદાજ કરતાં ઓછો રહ્યો હતો. કંપનીની કુલ આવકમાં અડધાથી વધુ હિસ્સો ધરાવતા જાહેરાતના વ્યવસાયમાં પણ નરમાઈ જોવા મળી હતી. જાહેરાતમાંથી થતી આવક છેલ્લાં પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી નીચા સ્તરે રહી હતી. જાહેરાત કંપનીની આવકનો મુખ્ય સ્ત્રોત હોવાથી તેમાં આવેલી સુસ્તીએ રોકાણકારોની ચિંતા વધારી હતી. AI ક્ષેત્રમાં સતત વધી રહેલા ખર્ચ વચ્ચે આવકના મુખ્ય સ્ત્રોતમાં જ નબળાઈ દેખાતાં શેરમાં વેચવાલી વધી હતી.
ગૂગલને AI ક્ષેત્રમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં ડેટા સેન્ટર, કમ્પ્યુટિંગ અને ઊર્જા સહિતના માળખા પાછળ જંગી ખર્ચ કરવો પડશે. અહેવાલ મુજબ, આ ક્ષેત્રમાં કંપની પર આશરે 1 ટ્રિલિયન ડોલર એટલે કે 96 લાખ કરોડ રૂપિયાના ખર્ચનું ભારણ છે. અગાઉ અમેરિકાની ચિપ નિર્માતા કંપની એનવિડિયાના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થઈ રહેલા મોટા રોકાણ વચ્ચે હવે ટેક કંપનીઓના વાસ્તવિક નફા અને આવક અંગે રોકાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે.










