અમેરિકામાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં અકસ્માતમાં 3ના મોત

અમેરિકાના ઉત્તર-પશ્ચિમ ઓરેગનમાં એક દર્દનાક હવાઈ અકસ્માત સર્જાયો હતો, જેમાં પોર્ટલેન્ડથી આશરે 40 માઈલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલા મૅકમિનવિલે મ્યુનિસિપલ ઍરપૉર્ટ નજીક હવામાં જ બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે 2:15 વાગ્યે થયેલી આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી મેડિકલ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

અમેરિકાના યમહિલ કાઉન્ટીના શેરીફ સેમ ઇલિયટે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અકસ્માત અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘એક હેલિકોપ્ટરમાં બે લોકો સવાર હતા, જેમાં ટેક્સાસના એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને યુનાઇટેડ કિંગડમ (UK)ના એક સ્ટુડન્ટ પાયલટનો સમાવેશ થાય છે. જ્યારે બીજા હેલિકોપ્ટરમાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જે ઓરેગનના ન્યૂબર્ગનો વતની અને પાયલટ હતો. આ ભયાનક ટક્કરમાં ત્રણેય લોકોએ જીવ ગુમાવ્યો છે.’

શેરીફ કાર્યાલય દ્વારા લોકોને ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં જવાનું ટાળવા તથા રાહત કામગીરી દરમિયાન ધીરજ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. આ ગંભીર અકસ્માતનું સાચું કારણ જાણવા માટે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના નેતૃત્વ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પણ સક્રિયપણે જોડાઈને તપાસ કરી રહ્યું છે.

દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરોમાંથી એક હેલિકોપ્ટર ‘જેરી ટ્રિમ્બલ હેલિકોપ્ટર્સ’ કંપનીનું હતું, જે એક ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલ અને પ્રાઇવેટ હેલિકોપ્ટર રેન્ટલ સર્વિસ ચલાવે છે. કંપનીએ અધિકૃત નિવેદન બહાર પાડીને આ દુઃખદ ઘટનામાં પોતાનું એક વિમાન સામેલ હોવાની પુષ્ટિ કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment