અમેરિકા-ઈરાન યુદ્ધ ખતમ કરવા ફરીથી 8 શરતો તૈયાર

વિશ્વ ફરીથી અમેરિકા-ઈરાન યુદ્ધ ખતમ થાય તેવા પ્રયાસોમાં લાગી ગયુ છે. ફરી એક વખત 8 શરતોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. મધ્યસ્થીના પ્રયાસો પણ તેજ થઈ ગયા છે. અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ વોશિંગ્ટનને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી. બીજી તરફ પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર યુદ્ધ ખતમ કરવાના પ્રયાસોના ભાગરૂપે એક જ માસમાં બે બે વખત ઈરાનના પ્રવાસે જઈ આવ્યા છે. સાઉદી અખબાર અલ અરેબિયાએ એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. અખબારમાં યુદ્ધ ખતમ કરવા માટે 8 શરતો અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ હાલમાં તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે. અમેરિકા પાસે પૂરતો સમય છે અને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ મને કે અમેરિકાને નથી.

સાઉદી અખબાર અલ અરબિયાના દાવા અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં મુખ્યત્વે પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝની ખાડીની અને આર્થિક પ્રતિબંધો અંગેની શરતો સામેલ છે.

  1. ઈરાન પોતાના એનરિચ યુરેનિયમના જથ્થાને કોઈ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરે. આ ઉપરાંત યુરેનિયમ સંવર્ધનનું સ્તર ઘટાડવાનો વિકલ્પ પણ રહેશે.
  2. બંને પક્ષો વચ્ચે સહમતી થયા બાદ સાત દિવસની અંદર હોર્મુઝની ખાડીનીમાં વ્યાવસાયિક જહાજોની અવરજવર ફરી શરૂ થઈ શકે છે.
  3. અમેરિકા સમજૂતીના અમલીકરણ અને તેને જાળવી રાખવા માટે ગેરંટરની ભૂમિકા ભજવી શકે છે.
  4. અમેરિકા અને ઈરાન વચ્ચે કતરની રાજધાની દોહામાં સીધી વાટાઘાટો થઈ શકે છે.
  5. ઈરાન પરમાણુ અને દરિયાઈ સુરક્ષા સંબંધિત પગલાં લેશે, જ્યારે અમેરિકા ઈરાન સામેના પ્રતિબંધો, ઘેરાબંધી અને આર્થિક પાબંદીઓ હળવી કરવા પગલાં લેશે.
  6. સમજૂતીના દરેક આગામી તબક્કાનો અમલ કરતાં પહેલાં સ્વતંત્ર ચકાસણી વ્યવસ્થા દ્વારા બંને પક્ષોની પ્રતિબદ્ધતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
  7. કોઈપણ પક્ષને મોટી છૂટ આપવામાં આવશે નહીં, જ્યાં સુધી તેને સ્વતંત્ર રીતે ચકાસી શકાય તેવી ખાતરી ન મળે.
  8. મધ્યસ્થીઓ અને ગેરંટર દેશોને સામેલ કરીને એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જે સમજૂતીના અમલમાં વિલંબ અથવા તેના ઉલ્લંઘનને દૂર કરી શકે. તેનાથી ફરીથી સૈન્ય તણાવ ઊભો થતો અટકાવવામાં મદદ મળશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાને પણ પોતાના પ્રયાસો તેજ કર્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર આ મહિનામાં બે વખત ઈરાનની મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓ બંને દેશો વચ્ચે મુખ્ય મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. શુક્રવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તાને મુનીરની ઈરાન મુલાકાત અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે આ પ્રયાસોને સકારાત્મક ગણાવ્યા હતા. પાકિસ્તાની સેનાના પ્રવક્તા ચૌધરીએ કહ્યું, “જો કંઈક સકારાત્મક ન હોત તો ફીલ્ડ માર્શલ બે વખત ઈરાન શા માટે ગયા હોત? હા, ચોક્કસપણે.” આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શાંતિ સમજૂતીનો ડ્રાફ્ટ સામે આવતાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો આગળ વધવાની આશા વધી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment