Autophagy Benefits Gujarati : આજના ભાગદોડ ભરેલા જીવનમાં બધા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહીએ છીએ. પરંતુ સહેજ ભૂખ લાગે એટલે ફ્રિજમાંથી અથવા તો કોઈ નાસ્તો શોધીને ખાઈ લૈયે છીએ. વર્ષોથી શીખવવામાં આવ્યું છે કે, સુખાકારી શરીર સ્વાસ્થ્ય માટે સમયસર જમી લેવું જોઈએ. પરંતુ, શું તમે એવું ક્યારેય વિચાર્યું છે કે ક્યારેક ભૂખ્યા રહેવું તમારા શરીર માટે કોઈ ચમત્કારથી કમ નથી? આ કોઈ અફવા નથી પણ એક થયેલા વિવિધ રિસર્ચમાં સાબિત થયેલું વિજ્ઞાન છે. ચાલો આજે સમજીએ કે શા માટે ક્યારેક ભૂખ્યા રેહવું પણ તમારા શરીર માટે વરદાન સાબિત થઈ શકે છે.

ઓટોફેગી(Autophagy) શું છે? | શરીરનો ‘સર્વાઇવલ મોડ’
જ્યારે તમે આશરે ૧૪ થી ૧૬ કલાક સુધી કંઈ જ ખાતા નથી, ત્યારે આપણા શરીરમાં એક કુદરતી પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં ઓટોફેગી(Autophagy) કહેવામાં આવે છે. ગ્રીક ભાષામાં ‘ઓટો’ એટલે ‘પોતાની જાતે’ અને ‘ફેગી’ એટલે ખાવુ થાય છે. જ્યારે આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ છીએ, ત્યારે શરીરમાં એક અદભુત સેલ્યુલર પ્રોસેસ શરૂ થાય છે, જેને ‘ઓટોફેગી’ કહેવાય છે.
જ્યારે આપણા શરીરને બહારથી ખોરાક મળતો બંધ થાય છે, ત્યારે તે ‘સર્વાઇવલ મોડ’ માં જતું રહે છે. આ પરીસ્થિતિમાં શરીર ઊર્જા મેળવવા માટે પોતાની જ અંદર રહેલા ડેમેજ (Damaged Cell Recycling) થયેલા, વૃદ્ધ કે બીમાર કોષો (cells) ને ખાવા લાગે છે અને તેને રિસાઇકલ કરીને નવી ઊર્જા મેળવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, શરીર પોતાની જાતે જ પોતાની અંદરથી સફાઈ અને રિપેરિંગ કરે છે. આ કોઈ સામાન્ય થિયરી નથી. જાપાનના વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમી (Yoshinori Ohsumi) ને ‘ઓટોફેગી’ની આ જ મિકેનિઝમ શોધવા માટે વર્ષ ૨૦૧૬ માં ફિઝિયોલોજી/મેડિસિનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

વિશ્વના પ્રતિષ્ઠિત અભ્યાસો (Studies) શું કહે છે?
દુનિયાભરમાં ઓટોફેગી (Autophagy) પર થયેલા વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો અને રિસર્ચ (Scientific Studies) પર નજર કરીયે તો,
- ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન (NEJM) ની રિસર્ચ : વિશ્વના આ સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ, જયારે વ્યક્તિ ૧૪ થી ૧૬ કલાક સુધી કશુ ખાતા નથી, ત્યારે શરીરમાં મેટાબોલિક સ્વિચ(Metabolic Switch) થાય છે. ત્યારે શરીરમાં સંગ્રહ થયેલી થયેલી સુગર (ગ્લાયકોજન) પૂરી થતાં જ શરીર ચરબી બાળવાનું શરૂ કરે છે અને ઓટોફેગીની પ્રક્રિયા સક્રિય (active) થાય છે.
- ન્યુરોસાયન્સ અને મગજના રોગો પર રિસર્ચ : જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટ માર્ક મેટસનના રિસર્ચ દર્શાવે છે કે, લાંબા સમયના ઉપવાસથી મગજના કોષોમાંથી ખરાબ પ્રોટીન સાફ થાય છે. જેનાથી પાર્કિન્સન્સ (Parkinson’s) અને અલ્ઝાઈમર (Alzheimer’s) જેવી ગંભીર બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

ઋષિ-મુનિઓનું ૧૦૦ વર્ષનું આયુષ્ય
આપણને કદાચ આધુનિક વિજ્ઞાન દ્વારા ‘ઓટોફેગી’ શબ્દ આજે સમજતા થયા છે, પરંતુ આપણા ઋષિ-મુનિઓ અને પૂર્વજો સદીઓ પહેલા આ વિજ્ઞાનને સમજતા હતા. ભારતીય સંસ્કૃતિમાં અગિયારસ, નવરાત્રી કે અન્ય તહેવારોમાં ‘ઉપવાસ’ (Fasting) કરવાનું જે મહત્વ દર્શાવવામાં આવ્યું છે, તેનો મૂળ ઉદ્દેશ્ય ધાર્મિક તો હતો જ પરંતુ વૈજ્ઞાનિક પણ હતો.આપણા વડવાઓ જાણતા હતા કે શરીરને મશીનની જેમ સતત ચલાવતા રહેવા કરતાં, તેને થોડો આરામ આપવાથી શરીર પોતાની જાતે જ રિપેર થઈ જાય છે. આ જ કારણ થી પ્રાચીન સમયમાં લોકો ગંભીર બીમારીઓ વિના સો-સો વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવતા હતા.

આનો અમલ કેવી રીતે કરવો?
તમારી દિનચર્યામાં એક નાનકડો ફેરફાર મોટું પરિણામ આપી શકે છે. જો તમે રાત્રે ૮ વાગ્યે જમી લો છો, તો બીજા દિવસે સવારે નાસ્તો કરવાને બદલે સીધું બપોરે ૧૨ વાગ્યે જમો. આ ૧૬ કલાક દરમિયાન તમે માત્ર પાણી પી શકો છો. જો રોજ આવું કરવું શક્ય ના હોય તો મહિનામાં ઓછામાં ઓછો એક કે બે દિવસ ૧૬ થી ૨૪ કલાકનો ઉપવાસ ચોક્કસ કરો.
એક નાનકડી સલાહ
જયારે ઉપવાસ છોડીયે ત્યારે એકસાથે ભારે ખોરાક ખાવાને બદલે ફળ કે હળવો ખોરાક લેવો જોઈએ. જો તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો આ પ્રયોગ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો. આપણું શરીર એક અદભુત રચના છે. તેનેં દવાઓથી સાજા કરવાને બદલે ક્યારેક તેને પોતાની જાતે સાજા થવાની તક આપો. આવતા મહિને એક દિવસ નક્કી કરો અને તમારા શરીરને અંદરથી રિપેર થવાનો મોકો આપો.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આભ ફાટ્યું, પૂર-ભૂસ્ખલનને વૈષ્ણોદેવી યાત્રા બંધ

