Ahmedabad PG Rape Case : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી ઇન્ટિરિયર ડિઝાઇનિંગની વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મના કેસમાં હવે વધુ એક મોટો વળાંક આવ્યો છે. પોલીસે ઝડપેલા આરોપી ધર્મસિંહને(Dharmsinh Accused) તપાસ માટે હેબતપુર વિસ્તારમાં સ્પોટ પંચનામું માટે લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપી ધર્મસિંહએ પોલીસ કાફલા પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે જયારે આરોપીને તપાસના ભાગરૂપે હેબતપુર વિસ્તારમાં સ્પોટ પંચનામા અર્થે લઈ ગઈ હતી તે દરમિયાન આરોપી ધર્મસિંહે અચાનક જ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં એક પોલીસ કર્મચારીને પણ શારીરિક ઈજાઓ પહોંચી હતી. પોલીસ કર્મચારીઓની સુરક્ષા ધ્યાનમાં રાખતા સ્થળ પર હાજર ઉચ્ચ અધિકારીએ સ્વબચાવમાં પોતાની સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગના ભાગે વાગતાં જ તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્ત આરોપી ધર્મસિંહ તેમજ ઘાયલ થયેલા પોલીસકર્મીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી ઇન્ટિરિયર ડિઝાઇનિંગની વિદ્યાર્થિની પર સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર વિદ્યાર્થિની રાત્રિના સમયે જયારે સોસાયટીના ધાબા ચાલવા પર ગઈ હતી. ત્યારે આરોપી ત્યાં પહોંચી ગયો હતો અને ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં આરોપીએ વિદ્યાર્થિનીનું ગળું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતાં નીચે રહેતા મકાનમાલિકો ઉપર દોડી આવ્યા હતા અને દરવાજો ખોલી પોલીસને જાણ કરી હતી.

ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ધરમસિંહની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેનું મેડિકલ અને ડીએનએ ટેસ્ટિગ કરાવ્યા બાદ તેને હેબતપુર વિસ્તારમાં પંચનામું કરવા લઇ ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસ પકડમાંથી ભાગવા માટે PI પરમારની સર્વિસ પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઝપાઝપીમાં પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્ર સિંહને પગમાં ગોળી વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે. ઝપાઝપી દરમિયાન ફાયરિંગ થતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી અને હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસ આરોપીને હોસ્પિટલ લાવી ત્યારે આરોપી લંગડાતા લંગડાતા કહી રહ્યો હતો કે હવે ફરીવાર આવું નહીં કરું મને એકવાર માફ કરીને જવા દો.
આ પણ વાંચો : શું તમે પણ પાસપોર્ટ કઢાવવા માંગો છો? તો પહેલા રાજ્ય પોલીસ વડાનો આ નવો આદેશ વાંચી લેજો









