ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Ahmedabad Rain Alert : ગુજરાતમાં રેડ એલર્ટ, અમદાવાદમાં જળબંબાકારથી જનજીવન ઠપ

Ahmedabad Rain Alert

Ahmedabad Rain Alert : આજે હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 18 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.

11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જુલાઈમાં હવે અમદાવાદ પણ ભીંજાયું,. હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે મેગા સિટી અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ઉલ્લેખનીય છે, કે ગુજરાતમાં 22મી જુલાઈએ 150થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યા બાદ 23મી જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનનો મારો ફુંકાશે. તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

 

Gujarat Weather Update
Gujarat Weather Update

તમામ શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર

સવારથી વરસેલા અતિભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના જિલ્લા કલેક્ટરની ખાસ સૂચના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે (શુક્રવારે) રજા જાહેર કરવામાં આવી છે.

શાળાઓ માટે DEOની ખાસ માર્ગદર્શિકા

શહેરમાં શાળાઓ અને કોલેજોમાં પાણી ભરાયા હોય તો શાળા સંચાલકોને પોતાની વિવેકબુદ્ધિથી રજા આપવા અથવા વિદ્યાર્થીઓને વહેલા છોડવા સિટી DEO દ્વારા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં ભારે વરસાદ બાદ ચાણક્યપુરી-ગોતા હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. સિલ્વર રેડિયન્સ-4 નજીક માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સોલા બ્રિજ પાસે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જ્યારે અનેક વાહનો પાણીમાં ફસાઈ જતાં અથવા બંધ પડી જતાં વાહનચાલકો વાહનોને ધક્કો મારવા મજબૂર બન્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો ફસાયો

ભારે વરસાદ ના પગલે S.G. હાઈવે પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિકમાં પેલેડિયમ મોલ ચાર રસ્તા પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ ફસાઈ ગયો હતો. ટ્રાફિક હળવો કરવા માટે પેલેડિયમ મોલ પાસેનો રોડ કટ પણ ખોલવો પડ્યો હતો.

શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને અમદાવાદીઓ ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. સિલ્વર ઓક યુનિવર્સિટી આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે અનેક વાહનો બંધ પડી ગયા, જ્યારે વાહનચાલકો પોતાના વાહનોને ધક્કા મારી બહાર કાઢતા જોવા મળ્યા. વરસાદના થોડા જ સમયમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિએ અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

અંડરપાસ બંધ અને વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે અખબાર નગર, પરિમલ, જલારામ, ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં વાસણા બેરેજના 3 ગેટ ખોલી દેવાયા છે અને સાબરમતી નદી કિનારે ન જવાની નાગરિકોને કડક અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભારત સામેની સિરીઝ માટે ઝિમ્બાબ્વેની ટીમ જાહેર, જાણો કયા 3 મોટા ફેરફાર થયા

Join WhatsApp

Join Now

Leave a Comment