EPFO Auto Refund : લાખો કર્મચારીઓ માટે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ (EPFO) મોટી રાહત લાવવાની તૈયારીમાં છે. અત્યાર સુધી નિષ્ક્રિય (Inactive) PF એકાઉન્ટમા જમા રકમ મેળવવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન ક્લેમ કરવો ફરજિયાત હતો. પરંતુ હવે EPFO નિષ્ક્રિય PF ખાતામાં વર્ષોથી પડેલી રકમ ખાતાધારક સુધી પહોંચાડવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) નવી ઓટો-રિફંડ વ્યવસ્થા તૈયાર કરી રહ્યું છે. જેના દ્વારા PFની બાકી રકમ સીધી આધાર અને EPFO સાથે જોડાયેલા બેંક ખાતામાં જમા થઈ શકશે.
શું છે EPFOની નવી ઓટો-રિફંડ યોજના?
ઘણા લોકો માટે જૂના UAN, બેંક ખાતું, KYC અથવા દસ્તાવેજોની સમસ્યાના કારણે નાની રકમ મેળવવાની પ્રક્રિયા મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા EPFO એવી વ્યવસ્થા વિકસાવી રહ્યું છે જેમાં સિસ્ટમ પોતે જ યોગ્ય નિષ્ક્રિય ખાતાની ઓળખ કરશે. બેંક ખાતું અને ખાતાધારકની ઓળખ સફળતાપૂર્વક ચકાસાયા બાદ સિસ્ટમ દ્વારા ક્લેમ આપમેળે શરૂ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં કોને મળશે લાભ?
પ્રથમ તબક્કામાં એવા નિષ્ક્રિય PF ખાતાઓને સામેલ કરવામાં આવ્યા છે જેમાં ₹1,000 અથવા તેનાથી ઓછી રકમ જમા છે. લગભગ 7.10 લાખ નિષ્ક્રિય ખાતાઓની ઓળખ થઈ છે. તેમાં આશરે ₹30.52 કરોડની અનક્લેમ્ડ રકમ જમા છે અને અત્યાર સુધી 1.18 લાખ ખાતાઓની ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
પૈસા ક્યારે ખાતામાં આવશે?
C-DAC દ્વારા EPFOના IT પ્લેટફોર્મને વધુ સક્ષમ બનાવવા પર કામ ચાલી રહ્યું છે. C-DAC દ્વારા આ નવા પ્લેટફોર્મમાં System Generated Claim નામનું ફીચર ઉમેરવામાં આવી રહ્યું છે. આ નવા ફીચરનું કામ એ રહેશે કે નિષ્ક્રિય ખાતાઓની ઓળખ કર્યા પછી ક્લેમ પ્રક્રિયા સિસ્ટમ જાતે જ શરૂ કરી દેશે.
ઓગસ્ટ 2026ના અંત સુધીમાં આ IT અપગ્રેડનું કામ પૂર્ણ થવાની અપેક્ષા છે. પ્લેટફોર્મ તૈયાર થયા બાદ સફળતાપૂર્વક ચકાસાયેલા ખાતાધારકોના બેંક ખાતામાં તબક્કાવાર રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, તમામ ખાતાધારકોને એકસાથે પૈસા મળશે એવું જરૂરી નથી. બેંક અને આધારની વિગતોની ચકાસણીના આધારે અલગ-અલગ તબક્કામાં રકમ ટ્રાન્સફર થઈ શકે છે.
બેંક ખાતાની કેવી રીતે થશે ચકાસણી?
EPFO દ્વારા PFના પૈસા ખોટા બેંક ખાતામાં ન જાય તે માટે ખાસ ચકાસણી પ્રક્રિયા અપનાવવામાં આવશે. તે માટે ખાતાધારકના આધાર સાથે જોડાયેલી બેંક ખાતાની વિગતો તપાસવામાં આવશે. અને પ્રતીકાત્મક રીતે 1 રૂપિયો બેંક ખાતામાં મોકલીને બેંક ખાતું સક્રિય છે કે નહીં અને વિગતો સાચી છે કે નહીં તે ચકાસવામાં આવશે. અને ત્યારબાદ જ ઓટો-રિફંડની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આથી ખાતાધારકે ખાતરી કરવી જરૂરી છે કે PF ખાતામાં નોંધાયેલ બેંક ખાતું સક્રિય હોય અને આધાર સાથે યોગ્ય રીતે જોડાયેલું હોય.
આગામી તબક્કામાં કરોડો રૂપિયાની રકમ મળશે
પ્રથમ તબક્કાનો પ્રયોગ સફળ રહેશે તો EPFO આ યોજનાનો વ્યાપ વધારી શકે છે. આગામી તબક્કામાં ₹1,000થી વધુ રકમ ધરાવતા લગભગ 24.76 લાખ નિષ્ક્રિય PF ખાતાઓને પણ ઓટો-રિફંડ યોજનામાં સામેલ કરવાની તૈયારી છે.
આ ખાતાઓની રકમ વધારે હોવાથી ઓળખ અને બેંક ખાતાની ચકાસણી વધુ કડક રીતે કરવામાં આવી શકે છે. તમામ વિગતો સાચી હોવાનું નક્કી થયા બાદ જ ખાતામાં પૈસા જમા થશે.
નિષ્ક્રિય PF ખાતામાં કેટલા પૈસા કેટલા પૈસા અનક્લેમ્ડ છે?
ઘણા કર્મચારીઓ નોકરી બદલતી વખતે જૂનું PF ખાતું નવી કંપનીના PF ખાતા સાથે ટ્રાન્સફર કરાવતા નથી. કેટલાક કર્મચારીઓ લાંબા સમય સુધી પોતાના જૂના ખાતામાં પડેલી રકમ માટે ક્લેમ પણ કરતા નથી. લગભગ 31.80 લાખથી વધુ PF ખાતાઓ નિષ્ક્રિય છે. અને આ ખાતાઓમાં કુલ મળીને આશરે ₹10,900 કરોડની રકમ અનક્લેમ્ડ છે.
લાખો કર્મચારીઓને મળશે મોટી રાહત
EPFOની આ નવી ઓટો-રિફંડ વ્યવસ્થા એવા કર્મચારીઓ માટે મોટી રાહત બની શકે છે, કે જેમણે વર્ષો પહેલાં નોકરી બદલી હતી અને જૂના PF ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને ક્લેમ કર્યો નથી. જોકે, ઓટોમેટિક ટ્રાન્સફર માટે આધાર, UAN અને બેંક ખાતાની વિગતો સાચી અને ચકાસાયેલી હોવી સૌથી જરૂરી રહેશે.
આ પણ વાંચો : 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, 8 ઇંચ સુધી વરસાદની શક્યતા

