Passport Police Verification Rules 2026 : ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય પોલીસ વિભાગે પાસપોર્ટ માટે વેરિફિકેશનની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા હેતુ કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નવા દિશા નિર્દેશો મુજબ હવે અરજદારે વેરિફિકેશન માટે બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહીં. આ સુધારાથી રાજ્યમાં પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ઝડપી બનશે અને અરજદારોનો સમય તથા મહેનત બંને બચશે.
પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની જરૂર નથી
પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન પોલીસ હવે મુખ્યત્વે અરજદારની નાગરિકતા (Citizenship) અને તેનો કોઈ ગુનાઈત પૂર્વ ઈતિહાસ (Criminal Record) છે કે નહીં, તે બાબતની જ ચકાસણી કરવાની રહેશે. સામાન્ય કેસમાં પોલીસ કર્મચારી અરજદારના ઘરે જઈને સરનામું ચકાસશે નહી એટલે કે અરજદારના રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂર રહેશે નહીં.
શંકાસ્પદ કેસમાં જ ઘરે તપાસ
અમુક કિસ્સામાં પોલીસને શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ તપાસ કરવાની જરૂર લાગે, તો જ પોલીસ કર્મચારી અરજદારના રહેઠાણની મુલાકાત લેવાની રહેશે. પરંતુ આવા કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી શકાશે નહીં. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા કરાયેલા નિર્ણયથી ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, નોકરીયાત લોકો અને દૂરના વિસ્તારોમાં રહેતા અરજદારોને મોટી રાહત મળશે.

રાજ્ય પોલીસ વડાની સૂચના – આદેશનું કડક પાલન કરવા સૂચના
રાજ્યના પોલીસ મહાનિર્દેશક જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનો અને સંબંધિત અધિકારીઓને નવા દિશા-નિર્દેશોનું કડક પાલન કરવા જણાવ્યું છે. સાથોસાથ, તેમને નાગરિકોને અપીલ પણ કરી છે કે, લોકો નવી પ્રક્રિયા અંગે માહિતગાર રહે અને પાસપોર્ટ વેરિફિકેશનના નામે કોઈ બિનજરૂરી પ્રક્રિયા અથવા ગેરસમજનો ભોગ ન બને.
આ પણ વાંચો : અભિનેત્રી તૃષા અંગેની કથિત ટિપ્પણીથી વિવાદ, ઉદયનિધિ સ્ટાલિનને ઘરમાંથી ઉઠાવી ગઈ પોલીસ








