Life Insurance Corporation of India OFS : દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LICને લઇને ઇન્વેસ્ટરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ઓફર ફોર સેલ એટલે કે OFS મારફતે LICમાં પોતાની વધુમાં વધુ 6.5 ટકા ભાગીદારી વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. શરૂઆતમાં કેન્દ્ર સરકાર LICનો 2 ટકા હિસ્સો વેચશે. રોકાણકારો તરફથી વધુ માગ જોવા મળશે તો વધારાનો 4.5 ટકા હિસ્સો પણ વેચવામાં આવશે. સમગ્ર OFS સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ થાય તો સરકારને આશરે ₹31,400 કરોડ મળી શકે છે. OFS બાદ LICમાં પબ્લિક શેરહોલ્ડિંગ વર્તમાન 3.5 ટકાથી વધીને લગભગ 10 ટકા થઈ શકે છે.
LICનો OFS ક્યારે ખુલશે?
LICનો OFS આજરોજ એટલે કે 4 ઓગસ્ટ 2026ના રોજ નોન-રિટેલ એટલે કે મોટા અને સંસ્થાકીય રોકાણકારો માટે ખુલ્યો છે. 5 ઓગસ્ટ 2026ના રોજ રિટેલ રોકાણકારો અને પાત્ર LIC કર્મચારીઓ શેર માટે બિડ કરી શકશે.
OFS માટે પ્રતિ શેર ₹382ની ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. 3 ઓગસ્ટે NSE પર LICનો શેર ₹428.50 પર બંધ થયો હતો. આ રીતે OFSની ફ્લોર પ્રાઇસ અગાઉના બંધ ભાવથી લગભગ 10.85 ટકા ઓછી રાખવામાં આવી છે.

સરકાર LICનો હિસ્સો કેમ વેચી રહી છે?
સરકારે મેં 2022માં LICના IPO દરમિયાન કંપનીનો 3.5 ટકા હિસ્સો જાહેર રોકાણકારોને વેચ્યો હતો. ત્યારથી સરકાર પાસે LICનો લગભગ 96.5 ટકા હિસ્સો છે. 16 મે 2027 સુધીમાં LICને ઓછામાં ઓછું 10 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હાંસલ કરવાનો સમય આપવામાં આવ્યો છે. જો આ OFS સંપૂર્ણ રહે તો કંપનીનો જાહેર હિસ્સો 10 ટકા સુધી પહોંચી શકે છે અને આ નિયમ સમયમર્યાદા પહેલાં પૂર્ણ થઈ શકે છે.
શું OFS રોકાણકારો માટે કમાણીની તક છે?
4 ઓગસ્ટે OFSની જાહેરાત બાદ LICના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને શેર લગભગ 9 ટકા સુધી ઘટ્યો હતો. બજારમાં શેરની કિંમત કંપનીના પરિણામો, વેલ્યુએશન, સરકારી હિસ્સાના વેચાણ, વીમા ક્ષેત્રની સ્થિતિ અને રોકાણકારોની માગ પ્રમાણે ઉપર-નીચે થઈ શકે છે. નોન-રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવેલો હિસ્સો OFSના પ્રથમ દિવસે 1.66 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, જે સંસ્થાકીય રોકાણકારોની મજબૂત માગ દર્શાવે છે.

રોકાણ પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખો
OFSની ફ્લોર પ્રાઇસ શેરની ખાતરીપૂર્વકની ખરીદી કિંમત કે નફાની ગેરંટી નથી. રિટેલ રોકાણકારોએ કંપનીની નાણાકીય સ્થિતિ, વૃદ્ધિ, વેલ્યુએશન, જોખમ અને પોતાની રોકાણ ક્ષમતાનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવો જોઈએ.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર સમાચાર અને શૈક્ષણિક હેતુથી આપવામાં આવી છે. તેને શેર ખરીદવા કે વેચવાની સલાહ ન ગણવી. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતાં પહેલાં સેબી-રજિસ્ટર્ડ નાણાકીય સલાહકારની સલાહ લેવી.
આ પણ વાંચો : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ











