Surat Liquor Party : સુરતમાં દારૂબંધી વચ્ચે ફરી એકવાર દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે. ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારમાં આવેલી રાજહંસ બેલિઝા બિલ્ડિંગના એક ફ્લેટમાં પોલીસે મોડીરાત્રે દરોડો પાડ્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન ફ્લેટમાંથી વિદેશી દારૂ સાથે 6 કાપડ વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ફ્લેટ માલિક સહિત કાપડના 6 વેપારીઓની ધરપકડ
મળતી માહિતી પ્રમાણે, ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારની રાજહંસ બેલિઝા બિલ્ડિંગના ટાવર-Bના એક ફ્લેટમાં રવિવાર, 16 ઓગસ્ટની મોડીરાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. કેટલાક કાપડ વેપારીઓ વિદેશી દારૂ સાથે પાર્ટી કરતા મળી આવ્યા હતા. પોલીસે ફ્લેટ માલિક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ
પોલીસે ઝડપેલા લોકોમાં ફ્લેટ માલિક અનુપ પાંપાળિયા (ઉં.વ. 34, ફ્લેટ માલિક), ગોપાલ રાઠી (ઉં.વ. 34), ધીરજ પાંપાળિયા (ઉં.વ. 27), આનંદ પાંપાળિયા (ઉં.વ. 30), મુદસીર માંકડા (ઉં.વ. 34) અને ગગન ચાંડક (ઉં.વ. 24) નો સમાવેશ થાય છે.

10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પોલીસની કાર્યવાહીમાં ફ્લેટમાંથી રૂ.1,07,180ની કિંમતની વિદેશી દારૂની 14 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત 8 મોબાઈલ ફોન, જેની કુલ કિંમત આશરે રૂ.4 લાખ છે, તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રૂ.5 લાખની કાર પણ જપ્ત કરવામાં આવી છે.
આ રીતે પોલીસે કુલ રૂ.10,07,180નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે તમામ 6 લોકો સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અગાઉ પણ ડુમસમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પડ્યા હતા દરોડા
ઉલ્લેખનીય છે કે, ડુમસ વિસ્તાર અગાઉ પણ આવી હાઈપ્રોફાઈલ મહેફિલો માટે ચર્ચામાં રહ્યો છે. અગાઉ એક ફાર્મ હાઉસમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટીમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન કરી રહેલી 8 યુવતીઓ અને 14 યુવકો સહિત 22 લોકો પોલીસના હાથે ઝડપાયા હતા.









