ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

‘કોંગ્રેસે વંદે માતરમના બે ટુકડા કર્યા’ : અમિત શાહ, 937ના નિર્ણયને લઈને ઘમાસાણ

Vande Mataram Controversy

Vande Mataram Controversy : દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના ગાનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો રાજકીય વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પાર્ટીના કાર્યક્રમોમાં રાષ્ટ્રીય ગીતના માત્ર પ્રથમ બે અંતરા ગાવાનો નિર્ણય યથાવત રાખ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નિર્ણય પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે 1937ની રાજકીય પરંપરાને આગળ ધપાવીને ફરી એ જ ઐતિહાસિક ભૂલનું પુનરાવર્તન કર્યું છે.  

અમિત શાહે કોંગ્રેસ સામે શું કહ્યું?

આ સમગ્ર વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નિર્ણય પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે, 1937માં કોંગ્રેસે લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિને ધ્યાનમાં રાખીને ‘વંદે માતરમ’ને મર્યાદિત કરવાની દિશામાં નિર્ણય લીધો હતો અને તેની અસર દેશના ભાગલા સુધી પહોંચેલી રાજકીય પ્રક્રિયા સાથે પણ જોડ્યો છે.

કોંગ્રેસે બે અંતરા ગાવાનો નિર્ણય કેમ લીધો?

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ 19 ઓગસ્ટની બેઠક બાદ નક્કી કર્યું હતું કે પાર્ટીના કાર્યક્રમોમાં વંદે માતરમના પ્રથમ બે અંતરા જ ગાવવામાં આવશે. અહેવાલો અનુસાર કોંગ્રેસનું કહેવું છે કે આ નિર્ણયન 1937થી ચાલતી તેની ઐતિહાસિક પરંપરા સાથે જોડાયેલો છે. એટલે કે આ કોઈ નવો નિર્ણય નથી પરંતુ દાયકાઓથી ચાલતી આંતરિક પરંપરાનો ભાગ હોવાનું કોંગ્રેસ તરફથી રજૂ કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે પણ ભાજપ પર ‘વંદે માતરમ’ને રાજકીય મુદ્દો બનાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે આ ગીત સ્વતંત્રતા સંગ્રામ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલું છે અને પાર્ટીનું ઐતિહાસિક વલણ એ જ પરંપરાનો ભાગ છે. 

150 વર્ષની ઉજવણી વચ્ચે ગરમાયું રાજકારણ

વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કેન્દ્ર સરકારે 7 નવેમ્બર 2025થી 7 નવેમ્બર 2026 સુધી દેશભરમાં રાષ્ટ્રીય ગીતને લઈને વિવિધ કાર્યક્રમો અને સંપૂર્ણ સંસ્કરણના ગાન પર ઉજવણી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ‘વંદે માતરમ’ને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી ઐતિહાસિક રચના ગણાવી હતી અને દેશભરમાં તેના સંપૂર્ણ સંસ્કરણના સામૂહિક ગાનના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ જ સમયગાળામાં કોંગ્રેસે પોતાના કાર્યક્રમોમાં પ્રથમ બે અંતરા જ ગાવાનું વલણ જાળવી રાખતા રાજકીય ટકરાવને વધુ વેગ મળ્યો છે.

ભાજપ થયું આક્રમક

ભાજપના નેતાઓ હવે આ નિર્ણયને મોટો રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. ભાજપ પ્રમુખ નિતિન નબીને પણ કોંગ્રેસની ટીકા કરતાં તેના 1937ના વલણનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ તરફથી જોકે આ તમામ આરોપોને રાજકીય પ્રચાર ગણાવીને જવાબ આપવામાં આવી રહ્યો છે.

આગળ શું?

એક તરફ અમિત શાહ અને ભાજપ કોંગ્રેસના નિર્ણયને ઐતિહાસિક ભૂલ અને તુષ્ટિકરણની રાજનીતિ સાથે જોડી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે પોતાના સંગઠનાત્મક કાર્યક્રમોમાં બે અંતરા ગાવાના નિર્ણય પર અડગ રહેવાનું નક્કી કર્યું છે. અને પોતાના નિર્ણયને ઐતિહાસિક પરંપરા ગણાવી રહી છે. અમિત શાહના તાજા નિવેદન બાદ આ મુદ્દો ફરી રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવ્યો છે. તેથી ‘વંદે માતરમ વિવાદ’ હવે માત્ર ગીતના ગાન સુધી સીમિત રહ્યો નથી, પરંતુ તે ફરી એક વખત રાષ્ટ્રીય રાજકારણનો મોટો મુદ્દો બની ગયો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment