India-Chin LAC Conflict: ITBP ના મહાનિર્દેશક શત્રુજીત કપૂરે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે અરૂણાચલ પ્રદેશમાં LAC નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હજુ પણ ઘર્ષણ યથાવત જ છે. તેમના આ ખુલાસાના કારણે કેન્દ્ર સરકાર સખત ટેન્શનમાં આવી ગઈ છે અને વિપક્ષોને સરકાર પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે.
LAC એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ભારત-તિબેટ સરહદ પોલીસના મહાનિર્દેશક શત્રુજીત કપૂરે એક મોટો ખુલાસો કર્યો છે. ITBPના વાર્ષિક ‘હિમવીર સન્માન સમારોહ’ને સંબોધતા તેમણે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશમાં સરહદના અનેક સ્થળો પર આજે પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સામસામે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં એવી સ્થિતિનું નિર્માણ થયુ છે જ્યાં ઘણી જગ્યાએ બંને દેશના સૈનિકો આમને-સામને આવી ગયા હતા અને આ સિલસિલો હજુ પણ જારી છે. તેમણે કહ્યું કે સરહદ પર ચાલી રહેલા આ ઘર્ષણમાં ITBPના કમાન્ડો સક્રિયપણે મોરચો સંભાળી રહ્યા છે. ITBP ના શૌર્ય કમાન્ડો આ પ્રકારના ઘર્ષણમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી રહ્યા છે.
ITBPની સ્થાપના મૂળરૂપે માઉન્ટેન ગેરિલા ફોર્સ તરીકે થઈ હતી અને વર્ષ 2004માં તેને ભારત-ચીન સરહદની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી.સેનાથી અલગ એક ખાસ હાઈ-એલ્ટિટ્યુડ માઉન્ટેન ફાઈટીંગ ફોર્સ તૈયાર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ITBP પાસે ‘શૌર્ય કમાન્ડો’ની એક આખી પૂર્ણ બટાલિયન હશે, જે ઊંચાઈવાળા બર્ફીલા વિસ્તારોમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે.
ITBP ડીજીના નિવેદનને ટાંકીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે લખ્યું કે એક તરફ સરકાર ચીનને સતત છૂટછાટો આપી રહી છે, જ્યારે બીજી તરફ ITBPના જવાનો સરહદે બહાદુરીપૂર્વક ચીની સૈનિકોનો સામનો કરી રહ્યા છે. જવાનોની બહાદુરી પ્રસંશનીય છે, પરંતુ આ સમગ્ર ગંભીર પરિસ્થિતિ પર વડાપ્રધાન અને તેમનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે મૌન સેવી રહ્યું છે. જયરામ રમેશે દાવો કર્યો કે ગયા મહિને તક્સિંગ ખાતે થયેલા ઘર્ષણ બાદ વાચા અને દમાઈમાં કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. તેમણે આરોપ લગાવ્યો કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લદ્દાખની જેમ અહીં પણ ભારતીય પેટ્રોલિંગ પોઈન્ટ્સ હાથમાંથી સરકી ગયા છે. આ સાથે ચીન અરુણાચલના નગરોના નામ બદલી રહ્યું છે અને સરહદ નજીક 60,000 મેગાવોટનો વિશાળ ડેમ બનાવી રહ્યું છે, જે દેશની જળ સુરક્ષા માટે જોખમી છે.
https://twitter.com/Jairam_Ramesh/status/2113488549878354043?s=20











