ભારતીય નેવી 3 થી 5 નવેમ્બર દરમિયાન દિલ્હીમાં ઈન્ડો પેસેફિક રીજનલ ડાયલૉગ (IPRD-2026) નું આયોજન કરવા જઈ રહી છે. આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં 18 દેશના એક્સપર્ટ્સ ભાગ લેશે. ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પ્રથમ દિવસે સંબોધન કરશે. આ વર્ષે વિજ્ઞાન-ટેક્નોલોજી અને શૈક્ષણિક સહયોગની થીમ પર ત્રણ દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતીય નેવી અને નેશનલ મેરીટાઈમ બોર્ડ મળીને આ બેઠકનું આયોજન કરી રહ્યા છે.
આ ત્રિદિવસીય સંમેલનમાં સુરક્ષા, વૈજ્ઞાનિક અનુસંધાન, નવી ટેકનોલોજી, જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સમુદ્રી વેપાર અને સપ્લાય ચેનની સુરક્ષા, સમુદ્રી સંસાધનોનું સંરક્ષણ અને મહત્વપૂર્ણ સમુદ્રી રેખાઓને સુરક્ષિત રાખવા માટે ચર્ચાઓ થશે. આ માટે 18 દેશો પરસ્પર સહયોગ કરે તે માટે ચર્ચાઓ અને વિચારણાઓ કરવામાં આવશે.
ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન પાંચ મુખ્ય સત્રનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે નેટવર્કિંગ, રિસર્ચ અને વિશેષજ્ઞો તૈયાર કરવા માટે ભાર મુકવામાં આવશે, સમુદ્રમાં સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવી, સમુદ્રી વિજ્ઞાન, જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા માટેના પગલા વગેરે જેવા મુદ્દાઓ પર પરસ્પર દેશના મતની આપ-લે કરવામાં આવશે. આ સંમેલનમાં ભારત અને શ્રીલંકાના પૂર્વ નેવી પ્રમુખો પણ હાજર રહેશે. સહયોગ જ સંવાદ નામે રાજકીય વિશેષજ્ઞો સાથે એક વિશેષ વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
આ સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈન્ડો-પેસિફિક ઓશન્સ ઈનિશિયેટીવ અને ભારતની સમુદ્રી રણનીતિ મહાસાગરના ઉદ્દેશ્યને આગળ વધારવા માટે આયોજિત કરવામાં આવ્યુ છે.











