Glenn Maxwell Announces Retirement: પોતાના અસાધારણ, અણધાર્યા અને આક્રમક શોર્ટ્સથી વિશ્વભરના બોલરોમાં ખૌફ પેદા કરનાર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં 14 વર્ષ લાંબા સુવર્ણ અને યાદગાર પ્રવાસનો અંત આવ્યો છે. પોતાની પેઢીના સૌથી વિધ્વંસક ખેલાડીઓમાં ગણાતા 38 વર્ષીય મેક્સવેલે એકલા હાથે હારેલી બાજી પલટી નાખવાની ક્ષમતાથી ક્રિકેટ ચાહકોના દિલમાં અનોખુ સ્થાન બનાવ્યુ છે. ગ્લેન મેક્સવેલ મેલબર્ન સ્ટાર માટે રમતા રહેશે.
મેલબર્ન સ્ટાર સાથે કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી રમશે
38 વર્ષીય મેક્સવેલે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટની સાથે લિસ્ટ-A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. જૂન 2025માં મેક્સવેલે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, મેલબર્ન સ્ટાર્સ સાથેનો તેમનો કરાર 2027-28 સુધીનો છે. મેક્સવેલે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ઓમાન સામે રમી હતી.
મેક્સવેલનું ઈન્ટરનેશનલ કરિયર
ગ્લેન મેક્સવેલે 2012માં પાકિસ્તાન સામે ઈન્ટરનેશનલ T-20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. તેમણે તેમના કરિયરમાં 130 ઈન્ટરનેશનલ મેચમાં 2897 રન બનાવ્યા છે. તેઓ આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનારા ત્રીજા બેટર બન્યા છે. તેમના નામે 5 સદી નોંધાયેલી છે. ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામે પણ T-20 ઈન્ટરનેશનલમાં આટલી સદી નોંધાયેલી છે. તેમણે ઓસ્ટ્રેલિયા માટે 7 ટેસ્ટ મેચ પણ રમી છે. તેમાં તેમણે 339 રન બનાવ્યા છે. તેમની એકમાત્ર ટેસ્ટ સદી 2017માં ભારત સામે રાંચીમાં આવી હતી.
નવા ખેલાડીઓને તક મળવી જોઈએ
મેક્સવેલે આ અંગે ખુલાસો કરતા કહ્યુ છે કે, ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ દબાણ નહોતું. અમે વાપસીનો રસ્તો ખુલ્લો રાખ્યો હતો. કેટલીક સિરીઝમાં ટીમ નવા ખેલાડીઓને તક આપવા માંગતી હતી. બાંગ્લાદેશમાં એવું થયું અને ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું.














