BCCI ના ચીફ સિલેક્ટર તરીકે ભારતના પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાની નિમણુંક કરવામાં આવી છે. પૂર્વ સ્પિનર રમેશ પવારને પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. પવારે અજિત અગરકરની જગ્યા લીધી છે. મેન્સ સિલેક્શન સમિતિમાં પ્રજ્ઞાન ઓઝા અધ્યક્ષ, શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા અને રમેશ પવારનો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા સિનિયર મેન્સ સિલેક્શન કમિટીના પુનર્ગઠન અંગે સત્તાવાર મીડિયા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અશોક મલ્હોત્રા અને જતિન પરંજપેની સદસ્યતા ધરાવતી ક્રિકેટ એડવાઈઝરી કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા બાદ પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પવારને પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે નિયુક્ત કરવાની સર્વાનુમતે ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ ટેસ્ટ મેચોની સીનિયોરિટીના આધારે પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા હવે મેન્સ સિલેક્શન કમિટીના નવા ચેરપર્સન તરીકે જવાબદારી સંભાળશે.
પ્રજ્ઞાન ઓઝાએ ભારત માટે 24 ટેસ્ટ, 18 વનડે અને 6 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ડાબોડી સ્પિનર ઓઝાએ ટેસ્ટમાં 113, વનડેમાં 21 અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 10 વિકેટ લીધી છે. ટેસ્ટમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 6/47 રહ્યું છે. ફર્સ્ટ ક્લાસના ક્રિકેટમાં પ્રજ્ઞાનના નામે 424 વિકેટ નોંધાયેલી છે. આ માટે તેમણે 108 મેચ રમી છે.
રમેશ પવારે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે 2 ટેસ્ટ અને 31 વનડે મેચોમાં પ્રતિનિધિત્વ કર્યું છે. ખેલાડી તરીકે નિવૃત્તિ લીધા બાદ તેઓ દેશના અગ્રણી કોચિંગ પદો પર કાર્યરત રહ્યા છે. તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ રહી ચૂક્યા છે. તેમના કોચિંગ હેઠળ ભારતીય મહિલા ટીમે એશિયા કપનું ટાઈટલ જીત્યું હતું અને કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ ઉપરાંત તેઓ મુંબઈ અને ગુજરાતની ટીમોના હેડ કોચ તેમજ BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બોલિંગ કોચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
પવારનો સૌથી ચર્ચિત વિવાદ 2018 મહિલા T-20 વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટન મિતાલી રાજ સાથે થયો હતો. મિતાલીએ તેમના પર ભેદભાવ કરવાનો, અપમાનિત કરવાનો અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે મિતાલીને ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાંથી બહાર કરી દેવામાં આવી, ત્યારબાદ પવારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
BCCIના નિવેદનમાં પૂર્વ ચેરમેન અજિત અગરકરના યોગદાનની ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે. જુલાઈ 2023માં ચેરમેન બન્યા બાદ અગરકરના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક સફળતાઓ મેળવી હતી. ભારતે તેમના કાર્યકાળ દરમિયાન 3 ICC ટ્રોફી જીતી હતી અને ટીમ ઈન્ડિયાએ 2 એશિયા કપ ટાઈટલ પોતાના નામે કર્યા છે.













