એશિયન ગેમ્સ 2026માં 44 વર્ષ બાદ મહિલા ટીમે હોકીમાં ગોલ્ડ મેળવ્યો

India women hockey gold Asian Games: ભારતીય મહિલા હોકી ટીમે 44 વર્ષ બાદ હોકીમાં ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી છે અને ભારતને સુવર્ણ પદક અપાવ્યો છે. ભારતે ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવ્યું. ટીમ માટે એકમાત્ર ગોલ લાલરેમસિયામીએ કર્યો. ગોલકીપર સવિતા પૂનિયાએ ફર્સ્ટ હાફમાં ચીનનો પેનલ્ટી સ્ટ્રોક રોકીને ભારતની સરસાઈ જાળવી રાખી. આ જીત સાથે ભારતે લોસ એન્જિલસ 2028 ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી લીધું. જાપાનના આઇચી-નાગોયા ખાતે ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સ 2026ના મહત્વના તબક્કે ભારતીય રમતવીરોએ શાનદાર પ્રદર્શન કરીને મેડલ ટેલી પર ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે

ભારતે આ પહેલાં 1982માં સાઉથ કોરિયાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. વુમન્સ હોકીના ગોલ્ડ સાથે ભારતના કુલ 16 ગોલ્ડ થઈ ગયા છે અને તે મેડલ ટેલીમાં પાંચમા નંબર પર છે.

એશિયન ગેમ્સમાં આજે ભારતને 6 સુવર્ણ પદક મળ્યા

  1. ભારતીય મહિલા તીરંદાજી ટીમે રિકર્વ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો
  2. બોક્સર પરવીન હુડાએ વુમન્સ 65 કિગ્રામાં સુવર્ણ પદક મેળવ્યો
  3. લવલીના બોરગોહેને વુમન્સ 75 કિગ્રામાં ગોલ્ડ જીત્યો
  4. બોક્સર અંકુશ પંઘાલે મેન્સ 80 કિગ્રા વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યો
  5. સુજીત કલકલે અંકુશના ગોલ્ડ પહેલાં મેન્સ રેસલિંગના 65 કિગ્રા ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો
  6. વુમન્સ હોકી ફાઇનલમાં ભારતે ચીનને હરાવીને ગોલ્ડ હાંસલ કર્યો

બૉક્સિંગમાં ભારતને એક જ દિવસમાં ત્રણ સુવર્ણ ચંદ્રક મળ્યા છે. લવલીનાએ જન્મ દિવસે જ ભારત માટે સુવર્ણ પદક મેળવ્યો છે. અંકુશ પંઘાલે મેન્સ 80 કિગ્રા કેટેગરીના ફાઇનલમાં સાઉથ કોરિયાના કિમ મિન-સિયોંગને 4-0 થી હરાવ્યો.  તે 2018 પછી એશિયન ગેમ્સમાં બોક્સિંગ ગોલ્ડ જીતનારો પહેલો ભારતીય પુરુષ બન્યો.  પરવીન હુડ્ડાએ વુમન્સ 65 કિગ્રા ફાઇનલમાં ચેન નિએન-ચેનને 3-2 થી હરાવીને ગોલ્ડ મેળવ્યો.

રેસલિંગના મેન્સ 65 કિગ્રા ફ્રીસ્ટાઇલ ફાઇનલમાં સુજીત કલકલે તાજિકિસ્તાનના અબ્દુલમજીદ કુડિએવને 10-9 થી હરાવ્યો. મુકાબલામાં એક સમયે સુજીત 2-9 થી પાછળ હતો અને માત્ર 1 મિનિટ 40 સેકન્ડની રમત બાકી હતી. આ પછી તેણે સતત ટેકડાઉન કર્યા. છેલ્લા 11 સેકન્ડમાં વધુ એક ટેકડાઉનથી 2 પોઇન્ટ મેળવીને સ્કોર 10-9 કર્યો અને ગોલ્ડ જીતી લીધો.

Join WhatsApp

Join Now

Leave a Comment