મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં પ્રદર્શનો

Delhi CJP Protest: CJP દ્વારા આજે દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે મોટા પાયે પ્રદર્શન યોજાનાર છે. દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પહેલા રાજધાનીને સુરક્ષા વ્યવસ્થાના અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે. દિલ્હીમાં BSF તૈનાત કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે આ પ્રદર્શન માટે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. નવી દિલ્હીમાં BNSS ની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શનો અંગે મંજૂરી ન આપવા પર જણાવ્યુ છે કે કાર્યક્રમનું આવેદન પત્ર નિયત સમયમર્યાદા બાદ એટલે કે 7 ઑક્ટોબરે જ આપવામાં આવ્યુ હતુ, તદુપરાંત ગત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી સ્થિતિને લઈને આ વખતે પરવાનગી આપવામાં આવી નથી. પ્રદર્શનને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા કરેલી ઘેરાબંધીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયુ છે.

કોકરોચ જનતા પાર્ટીની મુખ્ય ચાર માંગણીઓ છે.

  • મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામુ
  • SIR પ્રક્રિયા બંધ કરી તપાસ કમિટીની રચના
  • જાન્યુઆરી 2025ની મતદાર યાદી અનુસાર કામ કરવામાં આવે
  • મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુંક અંગેના 2023ના કાયદાને રદ્દ કરવામાં આવે.

2 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર સુધી દેશભરમાં જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે 8 મોટા પ્રદર્શનો થઈ ચૂક્યાં છે.

રાજધાની દિલ્હીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા કિલ્લેબંધ છાવણી કરી દેવામાં આવી છે. 20 હજારથી વધુ પોલીસ કર્મચારીઓની ફોજ દિલ્હીમાં ઉતારી દેવામાં આવી છે. દિલ્હીની સરહદે પણ પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે. જંતર-મંતર, નવી દિલ્હી, ચૂંટણી પંચ. દિલ્હી મુખ્ય પોલીસ કમિશનર કચેરી જેવા અતિસંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઉતારી દેવામાં આવી છે. સંવેદનશીલ સ્થળો પર અવાજનું રેકોર્ડિંગ કરી શકે તેવા 300થી વધુ CCTV કેમેરા ગોઠવી દેવાયા છે. અનઅધિકૃત રીતે એકઠા થતા પ્રદર્શનકારીઓને બોધપાઠ ભણાવવા 12 ડિટેન્શન સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા સતત લાઉડ સ્પીકરથી પ્રદર્શનની પરવાનગી ન હોવાની સૂચના આપવામાં આવી રહી છે. જંતર-મંતર અને સંસદીય માર્ગ તરફ જતા તમામ રસ્તાઓ પર ચુસ્ત બેરીકેડિંગ કરી દેવામાં આવ્યુ છે. સાત સ્તરની બેરીકેડિંગ વ્યવસ્થા કરીને પ્રદર્શનકારીઓ હટાવી ન શકે તે માટે સાંકળથી પરસ્પર બાંધી દેવામાં આવ્યુ છે. દિલ્હીની સરહદીય વિસ્તારોમાં BSF ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જરૂર જણાય તે વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. RCC ના બેરીકેડિંગ પણ કરવામાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ધૌલા કુઆં, મંડી હાઉસ, કનોટ પ્લેસ, મિન્ટો રોડ, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ અને પટેલ ચોક સહિત 30 મોટા જંક્શનો પર ડાયવર્ઝન જાહેર કર્યું છે. વાહનચાલકોને અગાઉથી આયોજન કરીને નીકળવાની સલાહ આપતાં પોલીસે 1095 અને 011-25844444 હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા સુરક્ષા કારણોસર 9 ઓક્ટોબર રાતના 9 વાગ્યાથી 10 ઓક્ટોબર સાંજના 6 વાગ્યા સુધી 45થી વધુ સ્ટેશનોના પ્રવેશ અને નિકાસ દ્વાર બંધ રાખવાની સત્તાવાર સૂચના અપાઈ છે. જેમાં રેડ લાઇનના 9, યલો લાઇનના 20, બ્લુ લાઇનના 8, વાયોલેટ લાઇનના 7, પિંક લાઇનના 8, મેજેન્ટા લાઇનના 4 સ્ટેશનો તેમજ શિવાજી સ્ટેડિયમ સ્ટેશન બંધ રહેશે. રાજીવ ચોક, સેન્ટ્રલ સેક્રેટરિએટ, પટેલ ચોક, આઈટીઓ, ચાંદની ચોક પાસે ચાવડી બજાર અને કાશ્મીરી ગેટ જેવા મોટા સ્ટેશનો પર ગેટ બંધ રહેશે તેમજ નવી દિલ્હી મેટ્રો સ્ટેશન પર ઇન્ટરચેન્જ સુવિધા પણ બંધ રહેશે. વધુમાં, નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) એ સરાય કાલે ખાં અને ન્યૂ અશોક નગર ‘નમો ભારત’ સ્ટેશનો શુક્રવાર રાતથી શનિવાર રાતના 10 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. ટ્રાફિક જામની શક્યતાને પગલે રેલવેએ નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશને આવતી કુલ 165 ટ્રેનોમાંથી 38 ટ્રેનો રદ કરી દીધી છે. 9 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યા પછી ઉપડીને 10 ઓક્ટોબરે સવારે 4 થી બપોરે 2 વાગ્યા વચ્ચે આ બે સ્ટેશનો પર પહોંચનારી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી છે, જેનાથી 5,000થી વધુ મુસાફરો અટવાયા હતા.

રદ થયેલી ટ્રેનોમાં પ્રયાગરાજ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, શ્રમ શક્તિ એક્સપ્રેસ, યુપી સંપર્ક ક્રાંતિ, બાન્દ્રા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ, મુંબઈ ಸೆન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન દુરંતો અને સીએસએમટી-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ સામેલ છે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની અને ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસનો સમય 5 કલાક પાછળ ઠેલવાયો છે. ઉત્તર પશ્ચિમ રેલવેએ સિરસા-તિલક બ્રિજ, ભિવાની-તિલક બ્રિજ, રેવારી-જૂની દિલ્હી અને હિસાર-દિલ્હી સહિત 13 પેસેન્જર ટ્રેનો રદ કરી છે. કાલકા-ચંદીગઢ શતાબ્દી, ઉના જનશતાબ્દી અને અમૃતસર શતાબ્દીના મુસાફરોને વિગતો તપાસીને નીકળવા તેમજ રદ ટ્રેનોના મુસાફરોને ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવાની જાહેરાત કરાઈ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ટેલિકોમ અધિનિયમ, 2023 અને સેવા નિલંબન નિયમ, 2024 હેઠળ જનપથ અને કર્તવ્ય પથ ક્રોસિંગના 4 કિલોમીટરના પરિઘમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની મંજૂરી આપી છે. આ આદેશ 9 ઓક્ટોબર રાતના 10 વાગ્યાથી 10 ઓક્ટોબર રાતના 10 વાગ્યા સુધી એટલે કે 24 કલાક માટે અમલમાં રહેશે અને આ દરમિયાન તમામ મોબાઇલ ઇન્ટરનેટ ટેકનોલોજી પર રોક રહેશે. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ માત્ર નવી દિલ્હીના સંવેદનશીલ વિસ્તાર પૂરતો જ મર્યાદિત છે અને સમગ્ર દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું નથી.

નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશન (NDTA) ના પ્રમુખ અતુલ ભાર્ગવે વેપારીઓ, ઓફિસો અને રેસ્ટોરાં સંચાલકોને સાવચેતીના પગલાં તરીકે આજે કનોટ પ્લેસ સંપૂર્ણ બંધ રાખવા અપીલ કરી છે. કનોટ પ્લેસ ઉપરાંત ભાગીરથ પેલેસ, ચાંદની ચોક માર્કેટ અને કરૂલ બાગનું ટુ-વ્હીલર સ્પેરપાર્ટ્સ માર્કેટ પણ બંધ રહેશે. પરિવહન સેવાઓમાં અવરોધ અને સુરક્ષા સંબંધી ચિંતાઓને પગલે રાજધાનીની અનેક શાળાઓ અને કોલેજોએ આજે યોજાનાર પરીક્ષા પણ મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.

કૉકરોચ જનતા પાર્ટીએ 20 જૂનથી 25 જુલાઈ સુધી NEET પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે પ્રદર્શન કર્યું હતું. 36 દિવસ સુધી ચાલેલા આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તા સોનમ વાંગચુક પણ ભૂખહડતાળ પર બેઠા હતા. 20 જુલાઈએ CJPએ સંસદ સુધી માર્ચ પણ યોજ્યો હતો. 25 જુલાઈએ પ્રધાનના રાજીનામા બાદ પ્રદર્શન સમાપ્ત થયું હતું.

Join WhatsApp

Join Now

Leave a Comment