ડિજિટલ ફ્રોડના કિસ્સામાં વળતર અંગે સુપ્રીમ કોર્ટનો હકારાત્મક પ્રતિભાવ

ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહેલા ભારતમાં ડિજિટલ ફ્રોડના કિસ્સામાં અસાધારણ વધારો નોંધાયો છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડિજિટલ ફ્રોડના પીડિતોને થઈ રહેલા નુકસાન મુદ્દે બેન્કોને જવાબદાર ઠેરવવી જોઈએ અને તપાસમાં સાબિત થાય કે બેન્કો તરફથી બેદરકારી દાખવવામાં આવી છે તો તેમણે પીડિતોને વળતર પણ ચૂકવવું જોઈએ. સુપ્રીમે બેન્કો દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સમયસર રોકવા માટે નિયમ બનાવવા પર ભાર મૂક્યો હતો. સુપ્રીમે કહ્યું કે, ડિજિટલ અરેસ્ટ મુદ્દે ન્યાયતંત્ર સક્રિય છે અને સંસદ દ્વારા કાયદો બનાવવામાં આવે ત્યાં સુધી રાહ જોઈ શકાય નહીં. સુપ્રીમે આ મુદ્દે જાગૃતિ અભિયાન ચલાવવા પર પણ ભાર મૂક્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું કે, આ વર્ષે સાયબર ગુનાઓમાં 50 ટકા જેટલો ઘટાડો થયો હોવા છતાં પીડિતોએ રૂ. 800 કરોડ ગુમાવ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોના નિયમનકારી માળખામાં વળતર, આગોતરા પગલાં અને બેન્કોની જવાબદેયીતા માટે જોગવાઈઓ લાગુ કરવી જોઈએ.

વર્ષ 2026માં દેશમાં ડિજિટલ અરેસ્ટના 22 હજારથી વધુ કેસ નોંધાયા છે અને સાયબર ગુનેગારોએ લોકો પાસેથી રૂ. 800 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. 2025માં ડિજિટલ અરેસ્ટના 58239 કેસ સામે આવ્યા હતા જ્યારે અંદાજે 1211 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. ન્યાયાધીશો જોયમાલ્યા બાગચી અને વી. મોહનાને સમાવતી બેન્ચે કહ્યું, તેઓ પહેલાં સૂચિત આરબીઆઈ નો યોર કસ્ટમર અમેન્ડમેન્ટ ડિરેક્શન્સ, 2026ની તપાસ કરીશું અને ત્યાર પછી નિયમનકારી પ્રક્રિયાને મંજૂરી આપીશું.

સુપ્રીમ કોર્ટના સૂચિત નિર્દેશોને 30 નવેમ્બરે નોટિફાઈ કરાશે અને 31 ડિસેમ્બરથી અમલી બનાવાશે. સુપ્રીમે કહ્યું કે, માત્ર સાયબર ગુનાની ઘટના પછી રિપોર્ટ તૈયાર કરવો જ પર્યાપ્ત નથી. સાયબર ગુનેગારોને રોકવા માટે પહેલાથી વ્યવસ્થા કરવી જરૂરી છે. ખાતામાં અસામાન્ય લેવડ-દેવડ થતા બેન્ક તેને વેરિફાઈ કરવા સુધી અસ્થાયી રૂપે રકમને ટ્રાન્સફર થતી રોકી શા માટે નથી શકતી? શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની તપાસ અને તેની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવી જોઈએ. બેન્ચે સરકારને સાયબર ફ્રોડને અલગ ગુનો બનાવવા પર વિચાર કરવા ભલામણ કરી હતી.

સુપ્રીમ કોર્ટે આરબીઆઈને સૂચિત કેવાયસી સંશોધન નિર્દેશ, 2026ની સમીક્ષા કરવા અને બધી જ સત્તાવાર નાણાકીય સંસ્થાઓની યાદી રજૂ કરવા જણાવ્યું હતું. એમિકસ ક્યુરી અને સિનિયર એડવોકેટ એનએસ નપ્પિનઈએ કહ્યું કે, તાજેતરમાં જ એક મહિલાએ ડિજિટલ અરેસ્ટના નામે રૂ. 2.5 કરોડ ગુમાવ્યા હતા. ધરપકડના ડરથી લોકો માનસિક દબાણમાં આવી સાયબર ગુનેગારોના આદેશો માની લે છે અને નાણાં ગુમાવે છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે ગઈકાલે પણ કહ્યું હતું કે, ડિજિટલ ફ્રોડ કરનારા ગુનેગારોને આકરી સજા થવી જોઈએ. આ બળજબરીથી વસૂલાત જેવા સામાન્ય કેસો કરતા ઘણો ગંભીર ગૂનો છે અને તેમાં વિશેષરૂપે વૃદ્ધોને વીડિયો કોલ કરી ટાર્ગેટ કરવામાં આવે છે.

દેશમાં સાયબર ફ્રોડ અંગેના કેસો અંગે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું કે, ડિજિટલ અરેસ્ટના વિરોધમાં સરકાર અને આરબીઆઈ દ્વારા વ્યાપક સ્તરે જાહેર અભિયાનો ચલાવવામાં આવે છે. સાયબર ગુનાઓ અંગે અનેક અખબારી અહેવાલો આવે છે અને કોર્ટના આદેશો પણ થાય છે આમ છતાં ભણેલા-ગણેલા લોકો ડિજિટલ અરેસ્ટ જેવી બાબતોમાં સપડાય છે તે ઘણું જ આશ્ચર્યજનક છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતાએ મૌખિક નિવેદન કરતા કહ્યું કે, ડિજિટલ અરેસ્ટના પીડિતોને શું થઈ ગયું છે? તેઓ કેવી રીતે સાયબર ગુનેગારોના છટકામાં સપડાઈ જાય છે? તેઓ કેમ સમજી શકતા નથી કે ડિજિટલ અરેસ્ટ જેવું કશું જ નથી.

કયા ડરથી તેઓ મોબાઈલ પર અરેસ્ટ થઈ જાય છે? મોબાઈલ દિવાલ પર મારો અને ધરપકડમાંથી છૂટી જાવ. ભગવાન જાણે લોકો સાથે શું ખોટું થઈ રહ્યું છે. તમે એવું માનો કે લોકતાંત્રિક દેશમાં મોબાઈલ પર તમારી ધરપકડ થઈ શકે છે તો તમે કેવા પ્રકારના માણસ છો?

સીજેઆઈએ ઉમેર્યું કે, ભણેલા-ગણેલા લોકો ડિજિટલ અરેસ્ટ જેવી બાબતોમાં છેતરાઈ જાય છે તે જાણીને અમને ગુસ્સો આવે છે. તમે ડિજિટલી અરેસ્ટ થઈ શકો છો તેવું વિચારીને તમે ભાવી પેઢીને શું સંદેશો આપવા માગો છો? લોકો કોર્ટોની વેબસાઈટ પર જઈને તપાસી શકે છે કે આવો કોઈ ઓર્ડર થયો છે કે નહીં. એમિકસ ક્યુરી વરિષ્ઠ વકીલ એનએસ નપ્પિનઈએ કોર્ટને જણાવ્યું હતું કે, લોકો મોટાભાગે ધરપકડના ડરથી ગભરાઈ જાય છે અને સાયબર ગુનેગારોની વાતો માની લે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment