અડવાણી સહિત મોટા નેતાને EC ની નોટિસ

અડવાણી સહિત મોટા નેતાને EC ની નોટિસ

ભારતીય ચૂંટણીપંચે એલ.કે. અડવાણી સહિત મોટા નેતાને નોટિસ પાઠવી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વિદેશ મંત્રી એસ.જયશંકર, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સી.એમ. મનિષ સિસોદિયા, વિદેશ સચિવ વિક્રમ મિસરી, સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી, દિલ્હીના પૂર્વ એલજી નજીબ જંગ, CBI ડાયરેક્ટર પ્રવિણ સૂદ, SEBI ચેરમેન તુહિન કાંતા પાંડે સહિત મોટા નેતાઓ અને અધિકારીઓને EC એ SIR માં ડેટા મિસમેચ થવાના કારણે નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીના કારણે રાજકીય ગરમાવો આવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી અને કહ્યુ કે બિહારથી શરૂ થયેલી SIR પ્રક્રિયા હવે દિલ્હીના દરવાજે પહોંચી છે. હવે કદાચ સત્તાધીશોને સમજાઈ રહ્યુ હશે કે શરૂઆતથી જ કોંગ્રેસ પક્ષ જે કહી રહ્યો હતો તે સાચુ હતુ. ખડગેએ દાવો કર્યો છે કે પોતાના જ ષડયંત્રમાં પોતાના જ લોકો ફસાયા છે.

ખડગેએ વધુમાં પ્રહાર કરતાં કહ્યું છે કે, ‘SIR એ માત્ર ભાજપ દ્વારા મત ચોરી અને લોકશાહીને ખતમ કરવાનું હથિયાર જ નથી, પરંતુ આ ખામીયુક્ત પ્રક્રિયા હવે એક એવું ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર બની ગઈ છે જેણે હવે પોતાના જ લોકોને સકંજામાં લઈ લીધા છે.’ તેમણે ઉમેર્યું કે, ‘ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, વર્તમાન વિદેશ મંત્રી, દિલ્હીના ઉપરાજ્યપાલ (LG), રાજ્યસભા સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોને નોટિસ આપવામાં આવી છે. સ્થિતિ તો એવી બની છે કે આ પહેલાં ભારત રત્નથી સન્માનિત વૈજ્ઞાનિક અને પૂર્વ નૌસેના પ્રમુખને પણ નોટિસ ફટકારવામાં આવી ચૂકી છે.’

શા કારણે મળી રહી છે નોટિસ ?

એક સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે, વોટર્સ દ્વારા એન્યુમરેશન ફોર્મમાં આપેલી વિગતમાં કેટલીક ક્ષતિઓના કારણે સિસ્ટમ જનરેટ નોટિસ જઈ રહી છે. જેમને નોટિસ ગઈ છે તેઓએ પોતાની વિગત અંગેની ખરાઈ કર્યા બાદ તેમને અંતિમ મતદાર યાદીમાં સામેલ કરી દેવામાં આવશે. અધિકારીએ જણાવ્યુ હતુ કે ફેક્ટ ચેક અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે.

બંગાળમાં 93% લોકો અપીલ જીત્યા

મતદારોના અધિકાર અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે લખ્યું છે કે, ‘બંગાળમાં જે લોકોના નામ કાપીને તેમને મતદાન કરતાં રોકવામાં આવ્યા હતા, તેમાંથી અત્યાર સુધીના ચુકાદા આવેલા કેસોમાં 93% લોકો પોતાની અપીલ જીતી ગયા છે. તેનો અર્થ એ થયો કે 1,13,943 લોકોને ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. આખરે કયા આધારે તેમનો મતાધિકાર છીનવી લેવામાં આવ્યો હતો?’

ચૂંટણીપંચે શું કહ્યુ ?

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કાર્યાલય દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે કે જેમને નોટિસ આપવામાં આવી છે તેઓને એવો અર્થ ન લેવો જોઈએ કે તેઓના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવશે. કોઈને પણ પોતાનો પક્ષ રાખ્યા વગર હટાવવામાં નહી આવે. કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે ECINETમાં ડેટા યોગ્ય કરવા માટે સિસ્ટમ જનરેટ નોટિસ છે.

મતદારોની અંતિમ યાદી 4 નવેમ્બરે બહાર પડશે

દિલ્હીમાં 14 મેના રોજ SIR ની ઘોષણા થઈ હતી અને 31 ઓગસ્ટે મતદારયાદી જાહેર થઈ. આ પ્રમાણે જે લોકોને નોટિસ મળી છે તેઓએ પોતાની યાદી પ્રમાણે જે ખૂટતી વિગત છે તે 29 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે. અંતિમ મતદાર યાદી 4 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment