નોકરી કરતા દરેક વ્યક્તિ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) એ તેમની ભવિષ્યની સુરક્ષા અને પરસેવાની કમાણી હોય છે. અત્યાર સુધી PF ના પૈસા ઉપાડવા એટલે લાંબી પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે. જો તમને અચાનક પૈસાની જરૂર પડે અને તમારા PF ના પૈસા તમારા બેંક ખાતામાં UPI દ્વારા સીધા જમા થઈ જાય તો? જી હા, શ્રમ મંત્રાલય (Labour Ministry) દ્વારા EPFO સભ્યો માટે આવી જ એક જબરદસ્ત અને રાહત આપનારી સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી રહી છે.
PF ના પૈસા ઉપાડવા હવે બનશે એકદમ સરળ
EPFO (એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) ના સભ્યો માટે આ ખરેખર એક મોટા અને સારા સમાચાર છે. હવે તમારે PF ખાતામાં જમા થયેલી રકમ ઉપાડવા માટે લાંબી રાહ જોવી નહીં પડે કે સરકારી કચેરીઓના આટાફેરા નહીં ખાવા પડે. નવી સુવિધા મુજબ, હવે PF ની રકમ ATM અને UPI દ્વારા પણ ઉપાડી શકાશે.
મળતી માહિતી મુજબ, શ્રમ મંત્રાલય આ નવી અને આધુનિક સુવિધાને આ જ મહિનાના (જૂન માસના) અંત સુધીમાં અમલમાં મૂકવાની પૂરી તૈયારી કરી લીધી છે.
કેટલી રકમ ઉપાડી શકાશે?
આ નવી સિસ્ટમ પ્રમાણે ખાતાધારકોને એક મોટી આર્થિક સ્વતંત્રતા મળશે.
- 75% ની લિમિટ: ખાતાધારકો પોતાની કુલ જમા રકમના 75 ટકા સુધીની રકમ આ નવી સુવિધા મારફતે ઉપાડી શકશે.
- સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર: UPI દ્વારા PF ખાતામાંથી સીધી જ રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
- એકવાર રકમ બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય, ત્યારબાદ તમે તમારા સામાન્ય ATM કાર્ડનો ઉપયોગ કરીને જરૂરિયાત મુજબ રોકડ ઉપાડી શકો છો.
ટેકનિકલ તૈયારીઓ અંતિમ તબક્કામાં
સરકાર આ સિસ્ટમને સુરક્ષિત અને અત્યંત ઝડપી બનાવવા માંગે છે, જેથી કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સુવિધા માટે EPFO નું નવું 2.01 સર્વર તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલમાં ટેકનિકલ તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. જેવું આ નવું 2.01 સર્વર લાઈવ થશે, કે તરત જ આ UPI અને ATM વિડ્રોઅલ (Withdrawal) યોજના સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.
નોકરિયાત વર્ગને શું ફાયદો થશે?
આ ઐતિહાસિક પગલાંથી નોકરિયાત વર્ગને અનેક ફાયદાઓ થશે. જેમકે મેડિકલ ઈમરજન્સી કે અન્ય કોઈ આકસ્મિક જરૂરિયાતના સમયે સભ્યો પોતાના જમા ભંડોળનો ઝડપી ઉપયોગ કરી શકશે. પૈસા માટે અઠવાડિયાઓ સુધી રાહ જોવાની કે ફોર્મ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને સમયનો બચાવ થશે. પોતાના જ પૈસા પર ખાતાધારકનો સીધો અને સરળ કંટ્રોલ રહેશે, જેનાથી તેમની નાણાકીય સ્વતંત્રતામાં વધારો થશે.ટૂંકમાં કહીએ તો, જૂન મહિનાના અંત સુધીમાં PF ખાતાધારકોની સૌથી મોટી મુશ્કેલીનો કાયમી ઉકેલ આવવાની પૂરી શક્યતા છે. આ નિર્ણય ખરેખર લાખો પરિવારો માટે સંકટ સમયની સાંકળ સાબિત થશે.

