Gujarat Rain Update : ભારે વરસાદ ના કારણે ઉપરવાસમાં પૂર્ણા નદી ગાંડીતૂર થતા નવસારીમાં(Navsari Rain) સ્થિતિ ગંભીર બની છે. પૂર્ણા નદી(Purna River Flood) પર આવેલો સૂપા-કુરેલને જોડતો લો-લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા 10 જેટલા ગામડાઓને અસર પહોંચી છે. સ્થાનિક તંત્ર દ્વારા સૂપા-કુરેલ માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
સતત વરસાદના કારણે નવસારી શહેરના કબીલપોળ, લુન્સીકૂઈ, પોલીસ લાઈન, ભેંસતખાના, રિંગ રોડ અને સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત દશેરા ટેકરી, જમાલપોર, ગ્રીડ, પ્રવેશદ્વાર અને પ્રજાપતિ આશ્રમ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયા છે. બીજી બાજુ પ્રજાપતિ આશ્રમથી ચારપુલ તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે. મુખ્ય માર્ગ પર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોની હાલાકી વધી છે.
રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત
ભારે વરસાદને કારણે નવસારી-બારડોલી રોડ પર પાણી ભરાયા છે, જેથી 19થી વધુ રસ્તાઓ પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતના ગરનાળાઓમાં પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે.
શાળા-કોલેજોમાં રજા જાહેર
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા જલાલપોર, ગણદેવી, ચીખલી અને ખેરગામની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વહીવટીતંત્ર એલર્ટ મોડ પર
નવસારીમાં ભારે વરસાદના પગલે કોઈપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લામાંથી પસાર થતી નદીઓની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અને જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRF(State Disaster Response Force)ની એક ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે અને જરૂર પડે ત્યાં બચાવ કામગીરી હાથ ધરવાની તૈયારી રાખવામાં આવી છે.
લોકોની મુશ્કેલીમાં વધારો
શહેરમાં ભારે વરસાદના કારણે પોલીસ લાઈન વિસ્તારમાં જવાના મહત્વના સત્ય સાઈ દ્વાર માર્ગ પર પણ દોઢ ફૂટ જેટલું પાણી ભરાયું છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસરતું ન હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજની અયોગ્ય વ્યવસ્થાને કારણે છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે વરસાદમાં આ પ્રકારની મુશ્કેલી સર્જાય છે.
નવસારીમાં વરસાદી આફત, તંત્રની અપીલ
નવસારીમાં ભારે વરસાદ અને રેડ એલર્ટને પગલે તંત્ર દ્વારા લોકોને જરૂર વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. પાણી ભરાયેલા માર્ગો પરથી વાહન લઈને પસાર ન થવા અને નદી-નાળા પાસે ન જવા સૂચના આપવામાં આવી છે. હાલ તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ, 38 દોષિતોને ફાંસીની સજા યથાવત

