India vs Afghanistan ODI series : 13 જૂનથી શરુ થવા જઈ રહેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચોની વન-ડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન થતા વન-ડે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે.
BCCIની મેડિકલ અપડેટ(BCCI Medical Update) પ્રમાણે હાર્દિકને જાંઘના આગળના ભાગમાં સ્નાયુઓમાં ખેંચાણની ઈજા એટલે લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન(Hardik Pandya Quadiceps Strain) થયું છે. મેડિકલ સ્ટાફે હાર્દિકની ઈજાનો રિકવરી સમયગાળો લગભગ ત્રણ અઠવાડિયા હોવાનો અંદાજ લગાવ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિક અફઘાનિસ્તાન સામેની ત્રણેય વન-ડે મેચ માટે ઉપલબ્ધ નહીં રહેશે.
હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત
તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL દરમિયાન હાર્દિક પંડ્યા બેક સ્પાઝમ (પીઠના સ્નાયુઓમાં ખેંચાણ)ની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ફિટનેસ ક્લિયરન્સ માટે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE) પહોંચ્યો હતો. ફિટનેસ ટેસ્ટ દરમિયાન તેને લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન હોવાનું પણ સામે આવ્યું હતું, બાદમાં હાર્દિકને આગામી અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. BCCIની મેડિકલ ટીમ તેની રિકવરી પર નજર રાખશે. હાર્દિકની મેદાનમાં વાપસી માટે અંદાજે ત્રણ અઠવાડિયાનો સમય લાગી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ નવી ઈજા CoEમાં મૂલ્યાંકન દરમિયાન સંપૂર્ણ 10 ઓવર બોલિંગને કારણે થઈ હશે.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
હાર્દિકની ગેહાજરીથી ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કારણકે હાર્દિક નવા બોલ અને મિડલ ઓવરોમાં ઉપયોગી ફાસ્ટ બોલિંગ તો કરેજ છે પણ મિડલમાં વિસ્ફોટક બેટિંગ પણ કરે છે. તેની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટે ઓલરાઉન્ડર વિભાગમાં નવા સંયોજન પર વિચાર કરવો પડી શકે છે.
કયા ખેલાડીઓ પર વધારાની જવાબદારી આવશે
ટીમમાં રોહિત શર્મા, ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન સામેલ છે બીજી બાજુ નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગટન સુંદર અને હર્ષ દુબે જેવા ઓલરોઉન્ડર્સ પર જવાબદારી વધી જશે.
શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ 13 જૂનના રોજ ધર્મશાળામાં વન-ડે સીરિઝ રમશે. જ્યારે બીજી મેચ 17 જૂનના રોજ લખનઉ અને ત્રીજી અને છેલ્લી મેચ 20 જૂનના રોજ ચેન્નાઈમાં રમાશે.
ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય
ટીમ મેનેજમેન્ટ માટે હાર્દિક પંડ્યાનું ટીમમાંથી બહાર થવું એ ચિંતાનો વિષય બની ગયો છે. હવે તેની જગ્યાએ કયા ખેલાડીને તક મળે છે અને ભારતીય ટીમ કયા સંયોજન સાથે મેદાનમાં ઉતરે છે તેના પર સૌની નજર રહેશે.
IPLની આ સિઝનમાં હાર્દિક પંડ્યાને ફિટનેસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલીક મેચો નહોતો રમી શક્યો, જોકે તેણે 24 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની છેલ્લી મેચમાં વાપસી કરી લીધી હતી.
ભારત: વન-ડે સ્કવૉડ
લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સના સ્ટ્રેનના કારણે હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રિપ્લેસમેન્ટની જાહેરાત બાકી છે. અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝ માટેની વન-ડે સ્કવૉડ: શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર(વાઈસ-કેપ્ટન), કે.એલ. રાહુલ(વિકેટકીપર), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, યશસ્વી જયસ્વાલ, હર્ષ દુબે, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિંસ યાદવ અને ગુરનૂર બરાર.

