1 નવેમ્બરથી કોલ કરનારનું નામ ફરજિયાત

ટેલિકોમ ક્ષેત્રે સાયબર ફ્રોડ રોકવા અને સ્પામ કોલ્સથી બચવા સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 નવેમ્બરથી કોણે કોલ કર્યો છે તે અંગે ખબર પડી જશે. ફોન કરનારનું નામ હવે 1 નવેમ્બરથી સ્ક્રીન પર દેખાશે. નવી વ્યવસ્થા હેઠળ હવે જ્યારે નવા નંબર પરથી ફોન આવે ત્યારે નંબર સાથે નામ પણ ડિસ્પ્લે થશે. દૂરસંચાર ડિપાર્ટમેન્ટ દ્વારા આ મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. 13 ઓક્ટોબરના રોજ આ અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં અજાણ્યા નંબર પરથી ફોન આવે તો મહત્વનો હશે તેમ સમજીને આપણે ઉપાડી લેતા હતા, પરંતુ ઘણી વખત તે સ્પામ કોલ અથવા ઠગાઈ વાળા પણ સાબિત થતા હતા.નવા નિયમ અનુસાર, હવે કોલ કરનારના નંબરની સાથે ટેલિકોમ કંપનીના સબસ્ક્રાઈબર રેકોર્ડમાં SIM ખરીદતી વખતે નોંધાયેલુ સાચુ નામ પણ આઈડેન્ટિટી તરીકે સ્ક્રીન પર દેખાશે. આ સુવિધાના કારણે ગ્રાહકો પહેલાથી જ નક્કી કરી શકશે કે કોલ મહત્વનો છે, ઉપાડવો છે કે કેમ ? વૃદ્ધો, ઓછુ ભણેલા લોકો જેઓ સરળતાથી સાયબર ફ્રોડનો શિકાર બની જતા હતા, તેમના માટે આ સુવિધા મહત્વની સાબિત થઈ રહેશે.

જે વ્યક્તિએ તમને ફોન કર્યો હશે, તેનું નામ તમારી મોબાઇલ સ્ક્રીન પર દેખાશે. જો ફોન કરનાર વ્યક્તિનું નામ તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં હશે તો એ જ નામ દેખાશે. જો તેનો નંબર સેવ નહીં હોય તો ફોન કરનારે સિમ લેતી વખતે જે નામ નોંધાવ્યું હતું, તે દેખાશે. માત્ર 4G અને 5G નેટવર્ક ધરાવતા લોકો જ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે, 2G અને 3G સુવિધાનો ઉપયોગ કરતા લોકોને આ સુવિધાનો લાભ મળશે નહી.

જો કૉલ કોઈ બીજા દેશ એટલે કે ઇન્ટરનેશનલ નંબર પરથી આવી રહ્યો હશે તો સ્ક્રીન પર કોઈનું નામ નહીં હોય, માત્ર ઇન્ટરનેશનલ કૉલ લખેલું દેખાશે. સ્ક્રીન પર નામ દેખાવાની સાથે સ્પામ અને સ્કેમ કોલ ઓળખવામાં મોટી મદદ મળશે, સાયબર ઠગો ઘણીવાર ફેક આઇડી કે ખોટી ઓળખ બનાવીને પણ કોલ કરી શકે છે. આથી, ગ્રાહકોએ અજાણ્યા કોલ પર પોતાના બેંક એકાઉન્ટની વિગતો, OTP કે અન્ય કોઈ પણ અંગત માહિતી ક્યારેય શેર કરવી જોઈએ નહીં. જરૂર જણાય તો જાતે સત્તાવાર નંબર પર કોલ કરીને જ માહિતીની ખાતરી કરવી. આ નવો નિયમ સામાન્ય લોકોને રાતદિન આવતા નકામા કોલ્સથી ચોક્કસપણે રાહત અપાવશે, છતાં દરેક સ્તરે સાવચેતી રાખવી અનિવાર્ય છે.

Join WhatsApp

Join Now

Leave a Comment