Railway New Rules: જો દિવાળી પહેલા આપ રેલવે મુસાફરી કરી રહ્યા છો, તો આ સમાચાર આપના માટે અત્યંત ખાસ છે. કારણ કે દિવાળી પહેલા ભારતીય રેલ વિભાગ મોટો બદલાવ કરવા જઈ રહ્યુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે નવો નિયમ 27 ઓક્ટોબરે લાગુ પડશે.
શું છે નવો નિયમ ?
27 ઓક્ટોબરથી કાઉન્ટર ટિકીટ પર વીમાની સુવિધા પ્રદાન કરવામાં આવશે. અત્યાર સુધી ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકીટ બુકિંગ કરાવનારા મુસાફરોને બુકિંગ પ્રક્રિયા દરમિયાન ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો વિકલ્પ ઉપલબ્ધ થતો હતો. આ સુવિધા હવે રેલવે કાઉન્ટર પરથી સીધી ટિકીટ ખરીદનારા માટે ઉપલબ્ધ નહોતી.
જૂન 2023ની ઘટના પછી સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
રેલવેના નિયમોમાં આ ફેરફાર માટે જૂન 2023ની ઓરિસ્સાની ઘટના બાદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે. રેલવે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. 6 ઓક્ટોબરે જ જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને આર. મહાદેવનની પીઠે આ નિર્દેશ જારી કર્યો હતો. અદાલતે રેલવેને કહ્યું હતું કે, રેલવે સ્ટેશનો પર કાઉન્ટરથી વેચાતી તમામ ટિકિટો પર આ વીમો લાગુ કરવામાં આવે. હવે આ અંતર્ગત ભારતીય રેલવે 27 ઓક્ટોબર 2026થી રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટરો પર ટ્રેનની ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ મુસાફરી વીમાનું કવરેજ આપશે.
રેલવે 10 લાખનું વીમા કવચ આપે છે
ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ માટેના વર્તમાન વૈકલ્પિક રેલવે મુસાફરી વીમા યોજના હેઠળ, પોલિસીની શરતો પ્રમાણે મુસાફરોને મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતાની સ્થિતિમાં 10 લાખ રૂપિયા સુધીનું કવરેજ મળી શકે છે. આ માટે ઓનલાઈન વીમા પ્રીમિયમ ટેક્સ સહિત પ્રતિ મુસાફર માત્ર 45 પૈસા છે. જો કે, કાઉન્ટરથી બુક કરવામાં આવેલી ટિકિટો માટે લાગુ થનારું પ્રીમિયમ, જરૂરી દસ્તાવેજો અને ક્લેમ પ્રોસેસ સહિત આની સાથે જોડાયેલી અન્ય વ્યવસ્થાઓને હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ કરવામાં નથી આવી.












