61 વર્ષના હાથી અભિમન્યુના છેલ્લા દશેરા, 26 વર્ષ સુધી 750 કિલો સોનાનો હૌદો ઉઠાવીને ચાલ્યો

વિશ્વપ્રસિદ્ધ મૈસૂર દશેરામાં આ વર્ષે એક હ્રદયદ્રાવક કિસ્સો બનવા જઈ રહ્યો છે. 61 વર્ષના હાથી અભિમન્યુની આ છેલ્લી દશેરા છે. હાથીઓની જંબો સવારીમાં સતત 26 વર્ષ સુધી અભિમન્યુ હાથી જોવા મળ્યો છે. 26 વર્ષથી શાહી યાત્રાનો હિસ્સો રહ્યો છે હાથી અભિમન્યુ. તે વર્ષ 2000થી સતત 750 કિલો વજનનો સોનાનો હૌદા ઉપાડીને માતા ચામુંડેશ્વરીની યાત્રાની આગેવાની કરતો આવ્યો છે.

ડીસીએફ ડૉ. આઈ.બી. પ્રભુ ગૌડા જણાવે છે કે નિયમો અનુસાર અભિમન્યુ ગયા વર્ષે નિવૃત્ત થઈ ચૂક્યો છે. મૈસુરના લોકોની વિનંતી પર તેને વિદાય સરઘસની આગેવાની કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી અભિમન્યુને લઈને મહેલ સહિત સમગ્ર મૈસુર ભાવુક છે. ત્યાર બાદ તેને મથિગોડુ હાથી શિબિરમાં મોકલી દેવામાં આવશે.

21 ઓક્ટોબર સુધી ચાલનારા મૈસૂર દશેરા ઉત્સવના સમાપન સમારોહ માટે નવા હાથીઓને રેતીની બોરી અને લાકડાના હૌદા સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે આ વર્ષે મૈસુરુ દશેરામાં કમ્બાલા અને તુલુનાડુની ઝાંખીનો સમાવેશ કરવામાં આવશે. હૌદા એ હાથીઓની પીઠ પર મુકવામાં આવતુ વિશેષ આસન છે. તે પાલખી જેવા માળખામાં દેવી ચામુંડેશ્વરીની પ્રતિમા મુકીને ભવ્ય સરઘસ કાઢવામાં આવે છે.

14 વર્ષની ઉંમરથી વન વિભાગમાં સેવા આપી રહેલો અભિમન્યુ કર્ણાટકનો સૌથી શક્તિશાળી હાથી છે. તે સૌથી શાંત, સમજદાર અને શિસ્તબદ્ધ છે, તેથી કર્ણાટકનું ગૌરવ છે. ‘ઓપરેશનનો બાદશાહ’ અને ‘એકેએ-47’ના નામથી પ્રખ્યાત આ હાથીએ દેશભરમાં 300થી વધુ હિંસક હાથીઓ અને 80થી વધુ આદમખોર વાઘ-દીપડાઓને પકડવામાં મદદ કરી છે. તેથી તેને ‘કેપ્ટન અભિમન્યુ’ પણ કહેવામાં આવે છે. ત્રણ દાયકાથી હૌદા સંભાળી રહેલા અકરમ, ભોજનના પ્રભારી રંગરાજ અને મહાવત વસંતા માટે આ વિદાય આંખો ભીની કરી દેનારી છે. વસંતાના પિતા અભિમન્યુના મહાવત રહી ચૂક્યા છે. હવે તેઓ મથિગોડુ કેમ્પમાં પણ તેની સંભાળ રાખશે. અભિમન્યુ પર ત્રણ પુસ્તકો લખી ચૂકેલા ‘વિજય કર્ણાટક’ના સંપાદક રમેશ ઉથપ્પાએ તેની વિદાય માટે ભાવુક ગીત લખ્યું છે, જે તે જ દિવસે વગાડવામાં આવશે.

દશેરાના હાથીઓ માટે ખાસ પ્રકારનું ભોજન પણ તૈયાર કરવામાં આવે છે. તેમને કોઈ પણ પ્રકારની દવા પણ આપવામાં આવતી નથી. હાથીઓનું ભોજન લીલા અને લાલ ચણા, ચોખા, ડુંગળી અને મીઠુ નાખીને 8 કલાક સુધી પકવવામાં આવે છે. તેમાં કાચા લીલા શાકભાજી ઉમેરીને હાથીઓને આપવામાં આવે છે. અભિમન્યુ બાદ 750 કિલો વજનનું સોનાનું હૌદુ ઉઠાવવા માટે ધનંજય અને પ્રશાંત નામના શક્તિશાળી હાથીઓની તાલીમ ચાલી રહી છે. આ વખતે શાહી સવારીમાં અભિમન્યુ સહિત 13 જમ્બો શક્તિશાળી હાથીઓ સવારીનો ભાગ બનશે.

Join WhatsApp

Join Now

Leave a Comment