અર્નબ બાદ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય

બંગાળની ખાડીમાં ચક્રવાત અર્નબની અસર હજુ તો યથાવત છે ત્યાં તો પાછળ નવી લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. IMD ના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં નવુ લૉ પ્રેશર સર્જાયુ છે અને 48 કલાકમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગ આ નવી સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યુ છે. દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યો પર વધુ એક જોખમ તોળાઈ રહ્યુ હોવાની માહિતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે, જે આગામી સમયમાં વધુ મજબૂત બની અર્નબ જેવા ચક્રવાતમાં પરિણમી શકે છે. નવુ વાવાઝોડુ 1 અથવા 2 નવેમ્બરે ચેન્નાઈના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલમાં સત્તાવાર રીતે તેને વાવાઝોડુ જાહેર કરવામાં આવ્યુ નથી. આગામી બે દિવસ દરમિયાન સ્થિતિ અંગે ચોક્કસ અંદાજ લગાવી શકાશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો નવી સિસ્ટમ વધુ મજબૂત બને છે તો ચેન્નાઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ તબાહી મચી શકે તેમ છે. વાવાઝોડુ અર્નબ આંધ્રપ્રદેશ તરફ આગળ વધ્યુ હતુ, પરંતુ નવી સિસ્ટમ સીધી તમિલનાડુ પર જ ત્રાટકી શકે છે. ઉપરાંત, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પણ તેનો ભોગ બને તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે વાસ્તવિક સ્થિતિ આગામી 48 કલાકમાં સ્પષ્ટ થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment