શા માટે વધે છે ડુંગળીના ભાવ ? | આવો જાણીએ વિસ્તૃત અહેવાલમાં

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી 80 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે છેલ્લા એક સપ્તાહથી ડુંગળીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. ખાંડના તો ભાવ વધ્યા જ હતા, હવે ડુંગળી પણ રેસમાં આવી ગઈ છે. આવો જાણીએ શું છે ભાવવધારાના કારણો

ડુંગળી પકવતા બે મોટા રાજ્યોમાં વરસાદની અસ્થિરતાં

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાનું લસલગાંવમાં આવેલુ એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એટલે કે APMC ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું યાર્ડ ભારતમાં ડુંગળીનું સૌથી મોટું ગંજબજાર ગણાય છે. સત્તાવાર આંકડા પર નજર નાંખીએ તો 3 ઓગસ્ટ, 2026 એ 12.86 લાખ કિલો ડુંગળીની આવક નોંધાઈ હતી અને તે દિવસે 21.25 રૂપિયા પ્રતિ કિલોએ સૌથી વધારે જથ્થો ખરીદાયો હતો. એક માસ બાદ આ જ યાર્ડમાં ડુંગળીની આવક 6.88 લાખ કિલો અને ભાવ 43 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો, આમ એક જ માસમાં ડુંગળીના ભાવ બમણાં થઈ ગયા. ડુંગળીના ભાવવધારાને નાથવા સરકારે 24 ઓગસ્ટથી તેમની પાસે રહેલા જથ્થામાંથી 35 રૂપિયે કિલો વેચવાનું શરૂ કર્યુ. વર્ષ 2025-26માં ડુંગળીના પાકનું ઉત્પાદન 30.7 અબજ કિલો રહેવાનો અંદાજ છે, જે ગત વર્ષ જેટલુ જ છે.

તહેવારોમાં માંગમાં વધારો પણ ભાવવધારાનું કારણ

મહારાષ્ટ્ર અને કર્ણાટક ડુંગળી ઉત્પાદન માટેના મોટા રાજ્યો ગણાય છે. માર્ચમાં થયેલા કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકમાં ભારે નુકસાન થયુ છે. કર્ણાટકમાં ચોમાસામાં પકવેલી ડુંગળી સપ્ટેમ્બર માસ સુધીમાં બજારમાં મળવા લાગે છે. પરંતુ વરસાદની અસ્થિર સ્થિતિ પણ આ વર્ષે ડુંગળીના ભાવવધારાનું મોટું કારણ બની છે. રવિ પાકનો જૂનો સ્ટોક પૂરો થવા લાગે અને નવો સ્ટોક આવવામાં વિલંબ થાય, એ સમયગાળો ભાવવધારાનું કારણ બને છે. આ સમયગાળામાં ડુંગળીની આવક સૌથી ઓછી હોય છે અને જો વચ્ચે તહેવારો આવતા હોય તો તો પૂછવુ જ શું રહ્યુ ? તદુપરાંત, વરસાદના કારણે પણ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ખોરવાય છે અને સપ્લાય ચેન પર અસર પડે છે અને બજારો સુધી માલ મોડો પહોંચે છે.

અમેરિકા-ઈરાન યુદ્ધ પણ જવાબદાર

ઈરાન-અમેરિકા યુદ્ધને પણ કેટલાક અંશે જવાબદાર માનવામાં આવે છે. કારણ કે ખાડી દેશો ડુંગળીના સૌથી મોટા આયાતી દેશ છે. યુદ્ધના કારણે જળમાર્ગો બંધ થતાં ડુંગળીની નિકાસ થઈ શકી નહી અને જ્યારે જળમાર્ગ ખુલ્યો ત્યારે જોખમના કારણે જહાજ ચલાવતી કંપનીઓએ ભાવવધારો કરી દીધો, જે નિકાસકારોને પરવડે તેમ ન હતુ, તેથી વેપારીઓએ ખોટ ખાઈને પણ માલ પોતાની પાસે રાખવો પડ્યો, હવે વેપારીઓએ ખોટના ડરે સ્ટોકમાંથી ડુંગળી વેચી નાંખી તેના પરિણામે ભાવ તો સ્થિર રહ્યા પરંતુ ઓગસ્ટ માસથી વધ્યા. કારણ કે વેપારીઓને ધ્યાને એ વાત આવી કે આ વર્ષે જથ્થો ઓછો બચ્યો છે. તેથી વધેલા જથ્થાનો સ્ટોક કરી દીધો.

સંગ્રહિત ડુંગળી બગડવા લાગતા જથ્થો નષ્ટ કરવો પડ્યો


સંગ્રહ કરાયેલી ડુંગળી બગડવા લાગી હતી. માર્ચમાં થયેલા કમોસમી વરસાદના કારણે ડુંગળીની ગુણવત્તા બગડી હતી. સંગ્રહ કરાયેલી ડુંગળીમાં ફૂગ પણ લાગી હતી, તેથી સમય જતાં સંગ્રહ કરાયેલી ડુંગળી બગડી ગઈ અને તેને ફેંકવાનો વારો આવ્યો. તથા, તહેવારો પણ ભાવ વધારાનું મોટું કારણ બને છે. વેપારીઓ તહેવારોની સિઝનમાં પાકની માંગને લઈને ભાવ વધારી દે છે.

સરકારે શરૂ કરી કાંદા એક્સપ્રેસ

ડુંગળીના ભાવમાં અસ્થિરતાને લઈને તથા જનતામાં ઉહાપોહ થવાથી સરકાર અચાનક સફાળી જાગી ગઈ હતી અને કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે. કાંદા એક્સપ્રેસ અને રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા 19 શહેરોમાં 35 રૂપિયા પ્રતિ કિલોએ ડુંગળીનું સરકાર વેચાણ કરી રહી છે. સરકારે બફર સ્ટોકમાંથી પણ ડુંગળીનો કેટલોક જથ્થો રીલિઝ કર્યો છે, જેના કારણે ભાવ વધારો બેકાબૂ નથી બની રહ્યો. તેમ છતાં, ડુંગળીનો ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. દેશમાં અછતની સ્થિતિ સર્જાઈ તો સરકારે ડુંગળીની નિકાસ પણ ઘટાડી દીધી. ભાવમાં નિયંત્રણ રહેવાનું સૌથી મોટું કારણ તે પણ માનવામાં આવે છે. સરકારી ડુંગળીથી અમુક અંશે લોકોનું બજેટ ખોરવાતુ અટકે છે, પરંતુ છૂટક બજારમાં ઉંચા ભાવ અને નીતિમાં વારંવાર ફેરફારના કારણે ભાવ વધારો સંપૂર્ણ અંકુશમાં આવતો નથી.

વિદેશમાં ભારત સાથે સ્પર્ધા વધતા નિકાસમાં આપોઆપ અંકુશ

હાલમાં વિદેશમાં પણ ભારતીય ડુંગળીની માગ ઓછી જોવા મળી રહી છે. બાંગ્લાદેશ દ્વારા ડુંગળીની બહુ મોટા પ્રમાણમાં નિકાસ તથા ખાડી દેશોને તુર્કી, સીરિયા અને ઈજિપ્ત દ્વારા સસ્તા દરે ડુંગળી મળી જતાં અન્ય બજારમાં ભારત માટે સ્પર્ધા વધારે જોવા મળી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment