પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા સરહદ નજીક મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી જતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં આશરે 40 મુસાફરોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે બલૂચિસ્તાનના શેરાની જિલ્લાના ધનસાર વિસ્તારમાંથી ઉપડેલી આ બસ ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન તરફ જઈ રહી હતી, તે દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ સીધી ખાઈમાં જઈ પડી હતી. આ અકસ્માતમાં 40 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
40 લોકોના મોત, 8 મુસાફરો ઘાયલ
માહિતી અનુસાર, આ બસ બલૂચિસ્તાનના શેરાની જિલ્લાના ધનસાર વિસ્તારમાંથી ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન તરફ જઈ રહી હતી. દરમિયાન રસ્તામાં ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્મિક રીતે બનેલી આ ઘટનાને કારણે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને બચાવ ટીમો તાત્કાલિક મદદ માટે પહોંચી હતી. બલૂચિસ્તાનના મુખ્યમંત્રીના મીડિયા અને રાજકીય બાબતોના સલાહકાર શાહિદ રિંદે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રાથમિક અહેવાલો મુજબ આ અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ બચાવ કામગીરી અને તપાસના આદેશ આપ્યા
દુર્ઘટનાની જાણ થતાં જ બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાજ બુગતીના આદેશ પર તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બંને પ્રાંતોનું જિલ્લા વહીવટીતંત્ર, રેસ્ક્યૂ ટીમો અને સંબંધિત વિભાગો સ્થળ પર પહોંચીને લોકોને મદદ કરી રહ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રીએ આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે.
બીજી બસ બગડતા તેના મુસાફરો પણ આ જ બસમાં સવાર થયા હતા
શેરાનીના ડેપ્યુટી કમિશનરે ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ક્વેટાથી આ બસ 36 મુસાફરોને લઈને રવાના થઈ હતી. પરંતુ રસ્તામાં બીજી એક બસ બગડી જતાં તેના મુસાફરોને પણ આ જ બસમાં બેસાડવામાં આવ્યા હતા.
બીજી તરફ, KP રેસ્ક્યૂ 1122ના નિવેદન મુજબ, અકસ્માત સમયે બસમાં કુલ 48 મુસાફરો સવાર હતા. અકસ્માતની માહિતી મળતા જ ઝોબ ઈમરજન્સી સર્વિસ અને રેસ્ક્યૂ 1122ની ટીમો સ્થાનિકોની મદદથી બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી.

