ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 ડિસેમ્બરે કેનેડાના પ્રવાસે જશે. ભારત-કેનેડાના સંબંધો મજબૂત બને તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન વેપાર અને ઉર્જા ક્ષેત્રને લઈ મહત્વની બેઠકો યોજાય તેવી શક્યતા છે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેનેડા પ્રવાસ અંગે સત્તાવાર જાણકારી આપી છે. ઓટાવામાં ભારતીય દૂતાવાસ દ્વારા કાર્યક્રમની જાણકારી આપવામાં આવી છે.
બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને નવી ઉષ્મા મળે તે હેતુથી બેઠકોનું આયોજન કરવામાં આવશે. વેપાર, ઉર્જા, સરહદીય સુરક્ષા અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધો જેવા વિવિધ મુદ્દે બંને દેશોના વડાઓ વચ્ચે ચર્ચા અને બેઠકો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે ભારત અને કેનેડા બંને દેશોએ સાથે મળીને સ્થિરતા અને સમૃદ્ધતા સ્થાપવા માટે પ્રયાસ કરી શકે છે.
કેનેડાના પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે બંને દેશના વડાઓએ બંને દેશ વચ્ચે વ્યાપક આર્થિક કરાર પર વાતચીત કરીને આગળ વધવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. બંને દેશના વડાઓને આશા છે કે આ કરાર દ્વારા 2030 સુધીમાં બંને દેશો વચ્ચે વેપાર વધે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદના દિલ્હી પ્રવાસને લઈને પણ પ્રશંસા કરી છે. કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે દ્વિ-પક્ષીય બેઠક યોજી હતી, જેમાં વેપાર, સુરક્ષા, રોકાણ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રો અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી.











