ચૂંટણીપંચે ઉત્તરપ્રદેશની 10 અને ઉત્તરાખંડની એક બેઠક માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. 16 ઑક્ટોબરે મતદાન થશે અને એ જ દિવસે પરિણામ પણ આવી જશે. ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો પર સભ્યોનો કાર્યકાળ નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે.
રાજ્યસભાની 11 બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમ ચૂંટણીપંચે જાહેર કરી દીધો છે. ઉત્તર પ્રદેશની 10 બેઠકો અને ઉત્તરાખંડની એક બેઠક માટે 16 ઑક્ટોબરે વોટિંગ કરવામાં આવશે અને એ જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં એક બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાશે.
જાણો શું છે સમગ્ર કાર્યક્રમ ?
- ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 6 ઑક્ટોબર
- ફોર્મ ચકાસણી 7 ઑક્ટોબરે યોજાશે
- ઉમેદવારી ફોર્મ પરત લેવાની અંતિમ તારીખ 9 ઑક્ટોબર
- 16 ઑક્ટોબરે વોટિંગ અને પરિણામ
જાણો રાજ્યસભાનું સમીકરણ
UP માં ખાલી થઈ રહેલી 10 સીટમાંથી હાલ 8 બેઠકો ભાજપ પાસે છે. એક એક બેઠક સપા અને બસપા પાસે છે. આ બેઠકો માટે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ, પૂર્વ ડીજીપી બ્રજલાલ, ચંદ્રપ્રભા, સીમા દ્વિવેદી, બી.એલ.શર્માના નામ સામેલ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની કુલ 403 બેઠકોમાંથી હાલમાં 6 ધારાસભ્યોના નિધન બાદ 397 ધારાસભ્યો મતદાન કરશે. રાજ્યસભાની એક સીટ જીતવા માટે ઉમેદવારને આશરે 37 પ્રથમ પસંદગીના મતોની જરૂર પડશે. બસપાનો યુપી વિધાનસભામાં એક પણ ધારાસભ્ય ન હોવાથી, વર્તમાન સાંસદનો કાર્યકાળ પૂરો થતાં જ રાજ્યસભામાં પણ બસપાનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે. સમાજવાદી પાર્ટી પાસે 101 ધારાસભ્યોનું બળ હોવાથી તે 2 રાજ્યસભા બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે, અને તેની પાસે વધારાના મતો પણ બચશે. બીજી તરફ ભાજપ પાસે પોતાના 256 અને સહયોગી પક્ષોના 33 મળીને કુલ 289 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ ગણિત અનુસાર ભાજપ સરળતાથી 7 બેઠકો જીતી શકે તેવી મજબૂત સ્થિતિમાં છે.
પશ્ચિમ બંગાળમાં શા માટે પેટાચૂંટણી ?
પશ્ચિમ બંગાળમાં એક બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. કારણ કે તાજેતરમાં જ TMC સાંસદ રુકમણી મલિકે રાજ્યસભામાં રાજીનામુ આપી દીધુ છે. આ જ વર્ષે એપ્રિલમાં રાજ્યસભા માટે નિયુક્ત થયા હતા, તેથી એ બેઠક ખાલી હોવાથી પેટાચૂંટણી યોજાશે.











