Iran US War News : તુર્કીની રાજધાની અંકારામાં આયોજિત NATO સમિટ દરમિયાન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે એક મોટું નિવેદન આપ્યું. પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે ઈરાન સાથેના સમજૂતી કરાર (MoU) હવે સમાપ્ત થઈ ગયો છે.તેમને કહ્યું કે, ઇરાન મને પણ નિશાન બનાવવાની ફિરાકમાં છે. તેઓ કોઈને છોડતા નથી. મેં તેમને કહી દીધું છે કે જ્યારે પણ તમે હુમલો કરશો, અમે પણ હુમલો કરીશું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની સમજૂતી ખતમ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે અંકારામાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ઇરાન સાથે હવે કોઈ સમજૂતી થશે નહીં. અમે બધું જ ખતમ કરી દીધું છે.
નાટો સમિટ દરમિયાન આપ્યું નિવેદન
ટ્રમ્પનું આ નિવેદન તુર્કીની રાજધાની અંકારામાં યોજાયેલી બે દિવસીય નાટો સમિટ દરમિયાન સામે આવ્યું. ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ટ્રમ્પે આ ટિપ્પણી કરી હતી. અમેરિકાએ આ હુમલાને હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કરો પર થયેલા હુમલાનો જવાબ ગણાવ્યો છે. જોકે ટ્રમ્પે એ પણ કહ્યું કે અમેરિકી પ્રતિનિધિઓ વાટાઘાટો ચાલુ રાખી શકે છે, પરંતુ તેમને તેના પરિણામને લઈને વિશ્વાસ નથી.
અમેરિકાએ ઈરાન પર હુમલા શરૂ કર્યા
અહેવાલ મુજબ, અમેરિકાએ બુધવારે વહેલી સવારે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. આ હુમલાથી થોડા કલાકો પહેલા અમેરિકાએ ઈરાનનું તેલ વેચાણ લાઇસન્સ પણ રદ કર્યું હતું. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર થયેલા હુમલા બાદ અમેરિકાએ આ પગલું ભર્યું હોવાનું જણાવાયું છે. બીજી તરફ ઈરાને પણ બહેરીન અને કુવૈત પર હુમલા શરૂ કરીને જવાબ આપ્યો હતો.
મધ્ય પૂર્વમાં તણાવ યથાવત
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં ચિંતાનો માહોલ છે. ટ્રમ્પે ઈરાન સાથે કોઈ સોદો કરવાની ઈચ્છા ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે આ મામલે હવે આગળ વધવાની કોઈ જરૂર નથી. ટ્રમ્પના આ કડક વલણથી ઈરાન-અમેરિકા સંબંધો વધુ તણાવપૂર્ણ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાટો પ્રત્યે પણ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી
ટ્રમ્પે નાટો પ્રત્યે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકા સાથે અન્યાય થઈ રહ્યો છે અને અમેરિકા નાટોમાં પોતાના હિસ્સા કરતાં ઘણું વધુ ચૂકવી રહ્યું છે. ગ્રીનલેન્ડ મુદ્દે પણ ટ્રમ્પે કહ્યું કે આ યુનાઇટેડ સ્ટેટ્સ માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પ્રશ્ન છે. આ મુદ્દે નાટોના વલણને લઈને પણ તેમણે નારાજગી વ્યક્ત કરી.
વૈશ્વિક રાજકારણમાં ફરી ગરમાવો
ટ્રમ્પના નિવેદન બાદ વૈશ્વિક રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. ઈરાન સાથે યુદ્ધવિરામ, અમેરિકાના હુમલા, નાટો સાથેના મતભેદ અને મધ્ય પૂર્વની સુરક્ષા સ્થિતિ આ તમામ મુદ્દાઓ હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની સ્થિતિ વધુ ગંભીર બને છે કે વાટાઘાટોનો રસ્તો ખુલે છે, તેના પર દુનિયાની નજર રહેશે.
આ પણ વાંચો : 5 સિસ્ટમ સક્રિય, સુરત-નવસારીમાં જળપ્રલય, જાણો વરસાદ અને રેસ્ક્યૂની તમામ માહિતી

