ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

ગુજરાતમાં મેઘતાંડવ: 5 સિસ્ટમ સક્રિય, સુરત-નવસારીમાં જળપ્રલય, જાણો વરસાદ અને રેસ્ક્યૂની તમામ માહિતી

Gujarat Heavy Rain Alert

Gujarat Heavy Rain Alert : ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે(IMD Gujarat Alert) આગાહી જાહેર કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને જરૂરી ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરી છે. દરિયામાં કરંટ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દરિયાખેડુઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરાઈ છે.

રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમ, ભારે વરસાદની શક્યતા

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય બન્યું છે. ગુજરાતમાં પણ ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. એક સાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગો, ગુજરાતના બાકીના વિસ્તારો અને રાજસ્થાન-હરિયાણા તરફ આગળ વધી ચૂક્યું છે. પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. સાથે જ દક્ષિણ ગુજરાતથી મધ્ય કેરળ સુધીના દરિયાકાંઠા વિસ્તારોમાં ઓફ-શોર ટ્રફ પણ સક્રિય છે. આ સ્થિતિને કારણે આગામી 2થી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

સુરતમાં વરસાદથી જનજીવન પ્રભાવિત

સુરતમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જળમગ્ન વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સચિન GIDC વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા દુઃખદ ઘટના સામે આવી હતી, જ્યાં બે બાળકો પાણી ભરાયેલા ખાડામાં પડ્યા હોવાની માહિતી સામે આવી છે.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. આસપાસ અન્ય કોઈ બાળક કે વ્યક્તિ ફસાયું છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરાઈ છે.

Gujarat Flood Rescue
Gujarat Flood Rescue

સુરત પોલીસનું રેસ્ક્યૂ ઓપરેશન

સુરતમાં વરસાદી પાણી વચ્ચે ફસાયેલા લોકોનું સતત રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરત પોલીસના જવાનોએ ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પોલીસે બાળકોને ખભા પર બેસાડી અને ખોળામાં લઈને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

વરસતા વરસાદ વચ્ચે આદર્શ શાળામાં ફસાયેલા 37 બાળકો અને 12 જેટલા સ્ટાફકર્મીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યોમાં પોલીસની માનવતા જોવા મળી, પરંતુ સાથે જ સુરતવાસીઓમાં તંત્ર પ્રત્યે આક્રોશ પણ જોવા મળ્યો છે. દર ચોમાસામાં શહેરમાં આવી સ્થિતિ કેમ સર્જાય છે તે અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. 

નવસારીમાં 15 ઈંચ વરસાદ, બસમાંથી મુસાફરોનું રેસ્ક્યૂ

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નેશનલ હાઈવે 48 પાસે બ્રિજ પર બસ ફસાઈ જતાં ગણદેવી ફાયર વિભાગે મોટી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

બસમાં ફસાયેલા 35થી વધુ મુસાફરોને ઈમરજન્સી વિન્ડોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. કેડસમા પાણીમાં નાના બાળકોને ખભા પર બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ખરવેલ ઓવરબ્રિજ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી કારમાંથી પણ 3 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

Heavy Rain Alert Gujarat
Heavy Rain Alert Gujarat

સુરત શહેર-જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

સુરતમાં સતત વરસાદ અને જળપ્રલય જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને બુધવારે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સોમવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે મંગળવારે પણ વિરામ લીધો નહોતો. 36 કલાકમાં અંદાજે 18 ઈંચ વરસાદ ખાબકતા સુરતના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. જ્યાં રોજ વાહનોની વણથંભી દોડધામ જોવા મળતી હતી, ત્યાં આજે બોટ દ્વારા રેસ્ક્યૂ કામગીરી કરવાની ફરજ પડી રહી છે.

ડાંગ અને તાપીમાં નદીઓમાં ઘોડાપૂર

ડાંગ અને તાપી જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તર સુધી પહોંચી ગઈ છે. ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.પૂર્ણા, અંબિકા, ખાપરી સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટી કરતાં વધુ પહોંચી ગયું છે. પાણીના પ્રચંડ પ્રવાહને કારણે દેવધા ડેમના 20 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ડાંગ જિલ્લામાં કુદરતના રૌદ્ર સ્વરૂપને કારણે 16 જેટલા ગ્રામ્ય માર્ગ બંધ કરાયા છે. જિલ્લા તંત્ર દ્વારા સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદમાં ભૂવો, AMCનું ડમ્પર ફસાયું

અમદાવાદમાં વરસાદ વચ્ચે રસ્તાઓની હાલતને લઈને પણ સવાલો ઊભા થયા છે. દક્ષિણ વાસણામાં એક મોટો ભૂવો પડતા AMCનું ડમ્પર તેમાં ફસાઈ ગયું હતું. ઘટના બાદ બે JCBની મદદથી મોડી રાતે ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું.આ ઘટના બાદ કોર્પોરેશનની પ્રી-મોનસુન કામગીરી પર સવાલો ઊભા થયા છે. જો આ ખાડામાં પાણી ભરાયેલું હોત અને કોઈ રાહદારી કે વાહનચાલક તેમાં ખાબક્યો હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.

AMC Dump Truck
AMC Dump Truck

પૂણેના મુળશી તાલુકામાં પૂરની સ્થિતિ

ગુજરાતની સાથે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદે પરિસ્થિતિ ગંભીર બનાવી છે. પૂણેના મુળશી તાલુકામાં આવેલા દેવી આઈ વરદાયિની મંદિર આસપાસ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે મુળશી તાલુકાની નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. ચારે બાજુ પાણી વચ્ચે મંદિર સુરક્ષિત ઊભું જોવા મળ્યું હતું. સ્થાનિક લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

લોકોને સાવચેતી રાખવા અપીલ

હવામાન વિભાગ અને તંત્ર દ્વારા લોકોને વરસાદી પરિસ્થિતિમાં સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, નદીકાંઠાના ગામો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે. લોકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ન ચલાવવા, નદી-નાળા કે ઓવરબ્રિજ પરથી પાણી વહેતું હોય ત્યારે પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસો વરસાદી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે અને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે.

આ પણ વાંચો : વાયનાડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, ટનલ પ્રોજેક્ટ પાસે બેના મોત, અનેક દટાયા હોવાની આશંકા

Join WhatsApp

Join Now

Leave a Comment