સ્માર્ટફોનમાં નેટ બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ, ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ્સ, સોશિયલ મીડિયા અને ઓફિસના કામ સુધી બધું જ હવે મોબાઈલથી થાય છે. આપણે જરૂર પડે ત્યારે ધણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લઇએ છે પણ પછી તેનો એકાદ વખત ઉપયોગ કર્યા પછી તેને ભૂલી જઇયે છીએ. આવી બિનઉપયોગી એપ(Unused Apps) ફોનની સ્ટોરેજ જ નહીં રોકે, પરંતુ તમારી પ્રાઇવસી અને સિક્યોરિટી માટે પણ મોટું જોખમ બની શકે છે.
પર્સનલ ડેટા ચોરી અને હેકિંગનો ખતરો
ઘણી એપ્સ એવી હોય છે જેનો મહિનાઓ સુધી ઉપયોગ ન થતો હોય, છતાં તે ફોનના બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહી શકે છે. આપણે જયારે એપ ઇન્સ્ટોલ કરીયે છીએ ત્યારે કેમેરા, માઇક્રોફોન, લોકેશન, કોન્ટેક્ટ્સ, ગેલેરી અને સ્ટોરેજ જેવી પરમિશન આપી દઈએ છીએ.
આવી બિનજરૂરી એપના સર્વરમાં જયારે કોઈ ખામી આવે છે ત્યારે ડેટા લીક થાય, ત્યારે તમારા પર્સનલ ફોટા, વીડિયો, લોકેશન, કોન્ટેક્ટ્સ અને ક્યારેક બેંકિંગ સંબંધિત માહિતી પણ જોખમમાં આવી શકે છે. સાયબર ફ્રોડના વધતા કેસ વચ્ચે આવી બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે.
બિનઉપયોગી એપ્સથી ફોન પર શું થાય છે અસર?
બિનઉપયોગી એપ્સ ફોનમાં રહીને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે.
- ફોનની બેટરી ઝડપથી ઉતરી શકે છે
- મોબાઇલ ડેટાનો બિનજરૂરી વપરાશ થઈ શકે છે
- ફોનનું પ્રોસેસર ધીમું પડી શકે છે
- વારંવાર નોટિફિકેશનથી માનસિક તણાવ વધી શકે છે
- સ્ટોરેજ ભરાઈ જવાથી જરૂરી ફાઇલ્સ માટે જગ્યા ઓછી પડી શકે છે
- પ્રાઇવસી અને ડેટા સિક્યોરિટી પર જોખમ ઊભું થઈ શકે છે
મોબાઈલનું સ્ટોરેજ ખાલી કરવાનો સૌથી સરળ રસ્તો
આજકાલ ઘણી સામાન્ય એપ્સનું સાઇઝ પણ 100 MBથી લઈને 1 GB કે તેથી વધુ હોય છે. જો ફોનમાં આવી ઘણી એપ્સ પડી હોય, તો તે મોટી માત્રામાં સ્ટોરેજ રોકી રાખે છે. લાંબા સમયથી ઉપયોગ ન થતી એપ્સ ડિલીટ કરવાથી ફોનમાં નવી તસવીરો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને જરૂરી ફાઇલ્સ માટે જગ્યા ખાલી થઈ શકે છે.
એપ ડિલીટ કર્યા વગર પણ કરી શકો છો મેનેજ
જો તમને લાગે કે કોઈ એપ ભવિષ્યમાં કામ આવી શકે છે, તો તેને સીધી ડિલીટ કરવાની જગ્યાએ સ્માર્ટ ફીચર્સનો ઉપયોગ કરી શકાય છે.
- iPhone યુઝર્સ માટે: ‘Offload App’ ફીચર ઉપયોગી છે
- Android યુઝર્સ માટે: ‘App Archiving’ ફીચર કામનું છે
આ ફીચર્સથી એપ ફોનમાંથી હટી જાય છે, પરંતુ તેનો જરૂરી ડેટા સેવ રહી શકે છે. એટલે ફરીથી એપ ઇન્સ્ટોલ કરશો ત્યારે બધું શરૂઆતથી સેટ કરવાની જરૂર નહીં પડે.
દર 2 મહિને કરો એપ્સનું ઓડિટ
સાયબર સુરક્ષા નિષ્ણાતોની સલાહ છે કે દરેક યુઝરે દર ત્રણ મહિને એકવાર પોતાના ફોનની એપ્સ ચેક કરવી જોઈએ. કઈ એપનો નિયમિત ઉપયોગ થાય છે અને કઈ એપ લાંબા સમયથી ખાલી પડી છે, તે તપાસવું જરૂરી છે.
એપ્સ ચેક કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો:
- કઈ એપ છેલ્લા ઘણા સમયથી ઉપયોગમાં નથી આવી?
- કઈ એપને કેમેરા, માઇક, લોકેશન જેવી વધારે પરમિશન છે?
- કઈ એપ બેકગ્રાઉન્ડમાં વધારે ડેટા વાપરે છે?
- કઈ એપ સતત નોટિફિકેશન મોકલે છે?
- જે એપની જરૂર નથી તેને હટાવી દો
માત્ર Uninstall કરવું પૂરતું નથી
ઘણા લોકો એપ ડિલીટ કરતી વખતે માત્ર અનઇન્સટોલ કરી દે છે, પરંતુ આ પૂરતું નથી. ઘણી વખત એપનો એકાઉન્ટ ડેટા કંપનીના સર્વર પર રહી શકે છે. તેથી એપ હટાવતા પહેલાં નીચેની પ્રક્રિયા કરવી વધુ સુરક્ષિત છે.
- સૌથી પહેલા એપ ઓપન કરો
- પોતાના એકાઉન્ટમાંથી logout કરો
- શક્ય હોય તો ‘Delete Account’નો વિકલ્પ પસંદ કરો
- એપની પરમિશન્સ બંધ કરો
- ત્યારબાદ જ એપ uninstall કરો
આમ કરવાથી તમારો પર્સનલ ડેટા વધુ સુરક્ષિત રહી શકે છે અને ભવિષ્યમાં ડેટા લીક અથવા સાયબર ફ્રોડનો ખતરો ઓછો થઈ શકે છે.
નાની સાવચેતી, મોટી સુરક્ષા
ફોનમાં નકામી એપ્સ રાખવી સામાન્ય લાગતી આદત છે, પરંતુ તે પ્રાઇવસી, સિક્યોરિટી, બેંકિંગ ડેટા, બેટરી, ઇન્ટરનેટ ડેટા અને સ્ટોરેજ બધા પર અસર કરી શકે છે. એટલે સમયાંતરે ફોનમાંથી બિનઉપયોગી એપ્સ દૂર કરવી માત્ર ફોનને ફાસ્ટ બનાવવા માટે નહીં, પરંતુ પોતાની ડિજિટલ સુરક્ષા માટે પણ ખૂબ જરૂરી છે.

