Ahmedabad News : અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાંથી રૂ.2 લાખથી વધુ કિંમતની સોનાની લેડીઝ ઘડિયાળ ચોરી કરનાર યુવકને સોલા હાઇકોર્ટ પોલીસે ઝડપી પાડ્યો છે. CCTV ફૂટેજ અને પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે 22 વર્ષીય યુવકની ધરપકડ કરી ચોરી કરાયેલી ઘડિયાળ પણ રિકવર કરી છે.
મળતી માહિતી મુજબ, 16 ઓગસ્ટ 2026ના રોજ ગોતાના વંદેમાતરમ રોડ પર આવેલા શક્તિ ETC કોમ્પ્લેક્સના A-બ્લોકમાં સ્થિત એક બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાં ચોરી થઈ હતી. સવારે 10થી રાત્રે 9 વાગ્યા દરમિયાન એક શખસે શોરૂમમાંથી ટાઇટન(Titan) કંપનીની નેબ્યુલા(Titan Nebula) મોડેલની સોનાની લેડીઝ ઘડિયાળ ચોરી કરી હતી. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે તપાસ દરમિયાન શોરૂમ તેમજ આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં એક શંકાસ્પદ શખસ ચોરી કરતો જોવા મળ્યો હતો. પોલીસે CCTVના આધારે મળેલી બાતમીના આધારે સોલા વિવાંતા હોટેલ બહાર આવેલા AMTS બસ સ્ટેન્ડ પાસેથી પ્રદિપ કેદારસિંહ નાયક નામના યુવકને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાનો રહેવાસી છે અને હાલ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે રહે છે. પોલીસે તેની પાસેથી રૂ.2,02,440ની કિંમતની ચોરી થયેલી સોનાની ઘડિયાળ જપ્ત કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








