અરૂણાચલ પ્રદેશમાં LAC નજીક ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઘર્ષણના સમાચારે ભારત સરકારને હચમચાવી દીધી છે. વિદેશ મંત્રાલય તરફથી આ અંગે તાબડતોબ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નિવેદન આપ્યુ છે કે ચીની સૈનિકો નિર્ધારીત પેટ્રોલિંગથી અલગ રીતે વર્તે ત્યારે સ્થિતિ બગડવાની શક્યતા રહે છે. ITBP ના વડા શત્રુજીત કપૂરે ગઈ કાલે LAC નજીક ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ અંગે નિવેદન આપ્યુ હતુ.
ભારત-ચીન સરહદે ફરીથી તણાવના અહેવાલો વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે સ્વીકાર્યુ છે કે ચીની સૈનિકો નિર્ધારીત પેટ્રોલિંગ પદ્ધિતીથી અલગ વર્તે છે ત્યારે તે સરહદીય વિસ્તારોની સ્થિતિ વિષમ બની જાય છે. આ નિવેદન બાદ વિપક્ષ સરકાર પર તૂટી પડ્યો છે અને માહિતી છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના વડા શત્રુજીત કપૂરના નિવેદનનો વીડિયો હટાવી લેવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યુ છે કે સરહદીય વિસ્તારોમાં સ્થિતિ ત્યારે જ ડામાડોળ થાય છે જ્યારે ચીની સૈનિકો નિર્ધારીત પેટ્રોલિંગ સિસ્ટમથી અલગ વર્તન કરે. બંને દેશો બાકી રહેલા મુદ્દાઓ ઉકેલવા અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ગેરસમજ તથા ખોટા અંદાજ ટાળવા માટે હાલની રાજદ્વારી અને સૈન્ય વ્યવસ્થાઓનો ઉપયોગ કરી રહ્યા છે. સરહદના યોગ્ય સંચાલન માટે LAC અંગેની સમજ સુધારવા બંને દેશો ચર્ચા કરવા પણ સંમત થયા છે. જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. ચોક્કસ સરહદી સ્થિતિ અંગેના સવાલો તેમણે સંરક્ષણ મંત્રાલય તરફ વાળ્યા હતા.
ITBP ના વડા શત્રુજીત કપૂરે 22 ઓક્ટોબરે રાજસ્થાનના અલવરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણને લઈ નિવેદન આપ્યુ હતુ. તેમણે બંને દેશના સૈનિકો વચ્ચે ચાલુ વર્ષના જૂલાઈ માસથી ચાલી રહેલી ટક્કરને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. આ ઘટનાએ સરહદ પરની સ્થિતિ અને વાસ્તવિક ચિત્ર રજૂ ન કરવાની નીતિ અંગે સવાલો ઉભા કર્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભારત સરકાર સમક્ષ સ્થિતિ સ્પષ્ટ કરવા અંગે ખુલાસો માંગ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં LAC નજીક ભારત અને ચીનની સેના વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને લઈને સ્પષ્ટતા કરવાની સરકાર સમક્ષ માંગ કરી છે.












