સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની એક્શન થ્રિલર ફિલ્મ જેલર-2 બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના નવમા દિવસે ભારતમાં 14.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે તેની કુલ સ્થાનિક કમાણી 348.85 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ફિલ્મે ‘બોર્ડર 2’ અને ‘હનુમાન અંશ’ની સ્થાનિક કમાણીના આંકડાને પણ પાછળ છોડી દીધા છે. બીજી તરફ, વિશ્વભરમાં ફિલ્મનું કુલ કલેક્શન 628.05 કરોડ રૂપિયા થઈ ગયું છે.
તહેવારોની રજાઓ પૂરી થયા બાદ સિનેમાઘરોમાં દર્શકોની સંખ્યા ઘટતાં ફિલ્મની કમાણીની ગતિ થોડી ધીમી પડી હતી. ફિલ્મે પહેલા જ અઠવાડિયામાં ભારતમાં 300 કરોડ રૂપિયાના નેટ કલેક્શનનો આંકડો પાર કરી લીધો હતો. પ્રથમ અઠવાડિયાના અંતે તેનું સ્થાનિક નેટ કલેક્શન 334.35 કરોડ રૂપિયા હતું. નવમા દિવસની કમાણી ઉમેરાતાં આ આંકડો વધીને 348.85 કરોડ રૂપિયા થયો છે. હવે ફિલ્મ 350 કરોડ રૂપિયાના આંકડાથી થોડે જ દૂર છે.
‘જેલર 2’એ ‘બોર્ડર 2’ અને ‘હનુમાન અંશ’ની કુલ સ્થાનિક કમાણી કરતાં વધુ કલેક્શન કર્યું છે. અહેવાલ પ્રમાણે, ‘બોર્ડર 2’ની કમાણી આશરે 329 કરોડ અને ‘હનુમાન અંશ’ની કમાણી 339 કરોડ રૂપિયા રહી હતી. ‘જેલર 2’એ રિલીઝના પહેલા જ દિવસે ભારતમાં 15,887 શોમાંથી 59.70 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 10 ઑક્ટોબરે શરૂ થયું હતું અને 14 ઑક્ટોબરના અંત સુધીમાં વિશ્વભરમાં તેનું કલેક્શન 80 કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું.
નેલ્સન દિલીપકુમાર દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ કલાનિધિ મારને ‘સન પિક્ચર્સ’ના બેનર હેઠળ કર્યું છે. વર્ષ 2023માં આવેલી ‘જેલર’ની આ સિક્વલમાં રજનીકાંત સાથે રમ્યા કૃષ્ણન, યોગી બાબુ, મિર્ના અને ઋત્વિક ફરી જોવા મળે છે. ફિલ્મમાં એસ.જે. સૂર્યા, મિથુન ચક્રવર્તી, સૂરજ વેંજરામૂડુ અને વિદ્યા બાલન પણ છે. મોહનલાલ, શિવ રાજકુમાર અને જેકી શ્રોફ મહેમાન ભૂમિકામાં જોવા મળે છે.












