Ahmedabad Rain Alert : અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ(AMC)ને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જયા-પાર્વતી વ્રત નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ(Sabarmati Riverfront) અને કાંકરિયા લેક(Kankariya Lake) ખાતે મહિલાઓ અને બાળકીઓ માટે યોજાનાર વિશેષ રાત્રિ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય
દર વર્ષની જેમ જયા-પાર્વતી વ્રત દરમિયાન મોટી સંખ્યામાં બાળકીઓ, મહિલાઓ અને તેમના પરિવારજનો રિવરફ્રન્ટ(Ahmedabad Riverfront) તથા કાંકરિયા લેક ખાતે ઉજવણી માટે પહોંચતા હોય છે. જોકે આ વર્ષે અતિ ભારે વરસાદ, પાણી ભરાવા અને તોફાની પવનની શક્યતાને કારણે AMCએ નિર્ધારિત રાત્રિ આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
મેયર અને મ્યુનિસિપલ કમિશનરની બેઠક બાદ નિર્ણય
અમદાવાદ મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની વચ્ચે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો કે સાબરમતી રિવરફ્રન્ટના પસંદગીના ગાર્ડન અને કાંકરિયા લેક પરિસરમાં જયા-પાર્વતી વ્રત માટે યોજાનાર રાત્રિ કાર્યક્રમ નિર્ધારિત સમય મુજબ યોજાશે નહીં.
હવામાનની સ્થિતિને લઈને સતર્ક રહેવા સૂચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જયા-પાર્વતી વ્રત કરનારી મહિલાઓ, બાળકીઓ અને તેમના પરિવારજનોને આ નિર્ણયમાં સહકાર આપવા અપીલ કરી છે. AMC દ્વારા શહેરના લોકોને હવામાનની બદલાતી સ્થિતિ અંગે સતર્ક રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

