ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Apple Overtakes Nvidia : Nvidiaને પાછળ છોડીને Apple ફરી બની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની

Apple Overtakes Nvidia

Apple Overtakes Nvidia : iPhone બનાવતી ટેક દિગ્ગજ કંપની Appleએ AI ચિપ ઉત્પાદક કંપની Nvidiaને પાછળ છોડીને વિશ્વની સૌથી મૂલ્યવાન જાહેર કંપની (Most Valuable Public Company) તરીકે પોતાનું સ્થાન ફરી મેળવ્યું છે. Appleનો શેર 336.91 ડોલરના સ્તરે પહોંચતાં કંપનીનું માર્કેટ કેપ અંદાજે 4.96 ટ્રિલિયન ડોલર થયું છે. તો બીજી બાજુ  Nvidiaના શેરમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો થતાં કંપનીનું માર્કેટ કેપ અંદાજે 4.79 ટ્રિલિયન ડોલર રહ્યું છે.

Appleના શેરે બનાવ્યો નવો રેકોર્ડ

અમેરિકી શેરબજારના તાજેતરના ટ્રેડિંગ સેશનમાં Appleના શેરમાં આશરે 1.17 ટકાનો નોંધાયો હતો. અને શેર 336.91 ડોલરના સર્વોચ્ચ સ્તરે બંધ થયો. આ વધારાના કારણે કંપનીનું માર્કેટ કેપ લગભગ 4.94 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું.

બીજી તરફ Nvidiaના શેરમાં આશરે 5.03 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પરિણામે Apple ફરી એકવાર વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની. 

ચાલુ વર્ષે Appleના શેરે અત્યાર સુધીમાં 22 ટકાથી વધુનું વળતર આપ્યું છે. અમેરિકાની સૌથી મોટી ટેક કંપનીઓના જૂથ Magnificent Sevenમાં પણ Appleનું પ્રદર્શન સૌથી મજબૂત ગણાઈ રહ્યું છે. આથી કંપનીમાં લાંબા ગાળાના રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.       

AI ક્ષેત્રમાં ભારે ખર્ચ અંગે રોકાણકારો સતર્ક

Nvidiaને અત્યાર સુધી AI ક્રાંતિનો સૌથી મોટો લાભ મેળવનારી કંપની માનવામાં આવતી હતી. કંપનીના ચિપ્સનો ઉપયોગ મોટા ડેટા સેન્ટર, AI મોડલ અને હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગમાં મોટા પ્રમાણમાં થાય છે.

પરંતુ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ થઈ રહેલા અબજો ડોલરના ખર્ચ અને તે ખર્ચમાંથી મળનારા વળતર અંગે હવે રોકાણકારોમાં ચિંતા વધી રહી છે. Nvidiaના શેરમાં આવેલા તાજેતરના ઘટાડા પાછળ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઊંચા ખર્ચ અંગેની ચિંતા પણ મહત્વપૂર્ણ કારણ હોવાનું બજાર અહેવાલોમાં જણાવાયું છે.

Appleની સંતુલિત AI વ્યૂહરચનાનો ફાયદો

Microsoft, Meta, Alphabet અને Amazon જેવી મોટી ટેક કંપનીઓ AI ડેટા સેન્ટર, ચિપ્સ અને કમ્પ્યુટિંગ ક્ષમતા વધારવા માટે મોટું રોકાણ કરી રહી છે. તેની સરખામણીએ Appleએ AI ક્ષેત્રમાં વધુ નિયંત્રિત અને સંતુલિત ખર્ચની નીતિ અપનાવી છે. અને છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં કંપનીના કેપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડો નોંધાયો છે.

એક સમય એવો હતો જ્યારે Appleની ટીકા કરવામાં આવતી હતી કે AIની દોડમાં કંપની પાછળ રહી ગઈ છે. પરંતુ હવે આ જ સાવચેત વ્યૂહરચના કંપની માટે ફાયદાકારક સાબિત થતી જોવા મળી રહી છે.

રોકાણકારોનું માનવું છે કે Apple ભારે મૂડીરોકાણ કર્યા વગર પોતાની ડિવાઇસ, સોફ્ટવેર, સર્વિસ અને AI સુવિધાઓને આગળ વધારી શકે છે. તેની મજબૂત આવક, વિશાળ ગ્રાહક આધાર અને iPhone ઇકોસિસ્ટમ કંપનીને અન્ય AI આધારિત કંપનીઓની સરખામણીએ વધુ સ્થિર બનાવે છે.

હવે Appleના ત્રિમાસિક પરિણામો પર નજર

હવે સમગ્ર બજારની નજર Appleના આગામી ત્રિમાસિક નાણાકીય પરિણામો પર રહેશે. રોકાણકારો ખાસ કરીને કંપનીની આવક, iPhone વેચાણ, સર્વિસ બિઝનેસ અને Apple Intelligence AI સંબંધિત પ્રગતિ પર ધ્યાન આપશે.

Apple ભારે AI ખર્ચ કર્યા વગર પોતાની આવક અને નફામાં વૃદ્ધિ જાળવી શકે છે કે નહીં તે આગામી પરિણામોમાં સ્પષ્ટ થશે. જો કંપની મજબૂત પરિણામ રજૂ કરશે, તો વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની તરીકે તેનું સ્થાન વધુ મજબૂત બની શકે છે.

બીજી તરફ Nvidia અને અન્ય AI આધારિત ટેક કંપનીઓ માટે રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવો પડકારરૂપ બની શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે બજાર માત્ર AIના ભવિષ્ય પર નહીં, પરંતુ AIમાંથી મળતા વાસ્તવિક નફા અને વ્યવસાયિક પરિણામો પર વધુ ધ્યાન આપી રહ્યું છે.

આ પણ વાંચો : ફેસબુકે PM મોદીનો વીડિયો કર્યો બ્લોક, વિવાદ બાદ METAએ આપ્યો મોટો ખુલાસો

Join WhatsApp

Join Now

Leave a Comment