Bhavnagar News : ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે કરૂણ ઘટના બની હતી. વાડી વિસ્તારમાં કેટલાક યુવકો જુગાર રમી રહ્યા હતા ત્યારે અચાનક ભાગો-ભાગોની બૂમો પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન ત્રણ યુવકો નજીકના કૂવામાં પડી જતાં તેમના મોત નીપજ્યાં હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, વાડી વિસ્તારમાં અંદાજે 11 જેટલા યુવકો જુગાર રમી રહ્યા હતા. અચાનક કોઈ કારણસર બૂમાબૂમ થતાં યુવકોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ આવી હોવાની આશંકા કે અન્ય કોઈ કારણસર નાસભાગ મચતા ત્રણ યુવકો કૂવામાં ખાબક્યા હતા.
આ દુર્ઘટનામાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહના મોત થયા છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલ પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.









