ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

Commonwealth Games 2030 : ગ્લાસગોમાં અમદાવાદને સોંપાશે બેટન અને ધ્વજ, શરૂ થશે ઐતિહાસિક યજમાન યાત્રા

Commonwealth Games 2030

Commonwealth Games 2030 : ભારતના રમતગમતના ઇતિહાસમાં આજે એક નવી દિશાની શરૂઆત થવા જઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ દરમિયાન ભારત અને ખાસ કરીને ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જાશે.

ગ્લાસગોમાં યોજાનારા સમાપન સમારોહ(Glasgow Handover Ceremony)માં યજમાન બેટન અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સત્તાવાર રીતે અમદાવાદને સોંપવામાં આવશે. આ હેન્ડઓવર સાથે 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની યજમાન યાત્રાનો સત્તાવાર પ્રારંભ થશે.

તબક્કાવાર યોજાશે હેન્ડઓવર સેરેમની

ગ્લાસગોમાં યોજાનારી હેન્ડઓવર સેરેમની તબક્કાવાર યોજાશે. સેરેમનીના પ્રથમ તબબક્કામાં ‘વંદે માતરમ્’ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરને કલાત્મક રીતે વ્યક્ત કરવામાં આવશે. 

સેરેમનીના બીજા તબક્કામાં ભારતીય સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટિશ પાઈપવાદક રોસ એન્સલી વચ્ચે સંગીતમય જુગબંધી રજૂ કરવામાં આવશે. સિતાર અને સ્કોટિશ બેગપાઈપના સૂર દ્વારા બંને દેશોની સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ માત્ર યજમાનપદનું હસ્તાંતરણ નહીં પરંતુ ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સાંસ્કૃતિક એકતા અને મિત્રતાનો સંદેશ આપવાનો પણ છે.

હેન્ડઓવર સેરેમનીમાં હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત

આ વિશેષ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો શેર કરતાં હર્ષ સંઘવીએ લખ્યું કે, “આ તો માત્ર એક ટ્રેલર છે.” વીડિયોમાં બોલિવૂડ ગાયક શંકર મહાદેવન, ભૂમિ ત્રિવેદી અને જાણીતા કોરિયોગ્રાફર શ્યામક દાવર સહિત અનેક કલાકારો જોવા મળે છે.

આ કલાકારો લોકપ્રિય દેશભક્તિ ગીત ‘સુનો ગૌર સે દુનિયા વાલો’ રજૂ કરતા જોવા મળે છે. આ વીડિયોએ હેન્ડઓવર સેરેમની(Glasgow handover ceremony) અને અમદાવાદ-2030ને લઈને રમતપ્રેમીઓની ઉત્સુકતા વધારી છે.

કિંગ્સ બેટનનો ઇતિહાસ શું છે?

કોમનવેલ્થ ગેમ્સમાં બેટન રિલેની શરૂઆત વર્ષ 1958માં વેલ્સના કાર્ડિફ ખાતે યોજાયેલી ગેમ્સથી થઈ હતી. આ બેટન કોમનવેલ્થના વિવિધ સભ્ય દેશોમાં ફરાવવામાં આવે છે.

રિલે દરમિયાન ખેલાડીઓ, પૂર્વ ખેલાડીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો અને યુવાનો એકબીજાને બેટન સોંપે છે. આ સમગ્ર યાત્રા કોમનવેલ્થ દેશો વચ્ચેની એકતા, મિત્રતા અને સહયોગનું પ્રતિક બને છે.

દરેક કોમનવેલ્થ ગેમ્સ માટે અલગ અને અનોખું બેટન તૈયાર કરવામાં આવે છે. તેની ડિઝાઇનમાં યજમાન દેશની સંસ્કૃતિ, ટેક્નોલોજી, પરંપરા અને ઓળખની ઝલક જોવા મળે છે.

2030માં કોમનવેલ્થ ગેમ્સને પૂર્ણ થશે 100 વર્ષ

કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત વર્ષ 1930માં કેનેડાના હેમિલ્ટનથી થઈ હતી. વર્ષ 2030માં આ રમતોત્સવને 100 વર્ષ પૂર્ણ થશે. શતાબ્દી વર્ષમાં યોજાનારી ગેમ્સનું યજમાનપદ અમદાવાદને મળતાં આ આવૃત્તિને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. અમદાવાદમાં યોજાનારી ગેમ્સ માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવપૂર્ણ અવસર બનશે.

અમદાવાદ સહિત ચાર શહેરોમાં યોજાશે સ્પર્ધાઓ

2030ની કોમનવેલ્થ ગેમ્સની વિવિધ સ્પર્ધાઓ અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા અને એકતા નગરમાં યોજાય તેવી યોજના છે. આ શહેરોમાં વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે વિશ્વસ્તરીય સ્ટેડિયમ, તાલીમ કેન્દ્રો, ખેલાડી નિવાસ, પરિવહન અને અન્ય આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

તાજેતરની કોમવેલ્થ ગેમ્સનો ખર્ચ

છેલ્લા કેટલાક વર્ષોમાં યોજાયેલી કોમવેલ્થ ગેમ્સના અંદાજિત ખર્ચ પર નજર કરીએ તો, 

  • વર્ષ 2014માં ગ્લાસગોએ આશરે રૂ. 6,300 કરોડના ખર્ચે યજમાની કરી હતી. 
  • વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી ગેમ્સનો અંદાજિત ખર્ચ રૂ. 11,000 કરોડ રહ્યો હતો, 
  • વર્ષ 2022માં બર્મિંગહામ ગેમ્સ પાછળ આશરે રૂ. 9,000 કરોડનો ખર્ચ થયો હતો.
  • વર્ષ 2026માં ગ્લાસગોએ લો-કોસ્ટ મોડેલ અપનાવી મુખ્યત્વે હાલની રમતગમત સુવિધાઓનો ઉપયોગ કરીને અંદાજે રૂ. 1,725 કરોડના ખર્ચે ગેમ્સનું આયોજન કર્યું છે, જે તાજેતરના સમયમાં સૌથી ઓછી ખર્ચાળ કોમવેલ્થ ગેમ્સ તરીકે જોવામાં આવી રહી છે.

રાજ્યમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિ

કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં રમતગમતના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ઝડપ આપવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટમાં પણ રમતગમત માટે ફાળવવામાં આવતા ફંડમાં વધારો કરવામાં આવ્યો છે.

નવી સુવિધાઓથી માત્ર આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન જ નહીં, પરંતુ ગુજરાતના યુવા ખેલાડીઓને પણ આધુનિક તાલીમ અને વિશ્વસ્તરીય તક મળશે.

ગુજરાત માટે કેમ ખાસ છે આ ક્ષણ?

ગ્લાસગોમાં થનારી બેટન અને ધ્વજ હેન્ડઓવર સેરેમની અમદાવાદની યજમાન યાત્રાની સત્તાવાર શરૂઆત છે. આ ક્ષણ ગુજરાતની સંસ્કૃતિ, વિકાસ અને રમતગમતની ક્ષમતાને દુનિયા સમક્ષ રજૂ કરવાની મોટી તક બની રહેશે. 2030માં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ દ્વારા અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન બનાવશે.

આ પણ વાંચો : અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ, આણંદ અને લીંબડીમાં પૂર જેવી સ્થિતિ

Join WhatsApp

Join Now

Leave a Comment