પાર્ટી પ્લોટની ઝગમગતી રોશનીમાં કદાચ આપણે સૌને જોઈ શકીએ છીએ, પરંતુ પોતાના ગામની ગરબીમાં જ ઘણી વાર આપણને પોતાનાં લોકો, પોતાનું બાળપણ અને પોતાની ઓળખ ફરીથી જોવા મળે છે. સવાલ ગરબા ક્યાં રમીએ એનો નથી; સવાલ એ છે કે આ નવરાત્રીમાં આપણે કેટલા પોતાના બનીશું અને કેટલાં હૃદયને આનંદ આપી શકીશું?
નવરાત્રી આવે એટલે ગુજરાતની ધરતી જાણે નવજીવન પામે છે. બજારોમાં ચણિયાચોળી અને કેડિયાંની ખરીદી શરૂ થાય છે, દરજીઓ પાસે કપડાં સીવડાવવાની ભીડ વધે છે, શેરીઓમાં ગરબાના આયોજનની તૈયારીઓ થાય છે અને પાર્ટી પ્લોટમાં ભવ્ય સ્ટેજ, રંગબેરંગી લાઇટો તથા આધુનિક સાઉન્ડ સિસ્ટમની ગોઠવણ થવા લાગે છે. યુવાનો અને યુવતીઓ નવ દિવસના ગરબા માટે ઉત્સાહિત હોય છે. કોઈ નવા વસ્ત્રોની પસંદગીમાં વ્યસ્ત હોય છે, કોઈ પોતાના મિત્રો સાથે કયા સ્થળે ગરબા રમવા જવું તેનું આયોજન કરે છે, તો કોઈ આ નવ દિવસને યાદગાર બનાવવા માટેની તૈયારીઓમાં લાગી જાય છે. આખા વાતાવરણમાં ઉત્સવનો આનંદ છવાઈ જાય છે. પરંતુ આ આનંદ અને ઉત્સાહની વચ્ચે એક પ્રશ્ન મનના કોઈ ખૂણે ઊભો થાય છે: શું આપણે નવરાત્રીની ભવ્યતા વધારતાં વધારતાં તેની પાછળ રહેલી લાગણીને ક્યાંક ઓછી તો નથી કરી રહ્યા?
નવરાત્રી માત્ર નવ દિવસ સુધી ગરબા રમવાનો કે સુંદર વસ્ત્રો પહેરીને ફરવાનો ઉત્સવ નથી. એ માતાજીની આરાધનાનો અવસર છે, સ્ત્રીશક્તિનું સન્માન કરવાનો સંદેશ છે, પોતાના લોકો સાથે જોડાવાની તક છે અને વર્ષો જૂની સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી છે. સમય બદલાય છે, જીવનશૈલી બદલાય છે અને તહેવારોની ઉજવણીનું સ્વરૂપ પણ બદલાય છે. આ પરિવર્તનને નકારવું યોગ્ય નથી. પરંતુ પરિવર્તનના પ્રવાહમાં વહેતાં વહેતાં આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણાં મૂળ ક્યાં છે અને જે પરંપરાઓએ આપણને ઓળખ આપી છે તેનું સ્થાન આપણા જીવનમાં શું છે, એ પ્રશ્ન પૂછવાનું પણ એટલું જ જરૂરી છે.

એક સમય હતો, જ્યારે ગામની શેરી જ સૌથી મોટો ઉત્સવ હતી આપણા વડીલોના સમયની નવરાત્રી યાદ કરીએ તો કદાચ આજના જેવી ભવ્યતા ન મળે, પરંતુ એ દિવસોની સાદગીમાં એક અનોખી સમૃદ્ધિ હતી. ગામનો ચોક, માતાજીનું મંદિર કે શેરીનો ખુલ્લો ભાગ જ ગરબીનું કેન્દ્ર બની જતો. ગામના લોકો ભેગા મળીને જગ્યા સાફ કરતા, માતાજીનો મંડપ તૈયાર કરતા, દીવા પ્રગટાવતા અને પોતાની શક્તિ પ્રમાણે આયોજનમાં સહયોગ આપતા. કોઈ ગરબા ગાતું, કોઈ તાળીઓના તાલે સાથ પૂરાવતું, કોઈ પ્રસાદની વ્યવસ્થા કરતું, તો કોઈ આખી રાત આયોજનની જવાબદારી સંભાળતું. ત્યાં કોઈ એક વ્યક્તિનો ઉત્સવ નહોતો; આખું ગામ જ ઉત્સવ બની જતું.
એ દિવસોમાં દરેક પાસે નવાં કપડાં હોય એવું નહોતું. કોઈ પાસે એક જોડી પરંપરાગત વસ્ત્રો હોય, તો કોઈ પોતાના રોજિંદા કપડાંને જ સ્વચ્છ રાખીને ગરબા રમવા આવતું. છતાં કોઈને પોતાની ગરીબીનો ભાર અનુભવાતો નહોતો, કારણ કે આનંદ માણવા માટે મોંઘાં કપડાં કે ભવ્ય દેખાવની શરત નહોતી. ગરબાના તાલે ફરતાં પગ, ચહેરા પરનું સ્મિત, મિત્રોની સાથે અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા જ ઉત્સવની સાચી ઓળખ હતાં. લોકો એકબીજાની આર્થિક સ્થિતિ કરતાં એકબીજાની હાજરીને મહત્ત્વ આપતા. કોઈ પાસે ઓછું હોય તો તેને ઓછો ગણવામાં આવતો નહીં; તેને પણ પોતાના ગામની ગરબીમાં એટલો જ અધિકાર અને એટલું જ સ્થાન મળતું.
ગરબા પૂરા થયા પછી લોકો તરત જ વિખેરાઈ જતા નહોતા. કોઈ ચોકમાં બેસીને વાતો કરતું, કોઈ વડીલોના આશીર્વાદ લેતું, કોઈ બાળકોને ઘરે લઈ જતું, તો કોઈ બીજા દિવસની તૈયારીની ચર્ચા કરતું. એ ક્ષણોમાં સંબંધો વધુ ગાઢ બનતા હતા. કોઈના ઘરમાં મુશ્કેલી હોય તો તેની ખબર આખા ગામને પડતી; કોઈના ઘરે ખુશી હોય તો એ ખુશી પણ સૌની બની જતી. ગામની ગરબી માત્ર ધાર્મિક પરંપરા નહોતી, પરંતુ સામાજિક જીવનની એવી કડી હતી, જે લોકોને એકબીજાની નજીક લાવતી હતી.
આજે આપણે ઘણી વાર જૂના સમયને યાદ કરીને કહીએ છીએ કે પહેલાંની નવરાત્રીમાં કંઈક અલગ જ મજા હતી. પરંતુ એ મજા માત્ર જૂના ગીતોમાં કે સાદા આયોજનમાં નહોતી. એ મજા એ વાતમાં હતી કે લોકો એકબીજાની સાથે હતા, એકબીજાને સ્વીકારતા હતા અને કોઈને પોતાની સ્થિતિ છુપાવવાની જરૂર પડતી નહોતી. કદાચ એ જ જૂની નવરાત્રીની સૌથી મોટી ભવ્યતા હતી.
પાર્ટી પ્લોટની રોશની સામે ગામની ગરબીનો દીવો આજના સમયમાં પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનો ઉત્સાહ વધ્યો છે. ભવ્ય આયોજન, જાણીતા ગાયકો, આધુનિક સંગીત, સુંદર લાઇટિંગ અને અનેક સુવિધાઓ યુવાનોને આકર્ષે છે. આવા આયોજનો કલાકારોને મંચ આપે છે, વ્યવસાયોને રોજગાર આપે છે અને લોકોને આનંદ માણવાની તક આપે છે. તેથી પાર્ટી પ્લોટમાં જવું કે આધુનિક ગરબાનો આનંદ માણવો ખોટું છે એવું કહેવાનો કોઈ અર્થ નથી. દરેક પેઢીને પોતાની પસંદગી પ્રમાણે ઉત્સવ માણવાનો અધિકાર છે.
પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે, જ્યારે પાર્ટી પ્લોટમાં જવું માત્ર આનંદની પસંદગી ન રહેતાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય. જ્યારે કોઈ વ્યક્તિ એવું માનવા લાગે કે મોટા પાર્ટી પ્લોટમાં ગરબા રમે તો જ નવરાત્રી સારી ગણાય, મોંઘાં કપડાં પહેરે તો જ દેખાવ સારો ગણાય અને સામાજિક માધ્યમો પર તસવીરો મૂકે તો જ ઉત્સવ યાદગાર બને, ત્યારે આપણે થોભીને વિચારવું જોઈએ. શું આપણે ઉત્સવ માણી રહ્યા છીએ કે બીજાને પોતાનું જીવન બતાવવાની હોડમાં જોડાઈ ગયા છીએ?

પાર્ટી પ્લોટની રોશની આંખોને આકર્ષે છે, પરંતુ ગામની ગરબીની સુંદરતા ઘણી વાર હૃદયને સ્પર્શે છે. પાર્ટી પ્લોટમાં કદાચ હજારો લોકો વચ્ચે ગરબા રમવાનો અનુભવ મળે, જ્યારે ગામની ગરબીમાં એવા લોકો વચ્ચે ઊભા રહેવાની તક મળે છે, જેમની સાથે આપણું બાળપણ પસાર થયું હોય. ત્યાં કોઈ તમને માત્ર તમારા કપડાંથી ઓળખતું નથી; કોઈ તમને તમારા બાળપણના નામથી બોલાવે છે, કોઈ તમારા પરિવારની ખબર પૂછે છે, તો કોઈ તમને જોઈને કહે છે, “અરે, કેટલાં વર્ષે ગામની ગરબીમાં આવ્યા!”આવા શબ્દોમાં દેખાવ કરતાં સંબંધોની ઉષ્મા હોય છે. આ લાગણીને કોઈ ટિકિટની કિંમતથી માપી શકાતી નથી અને કોઈ ભવ્ય સ્ટેજથી બદલી શકાતી નથી. એટલે સવાલ પાર્ટી પ્લોટ કે ગામની ગરબીમાંથી કોઈ એક પસંદ કરવાનો નથી. સવાલ એટલો છે કે આધુનિકતાનો આનંદ માણતાં આપણે પોતાના ગામની પરંપરાને પણ એટલું જ મહત્ત્વ આપીએ છીએ કે નહીં.
નવાં કપડાં નથી, તો શું નવરાત્રીનો આનંદ પણ નથી?નવરાત્રીની ચર્ચામાં એક એવી લાગણીનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે, જે કદાચ બહુ ઓછા લોકોની નજરે પડે છે. નવરાત્રી આવે ત્યારે દરેક યુવાન કે યુવતીના મનમાં પણ નવાં કપડાં પહેરવાની, તૈયાર થવાની અને મિત્રો સાથે ગરબા રમવાની ઇચ્છા થતી હશે. પરંતુ દરેક પરિવારની આર્થિક પરિસ્થિતિ સરખી હોતી નથી. કોઈ પરિવાર પોતાના બાળકો માટે મોંઘાં કપડાં સરળતાથી ખરીદી શકે છે, તો કોઈ પરિવાર રોજિંદા ખર્ચ, ઘરનું ભાડું, અભ્યાસની ફી કે અન્ય જરૂરી જવાબદારીઓ પૂરી કરવામાં જ સંઘર્ષ કરતો હોય છે.
એવા પરિવારોમાં પણ યુવાનો અને યુવતીઓ હોય છે, જેમનું મન ગરબા રમવા માટે એટલું જ ઉત્સુક હોય છે, જેટલું બીજા કોઈનું. પરંતુ ક્યારેક તેઓ પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં પહેલાં ઘરની પરિસ્થિતિ વિચારે છે. કોઈ યુવતીને મનગમતું ચણિયાચોળીનું જોડું ગમતું હોય, પરંતુ તેની કિંમત જોઈને તે પોતાની ઇચ્છા મનમાં જ દબાવી દે. કોઈ યુવાનને કેડિયું પહેરીને ગરબા રમવાની ઇચ્છા હોય, પરંતુ નવા કપડાં ખરીદવા માટે પૈસા ન હોય. કોઈ વિદ્યાર્થી મિત્રોને ગરબા રમવા જતાં જુએ, પરંતુ પોતાની પાસે યોગ્ય વસ્ત્રો નથી અથવા પ્રવેશ માટે ખર્ચ કરી શકાતો નથી એટલે જવાનું ટાળી દે.
આવી પરિસ્થિતિમાં કદાચ તે વ્યક્તિ બહારથી સામાન્ય દેખાય, પરંતુ તેના મનમાં કેટલી ઇચ્છાઓ અધૂરી રહી ગઈ હશે તેનો વિચાર આપણે ભાગ્યે જ કરીએ છીએ. કદાચ તે પણ નવરાત્રીની રાતે તૈયાર થઈને ગરબાના તાલે ફરવા માગતો હશે. કદાચ તેને પણ મિત્રો સાથે હસવું, તસવીરો પડાવવી અને બાળપણની જેમ નિઃસંકોચ આનંદ માણવો હશે. પરંતુ આર્થિક સંજોગો તેને પોતાની ઇચ્છાથી પાછળ ખેંચી લેતા હશે.
એટલે આ નવરાત્રીમાં એક વાત યાદ રાખવાની છે: નવાં કપડાં ન હોય એટલે કોઈ વ્યક્તિનો ઉત્સવ અધૂરો નથી અને મોંઘાં કપડાં ન હોય એટલે કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ ઓછું સુંદર નથી. કપડાંની કિંમત માણસની કિંમત નક્કી કરી શકતી નથી. કોઈ વ્યક્તિ એક જોડી કપડાંમાં નવ દિવસ ગરબા રમે, તો તેના આનંદને ઓછો ન ગણવો જોઈએ. કોઈ જૂનાં પરંતુ સ્વચ્છ અને ગમતાં કપડાં પહેરીને આવે, તો તેને જોઈને મજાક ઉડાવવાને બદલે તેની હાજરીનું સ્વાગત કરવું જોઈએ.
યુવાનો અને યુવતીઓએ પોતાની જાતને પણ આ વાત સમજાવવાની જરૂર છે. દરેક વખતે નવું પહેરવું જ જરૂરી નથી. પોતાની પાસે જે છે તેમાં ગૌરવ અનુભવવું, પોતાની આર્થિક મર્યાદા સ્વીકારવી અને બીજાની સાથે સરખામણી કર્યા વિના આનંદ માણવો એ પણ આત્મવિશ્વાસ છે. ફેશન બદલાતી રહે છે, કપડાં જૂનાં થતાં રહે છે, પરંતુ માણસની લાગણી, સંસ્કાર અને વ્યક્તિત્વનું મૂલ્ય કાયમ રહે છે.
કદાચ આપણે આ નવરાત્રીમાં કોઈના માટે નવાં કપડાં ખરીદી ન શકીએ, તો પણ તેના આનંદમાં ભાગીદાર બની શકીએ છીએ. મિત્ર પાસે વધારાનું પરંપરાગત વસ્ત્ર હોય તો તેને પ્રેમથી આપી શકે છે. મિત્રો સાથે મળીને ઓછા ખર્ચે ગરબા રમવાનું આયોજન કરી શકાય છે. ગામના આયોજકો સ્થાનિક યુવક-યુવતીઓ માટે સહભાગી થવાની સરળ અને પરવડે તેવી વ્યવસ્થા કરી શકે છે. પરંતુ આ બધું કરતાં પણ પહેલાં જરૂરી છે કે કોઈને તેની આર્થિક સ્થિતિને કારણે શરમ અનુભવવી ન પડે એવું વાતાવરણ ઊભું કરીએ.
યાદ રાખજો, નવરાત્રીનો દીવો એ જોવા માટે પ્રગટાવવામાં આવતો નથી કે કોણ કેટલું મોંઘું પહેરીને આવ્યું છે. એ દીવો તો સૌના જીવનમાં આનંદ અને પ્રકાશ ફેલાવવાનું પ્રતીક છે. જો આપણા ઉત્સવમાં કોઈ વ્યક્તિ માત્ર પોતાનાં કપડાંને કારણે પોતાને નાનું અનુભવે, તો આપણે ઉત્સવની રોશની વચ્ચે પણ માનવતાનો એક ખૂણો અંધકારમાં રાખી દીધો છે.
યુવતીઓનો પહેરવેશ નહીં, તેમની પસંદગી અને સન્માન મહત્ત્વનાં છે નવરાત્રીમાં યુવતીઓ પોતાની પસંદગી પ્રમાણે તૈયાર થાય છે. કોઈ પરંપરાગત ચણિયાચોળી પહેરે છે, કોઈ આધુનિક ડિઝાઇન પસંદ કરે છે, તો કોઈ પોતાની આર્થિક સ્થિતિ અને સુવિધા પ્રમાણે સાદો પહેરવેશ પસંદ કરે છે. દરેકની પસંદગી, દરેકની પરિસ્થિતિ અને દરેકની પોતાની સુંદરતા હોય છે. પરંતુ ઘણી વાર યુવતીઓના પહેરવેશને લઈને બિનજરૂરી ટિપ્પણીઓ કરવામાં આવે છે. કોઈના કપડાં વિશે ચર્ચા થાય છે, કોઈના દેખાવની સરખામણી થાય છે, તો કોઈને સામાજિક માધ્યમો પર મૂકેલી તસવીરોના આધારે જજ કરવામાં આવે છે.
આપણે એક સમાજ તરીકે વિચારવું જોઈએ કે નવરાત્રીમાં માતાજીની પૂજા કરીને સ્ત્રીશક્તિનું મહિમાગાન કરીએ છીએ, પરંતુ શું રોજિંદા વર્તનમાં પણ સ્ત્રી પ્રત્યે એટલો જ આદર રાખીએ છીએ? માતાજીની આરતી ઉતારતા હાથ જો કોઈ યુવતીના પહેરવેશની મજાક ઉડાવે, તેની મરજી વિરુદ્ધ તસવીર કે વીડિયો બનાવે, તેની પાછળ અયોગ્ય ટિપ્પણીઓ કરે અથવા તેની વ્યક્તિગત મર્યાદાનું ઉલ્લંઘન કરે, તો આપણી ભક્તિ અને વર્તન વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાય છે.
યુવતીઓએ પોતાની પસંદગી પ્રમાણે વસ્ત્રો પહેરવાનો અને સુરક્ષિત રીતે ઉત્સવ માણવાનો અધિકાર ધરાવે છે. કોઈના કપડાં જોઈને તેના ચારિત્ર્ય વિશે અભિપ્રાય બાંધવો, તેની મજાક ઉડાવવી કે તેના વિશે અપમાનજનક વાતો કરવી યોગ્ય નથી. કોઈ વ્યક્તિ શું પહેરે છે એ તેના વ્યક્તિત્વનો એક નાનો ભાગ છે; તેના વિચારો, સ્વભાવ, મહેનત, સપનાં અને સંઘર્ષ વિશે જાણ્યા વિના તેના વિશે નિર્ણય આપવો એ અન્યાય છે.
આ સાથે યુવતીઓએ પણ પોતાની અંદરનો આત્મવિશ્વાસ મજબૂત બનાવવો જોઈએ. બીજાની પાસે મોંઘાં કપડાં હોય, વધુ આકર્ષક ઘરેણાં હોય કે વધુ સારી રીતે તૈયાર થવાની સુવિધા હોય, તો તેના કારણે પોતાની જાતને ઓછી ન સમજવી. તમારી કિંમત તમારા દેખાવ કે કપડાંની કિંમતથી નક્કી થતી નથી. તમે શું વિચારો છો, તમારી સાથેના લોકો સાથે કેવું વર્તન કરો છો, તમારા સપનાં માટે કેટલી મહેનત કરો છો અને મુશ્કેલીઓ સામે કેટલા મજબૂત ઊભા રહો છો, એ તમારી સાચી ઓળખ છે.
બીજી યુવતીને જોઈને તેની સાથે સ્પર્ધા કરવાને બદલે તેની પ્રશંસા કરતાં શીખીએ. કોઈની પાસે સુંદર વસ્ત્રો હોય તો તેની ખુશીમાં ખુશ થઈએ અને કોઈ સાદાં કપડાંમાં આવે તો તેને પણ એટલા જ પ્રેમથી સ્વીકારીએ. એક યુવતી બીજી યુવતીને નીચે ખેંચે નહીં, પરંતુ આગળ વધવા માટે હિંમત આપે, તો એ પણ સ્ત્રીશક્તિની સાચી ઉજવણી છે. નવરાત્રી આપણને શક્તિની આરાધના શીખવે છે; એ શક્તિ માત્ર મૂર્તિમાં નહીં, પરંતુ દરેક યુવતીના આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને સ્વતંત્ર વિચારમાં પણ જોવા મળવી જોઈએ.
યુવકો માટે પણ એક પ્રશ્ન : સાચી મર્દાનગી ક્યાં છે?નવરાત્રીમાં યુવકોની ભૂમિકા માત્ર ગરબા રમવાની કે મિત્રો સાથે મોજમસ્તી કરવાની નથી. તેમની પાસે એવું વાતાવરણ ઊભું કરવાની જવાબદારી પણ છે, જેમાં યુવતીઓ નિર્ભયતાથી અને સન્માન સાથે ઉત્સવ માણી શકે. કોઈ યુવતી ગરબા રમતી હોય ત્યારે તેને અસહજ બનાવવું, તેની મંજૂરી વિના નજીક જવાનો પ્રયત્ન કરવો, અયોગ્ય રીતે સ્પર્શ કરવો કે મિત્રોની વચ્ચે તેની મજાક ઉડાવવી એ બહાદુરી નથી. સાચી મર્દાનગી બીજાને ડરાવવામાં નહીં, પરંતુ બીજાને સુરક્ષિત અને સન્માનિત અનુભવ કરાવવામાં છે.મિત્રમંડળમાં કોઈ યુવક યુવતીના પહેરવેશ વિશે અપમાનજનક ટિપ્પણી કરે, તેની તસવીરનો ખોટો ઉપયોગ કરે અથવા તેની મરજી વિરુદ્ધ વર્તે, તો બાકીના મિત્રો માત્ર હસીને વાતને આગળ ન વધારે. મિત્રને સમજાવવાની હિંમત રાખે. કારણ કે ખોટા વર્તન સામે મૌન રહેવું ક્યારેક તેને પ્રોત્સાહન આપવા જેવું બની જાય છે. એક સારો મિત્ર એ નથી જે દરેક વાતમાં સાથ આપે; સારો મિત્ર એ છે જે ખોટી દિશામાં જતાં અટકાવે.યુવકોએ પણ પોતાના દેખાવ અને આર્થિક સ્થિતિને લઈને બીજાની સાથે સતત સરખામણી કરવાનું ટાળવું જોઈએ. દરેક વ્યક્તિ એક જ ગતિએ આગળ વધતી નથી. કોઈ પાસે મોંઘાં કપડાં ખરીદવાની ક્ષમતા હોય, કોઈ પાસે ન હોય. કોઈ અભ્યાસમાં આગળ હોય, કોઈ નોકરી મેળવવા માટે સંઘર્ષ કરતું હોય. કોઈની પાસે સગવડો હોય, તો કોઈ પોતાની મહેનતથી એક પછી એક પગથિયાં ચડી રહ્યું હોય. આર્થિક સ્થિતિ કે દેખાવના આધારે કોઈને ઓછો ગણવો એ વ્યક્તિના સંઘર્ષને ન સમજવા જેવું છે.
ગરબાના મેદાનમાં યુવકનું સાચું વ્યક્તિત્વ તેના કેડિયાની કિંમતથી નહીં, પરંતુ તેના વર્તનથી ઓળખાય છે. તે પોતાની સાથે ગરબા રમતા લોકોનું સન્માન કરે છે કે નહીં, કોઈની મુશ્કેલીમાં મદદ કરે છે કે નહીં, મિત્રો વચ્ચે સૌને સમાન સ્થાન આપે છે કે નહીં અને પોતાની ખુશીમાં બીજાને સામેલ કરે છે કે નહીં આ બાબતો તેના સંસ્કાર દર્શાવે છે.આ નવરાત્રીમાં યુવકો એટલું નક્કી કરે કે કોઈ યુવતી તેમના વર્તનને કારણે અસુરક્ષિત ન અનુભવે, કોઈ મિત્ર પોતાની આર્થિક સ્થિતિને કારણે શરમ અનુભવે નહીં અને કોઈ વ્યક્તિની મજાક ઉડાવવામાં તેઓ ભાગીદાર ન બને, તો એ પણ સમાજમાં મોટું પરિવર્તન હશે. નવરાત્રીનો સાચો તાલ ત્યારે જ જામે, જ્યારે પગ સાથે મન પણ સંસ્કારના તાલે ચાલે.
સોશિયલ મીડિયાની તસવીરો કરતાં યાદો સુંદર બનાવીએ આજના સમયમાં કોઈ પણ પ્રસંગ સામાજિક માધ્યમોથી સંપૂર્ણપણે અલગ રહી શકતો નથી. નવરાત્રીમાં સુંદર તસવીરો પાડવી, વીડિયો બનાવવો અને મિત્રો સાથેની યાદો વહેંચવી સ્વાભાવિક છે. પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે, જ્યારે દરેક ક્ષણને બીજાને બતાવવાની વસ્તુ બનાવી દેવામાં આવે. ગરબા રમતાં કરતાં તસવીર કેવી આવશે તેની ચિંતા વધારે થવા લાગે, ઉત્સવનો આનંદ માણતાં કરતાં કેટલા પ્રતિસાદ મળશે તેની રાહ જોવાય અને બીજા લોકોની તસવીરો જોઈને પોતાની જિંદગીમાં કંઈક ઓછું હોવાનો અહેસાસ થાય, ત્યારે આપણે પોતાની ખુશીનું નિયંત્રણ બીજાના હાથમાં આપી દઈએ છીએ.
સામાજિક માધ્યમો પર દેખાતું જીવન ઘણી વાર વ્યક્તિના જીવનનો માત્ર સુંદર ભાગ હોય છે. કોઈની તસવીરમાં મોંઘાં કપડાં, ભવ્ય સ્ટેજ અને ખુશીભર્યું સ્મિત દેખાય, પરંતુ તેની પાછળનો ખર્ચ, મહેનત, ચિંતા કે વ્યક્તિગત સંઘર્ષ દેખાતો નથી. એટલે બીજાની તસવીરો જોઈને પોતાની જિંદગીનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ છે અને દરેકની ખુશીનો અર્થ પણ અલગ છે.
આ નવરાત્રીમાં તસવીરો જરૂર પાડીએ, પરંતુ કેટલીક ક્ષણો એવી પણ જીવીએ, જેને કેમેરામાં કેદ કરવાની જરૂર ન પડે. ગામના વડીલ સાથે બેસીને જૂની વાતો સાંભળીએ, બાળપણના મિત્રને ગળે મળીએ, માતા-પિતા સાથે માતાજીનાં દર્શન કરીએ અને ગરબાના તાલે મન મૂકીને નાચીએ. કદાચ એ ક્ષણોની કોઈ તસવીર નહીં હોય, પરંતુ એ યાદો વર્ષો સુધી હૃદયમાં જીવંત રહેશે.
એક દિવસ ફોનમાં રહેલી તસવીરો જૂની થઈ જશે, સામાજિક માધ્યમો પરની પોસ્ટો પાછળ રહી જશે અને લોકોની ચર્ચાઓ પણ બદલાઈ જશે. પરંતુ કોઈ વડીલે પ્રેમથી પૂછેલી ખબર, કોઈ મિત્ર સાથે વિતાવેલી રાત અને પોતાના ગામની ગરબીમાં અનુભવેલી લાગણી મનમાંથી સહેલાઈથી ભૂંસાશે નહીં. એટલે ઉત્સવને માત્ર બતાવવાની વસ્તુ ન બનાવીએ; તેને જીવનભર યાદ રાખી શકાય એવો અનુભવ બનાવીએ.
પોતાના ગામની નવરાત્રી : માત્ર પરંપરા નહીં, પોતાની ઓળખ આજના ઘણા યુવાનો અભ્યાસ, નોકરી અને વ્યવસાય માટે પોતાના ગામથી દૂર રહે છે. આખું વર્ષ કામની જવાબદારીઓ, સમયની મર્યાદા અને રોજિંદી દોડધામમાં પસાર થઈ જાય છે. પોતાના ગામમાં રહેતા મિત્રો સાથે વાત કરવાનો સમય પણ ક્યારેક મળતો નથી. વડીલોની સાથે બેસીને તેમની વાતો સાંભળવાની તક ઓછી થઈ જાય છે અને બાળપણની શેરીઓ પણ ધીમે ધીમે યાદોમાં જ સીમિત થવા લાગે છે.આવા સમયે નવરાત્રી પોતાના ગામ પાછા ફરવાનું એક સુંદર નિમિત્ત બની શકે છે. જે ગામમાંથી આપણે આગળ વધ્યા છીએ, જ્યાં આપણે પ્રથમ વખત મિત્રતા શીખ્યા, જ્યાં શેરીઓમાં દોડ્યા, જ્યાં તહેવારોની મજા માણી અને જ્યાંના લોકો આપણને નામથી ઓળખે છે, એ ગામ માટે થોડો સમય કાઢવો શું એટલું મુશ્કેલ છે? આખું વર્ષ શહેરમાં કામ કર્યા પછી જો નવરાત્રીના થોડા દિવસ પોતાના ગામમાં જઈએ, તો કદાચ આપણે માત્ર ગરબા જ નહીં રમીએ, પરંતુ પોતાની સાથે છૂટી ગયેલા એક સંબંધને પણ ફરીથી જીવંત કરી શકીએ.
ગામની ગરબીમાં જવાની મજા એમાં પણ છે કે ત્યાં દરેક મુલાકાત એક યાદ બની શકે છે. કોઈ જૂનો મિત્ર મળી જાય, કોઈ શિક્ષક કે વડીલ આશીર્વાદ આપે, કોઈ પાડોશી પરિવારની ખબર પૂછે અથવા બાળપણમાં સાથે ગરબા રમનાર વ્યક્તિ ફરી મળે તો આ બધું માત્ર સામાન્ય મુલાકાત નથી રહેતું. તે આપણને યાદ અપાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણા જીવનની શરૂઆતમાં કયા લોકોનો પ્રેમ જોડાયેલો હતો.આથી યુવાનો અને યુવતીઓને મારી નમ્ર વિનંતી છે કે આ નવરાત્રીમાં શક્ય હોય તો પોતાના ગામની ગરબીમાં જરૂર જજો. ત્યાંની પરંપરાને માત્ર જોવા માટે નહીં, પરંતુ તેમાં સહભાગી બનવા માટે જજો. ગરબા રમો, આયોજનમાં મદદ કરો, વડીલોને મળો, બાળકોને ગરબાનાં ગીતો શીખવો અને ગામના લોકો સાથે સમય પસાર કરો. ગામમાં આયોજન નાનું હોય તો તેની મજાક ન ઉડાવો; તેના બદલે તેને વધુ સુંદર બનાવવા માટે સહયોગ આપો. ભવ્યતા માત્ર ખર્ચથી નથી આવતી; લોકોના સહકાર, લાગણી અને એકતાથી પણ ઉત્સવ યાદગાર બની શકે છે.
નવી શિણોલની ગરબી : મારું બાળપણ, મારી માટી અને મારી ઓળખ ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામમાં મારું બાળપણ પસાર થયું છે. મારા માટે નવરાત્રી માત્ર નવ દિવસનો ઉત્સવ નહોતો, પરંતુ બાળપણની એવી અમૂલ્ય સ્મૃતિ હતી, જેમાં ગામની શેરીઓ, ગરબી, માતાજીની આરાધના અને પોતાના લોકોની વચ્ચે પસાર થતી ક્ષણોનું એક અલગ જ સ્થાન હતું. આજે પણ એ દિવસોને યાદ કરું ત્યારે મનમાં અનેક જૂની યાદો જીવંત થઈ ઊઠે છે. સમય ઘણો બદલાયો છે, જીવનની જવાબદારીઓ વધી છે અને રોજિંદી દોડધામમાં અનેક બાબતો પાછળ રહી ગઈ છે, પરંતુ પોતાના ગામની ગરબી સાથે જોડાયેલી લાગણી આજે પણ મનમાં એટલી જ જીવંત છે.
બાળપણમાં કદાચ સમજાતું નહોતું કે ગામની ગરબીનું મહત્ત્વ શું છે. ત્યારે તો મિત્રો સાથે ગરબા રમવાનો, વડીલોને મળવાનો અને ઉત્સવ માણવાનો આનંદ જ મોટો લાગતો. પરંતુ જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ સમજાય છે કે જીવનની સૌથી કિંમતી યાદો ઘણી વાર એ ક્ષણોમાં છુપાયેલી હોય છે, જેને જીવતી વખતે આપણે સામાન્ય માનતા હોઈએ છીએ. ગામનો ચોક, ઓળખીતા ચહેરાઓ, પોતાના લોકોની વચ્ચે વિતાવેલો સમય અને બાળપણની એ નિર્દોષ ખુશીઓ આ બધું વર્ષો પછી મનને પાછું ખેંચે છે.
નવી શિણોલની ગરબી મારા માટે માત્ર ગરબા રમવાનું સ્થળ નથી. એ મારા બાળપણની યાદોનું ઘર છે, મારી સંસ્કૃતિનો અંશ છે અને મારી ઓળખ સાથે જોડાયેલી એક જીવંત સ્મૃતિ છે. જીવનમાં માણસ ગમે તેટલો આગળ વધે, નવી જગ્યાઓ જુએ, નવી ઓળખ બનાવે અને અનેક લોકો સાથે સંબંધો બાંધે, છતાં પોતાના ગામ સાથે જોડાયેલી લાગણીનું સ્થાન અલગ જ રહે છે. કારણ કે ગામ માત્ર નકશા પરનું એક સ્થળ નથી; ગામ એ છે જ્યાં આપણાં બાળપણનાં પગલાં પડ્યાં હોય, જ્યાં કોઈ આપણને આપણા નામથી નહીં પરંતુ પ્રેમથી ઓળખતું હોય અને જ્યાં પાછા જઈએ ત્યારે મનને એવું લાગે કે જાણે જીવનની શરૂઆત તરફ ફરી એક વાર આવી પહોંચ્યા છીએ.
હું પોતે પણ નવરાત્રીની ઉજવણી માટે મારા ગામ નવી શિણોલ જાઉં છું. હું પાર્ટી પ્લોટમાં ગરબા રમતા યુવાનો કે યુવતીઓનો વિરોધ કરતો નથી. આધુનિક ગરબાનો આનંદ માણવો પણ પોતાની રીતે સુંદર અનુભવ છે. પરંતુ મારી લાગણી એટલી જ છે કે પાર્ટી પ્લોટની ચમકમાં પોતાના ગામની ગરબીને ભૂલી ન જઈએ. હું ઇચ્છું છું કે નવી પેઢી પણ પોતાના ગામમાં જાય, ત્યાંની ગરબીમાં ભાગ લે અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી એ લાગણીનો અનુભવ કરે, જે કદાચ કોઈ ભવ્ય સ્ટેજ પર પણ ન મળે.
કલ્પના કરો કે આખું વર્ષ શહેરમાં રહેતો કોઈ યુવાન નવરાત્રીમાં પોતાના ગામ પાછો ફરે. શેરીમાં પ્રવેશતાં જ કોઈ જૂનો મિત્ર તેને ઓળખી જાય, કોઈ વડીલ પ્રેમથી તેની ખબર પૂછે અને કોઈ કહે, “આ વખતે તો ગામની ગરબીમાં આવ્યો!” એ ક્ષણે કદાચ તેને સમજાય કે પોતાના ગામમાં તેની રાહ જોતી માત્ર એક ગરબી નથી, પરંતુ વર્ષોથી જીવંત રહેલો સંબંધ છે. કદાચ એક યુવતી, જે આખું વર્ષ અભ્યાસ કે નોકરીમાં વ્યસ્ત રહી હોય, પોતાની બાળપણની સખીઓ સાથે ફરી ગરબા રમે અને થોડા સમય માટે રોજિંદી ચિંતાઓ ભૂલી જાય. કદાચ કોઈ યુવાન, જે આર્થિક મર્યાદાને કારણે મોટા પાર્ટી પ્લોટમાં જઈ શકતો ન હોય, પોતાના ગામની ગરબીમાં મિત્રો સાથે હસતાં-રમતાં એવો આનંદ અનુભવે કે તેને પોતાની પરિસ્થિતિનો કોઈ સંકોચ જ ન રહે. આ જ તો ઉત્સવની સાચી સુંદરતા છે જ્યાં દરેક વ્યક્તિને પોતાના હોવાનો અનુભવ થાય.
નવી શિણોલની ગરબીનું મહત્ત્વ મારા માટે કોઈ મોટા સ્ટેજ, મોંઘી લાઇટો કે આધુનિક સાઉન્ડ સિસ્ટમથી નક્કી થતું નથી. તેનું મહત્ત્વ એ લાગણીમાં છે, જે મને મારા બાળપણ સાથે જોડે છે; એ ઓળખમાં છે, જે મને મારી માટીનું મહત્ત્વ સમજાવે છે; અને એ સંબંધોમાં છે, જે સમય પસાર થવા છતાં મનમાં જીવંત રહે છે. કદાચ વર્ષો પછી પાર્ટી પ્લોટની ભવ્યતા યાદ ન રહે, પરંતુ પોતાના ગામની ગરબીમાં વિતાવેલી ક્ષણો હૃદયમાં કાયમ જીવંત રહેશે.
મારા માટે નવી શિણોલની ગરબી કોઈ એક સ્થળનું નામ નથી; એ મારી યાદો, મારી લાગણીઓ અને મારી ઓળખનો એક ભાગ છે. માણસ જીવનમાં ગમે ત્યાં પહોંચે, પરંતુ જ્યાંથી તેની સફર શરૂ થઈ હોય ત્યાં પાછા ફરવાની લાગણી ક્યારેય જૂની થતી નથી. મારા માટે નવી શિણોલની ગરબી એ માત્ર નવરાત્રીની ઉજવણી નથી; એ મારા બાળપણનું સરનામું છે, મારી માટીની સુગંધ છે અને મારા હૃદયમાં વસેલું એવું ઘર છે, જ્યાં પાછા ફરવાની ઇચ્છા દર વર્ષે નવરાત્રી સાથે ફરી જીવંત થાય છે.
માતાજીની આરાધના માત્ર આરતીમાં નહીં, આપણા વર્તનમાં પણ દેખાવી જોઈએનવરાત્રી શક્તિની ઉપાસનાનો ઉત્સવ છે. આપણે માતાજીનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ અને તેમના આશીર્વાદ માગીએ છીએ. પરંતુ આ ભક્તિનો સાચો અર્થ ત્યારે જ પૂર્ણ થાય, જ્યારે આપણે સ્ત્રીશક્તિનું સન્માન પોતાના વર્તનમાં પણ ઉતારીએ. યુવતીઓની પસંદગીનો આદર કરવો, તેમની વ્યક્તિગત મર્યાદા જાળવવી, કોઈની સંમતિ વિના તસવીર કે વીડિયોનો અયોગ્ય ઉપયોગ ન કરવો અને ગરબાના મેદાનમાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવે એવું વાતાવરણ ઊભું કરવું આ બધું પણ નવરાત્રીના સંસ્કારનો જ ભાગ છે.
માતાજીની આરતી કરતાં હોઠ અને સ્ત્રીઓ પ્રત્યે અણગમતું વર્તન કરતા હાથ વચ્ચે વિરોધાભાસ ન હોવો જોઈએ. સાચી ભક્તિ માત્ર દીવો પ્રગટાવવામાં નથી, પરંતુ પોતાના વિચારો અને વર્તનમાં પણ પ્રકાશ પ્રગટાવવામાં છે. કોઈ યુવતીના કપડાં વિશે અપમાનજનક ટિપ્પણી કરવી, તેના દેખાવને લઈને મજાક ઉડાવવી કે તેને અસહજ બનાવવું એ કોઈ પણ રીતે ઉત્સવની ભાવનાને અનુરૂપ નથી.
એ જ રીતે યુવતીઓએ પણ એકબીજાની સાથે સરખામણી કરવાને બદલે એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ. કોઈની પાસે મોંઘાં કપડાં હોય તો તેને જોઈને પોતાની જાતને ઓછી ન ગણવી અને કોઈ સાદાં કપડાંમાં આવે તો તેને ઓછું ન ગણવું. એકબીજાને સ્વીકારવાની, એકબીજાની ખુશીમાં ખુશ થવાની અને એકબીજાને આગળ વધારવાની ભાવના જ સમાજને વધુ સુંદર બનાવે છે.
યુવકો અને યુવતીઓ બંનેએ સમજવું જોઈએ કે નવરાત્રીમાં સાચો બદલાવ માત્ર સંગીત કે પહેરવેશમાં આવવો પૂરતો નથી; આપણા વિચારો અને વર્તનમાં પણ પરિવર્તન આવવું જોઈએ. આપણે વધુ સંવેદનશીલ બનીએ, બીજાની પરિસ્થિતિ સમજીએ, ખોટી મજાકથી દૂર રહીએ અને કોઈને પોતાની ઓળખ કે આર્થિક સ્થિતિને કારણે નાનું ન અનુભવવા દઈએ. નવરાત્રીના નવ દિવસ જો આપણને વધુ સારા માણસ બનવાની પ્રેરણા આપે, તો એ ઉત્સવની સૌથી મોટી સફળતા કહેવાય.
નવરાત્રીનો સંદેશ : દેખાવથી આગળ વધીને માણસને ઓળખીએ આજના સમયમાં સામાજિક માધ્યમો પર તસવીરો મૂકવી, સુંદર કપડાં પહેરવાં અને ભવ્ય આયોજનમાં ભાગ લેવો સામાન્ય બાબતો બની ગઈ છે. આ બધામાં કંઈ ખોટું નથી. પરંતુ જ્યારે માણસની ઓળખ તેના દેખાવ, કપડાંની કિંમત, વાહન કે તે કયા સ્થળે ગરબા રમવા જાય છે તેના આધારે થવા લાગે, ત્યારે સમાજે પોતાની વિચારસરણી પર પ્રશ્ન ઉઠાવવો જોઈએ.
કોઈ વ્યક્તિ મોંઘાં કપડાં પહેરીને આવે છે એટલે તે વધુ સારો માણસ છે એવું નથી. કોઈ સાદાં કપડાં પહેરીને આવે છે એટલે તે ઓછો સારો છે એવું પણ નથી. કોઈ મોટા પાર્ટી પ્લોટમાં જાય છે એટલે તે વધુ સફળ છે અને કોઈ પોતાના ગામની ગરબીમાં રમે છે એટલે તેની પસંદગી નાની છે, એવું માનવું ખોટું છે. માણસનું મૂલ્ય તેની પાસે રહેલી વસ્તુઓથી નહીં, પરંતુ તે બીજાને કેવી રીતે વર્તે છે તેનાથી નક્કી થવું જોઈએ.
આ નવરાત્રીમાં આપણે એક નાનો સંકલ્પ કરીએ કે કોઈના કપડાંની મજાક નહીં ઉડાવીએ, કોઈની આર્થિક સ્થિતિને કારણે તેને અલગ નહીં પાડીએ, કોઈ યુવતીને તેના દેખાવના આધારે નહીં આંકીએ અને કોઈ મિત્ર પોતાની પરિસ્થિતિને કારણે ઉત્સવથી દૂર રહેતો હોય તો તેને પ્રેમથી સાથે જોડવાનો પ્રયત્ન કરીશું. આપણા મિત્રમંડળમાં એવો માહોલ ઊભો કરીએ કે દરેક વ્યક્તિ નિઃસંકોચ આવી શકે, પોતાની રીતે તૈયાર થઈ શકે અને કોઈ પણ પ્રકારના સંકોચ વિના ગરબા રમી શકે.
સંસ્કૃતિ માત્ર પરંપરાગત વસ્ત્રો પહેરવાથી જળવાતી નથી; તે ત્યારે જ જીવંત રહે છે, જ્યારે આપણે પરંપરાની પાછળ રહેલા મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારીએ. ગરબાના તાલે હાથમાં હાથ લઈને ફરવું સહભાગિતાનું પ્રતીક છે, તો જીવનમાં પણ એકબીજાનો હાથ પકડીને આગળ વધવું એ તેનો સાચો અર્થ છે. નવરાત્રી આપણને સાથે ફરતાં શીખવે છે; હવે આપણે સાથે જીવતાં પણ શીખવું જોઈએ.
આ નવરાત્રીમાં એક વાર પોતાના ગામ તરફ પાછા વળજો…વાચકમિત્રો, આ લેખ વાંચતાં જો તમારા મનમાં તમારા ગામની કોઈ શેરી, કોઈ જૂનો ચોક, માતાજીનું મંદિર, બાળપણના મિત્રો કે નવરાત્રીની કોઈ યાદ જીવંત થઈ હોય, તો થોડો સમય કાઢીને એ યાદોને ફરીથી જીવવાનો પ્રયત્ન કરજો. જો શક્ય હોય, તો આ નવરાત્રીમાં પોતાના ગામની ગરબીમાં જરૂર જજો. વર્ષોથી ન મળેલા મિત્રોને મળજો, વડીલોના આશીર્વાદ લેજો, માતા-પિતા સાથે સમય વિતાવજો અને ગામના બાળકોને પોતાની પરંપરા સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરજો.
તમારા ગામની ગરબી નાની હોય તો પણ જજો. ત્યાં ભવ્ય સ્ટેજ ન હોય, જાણીતા ગાયક ન હોય, રંગબેરંગી લાઇટો ન હોય કે આધુનિક સાઉન્ડ સિસ્ટમ ન હોય, તો પણ જજો. કારણ કે કેટલીક જગ્યાઓની સુંદરતા તેમની ભવ્યતામાં નહીં, પરંતુ ત્યાં વસતી લાગણીઓમાં હોય છે. ત્યાં કોઈ તમને ઓળખતું હશે, કોઈ તમારી રાહ જોતું હશે અને કદાચ કોઈ વડીલને તમારી હાજરીથી એટલો આનંદ થશે કે તે આનંદની સરખામણી કોઈ ભવ્ય આયોજન સાથે થઈ નહીં શકે.
શક્ય છે કે તમે આખું વર્ષ તમારા ગામથી દૂર રહ્યા હો. શક્ય છે કે કામની વ્યસ્તતાને કારણે તમને ગામ જવાનો સમય ન મળ્યો હોય. શક્ય છે કે તમે ગામની ગરબીમાં છેલ્લે ક્યારે ગયા હતા તે પણ યાદ ન હોય. પરંતુ જો આ નવરાત્રીમાં સમય કાઢીને પોતાના ગામ જશો, તો કદાચ સમજાશે કે આપણે જે સ્થાનને સામાન્ય માનીને પાછળ છોડી દીધું હતું, તે આપણા જીવનની કેટલી મોટી સંપત્તિ છે.
તમારા ગામના આયોજનમાં સહયોગ આપજો. શક્ય હોય તો પોતાના મિત્રો સાથે મળીને ગરબીની વ્યવસ્થામાં મદદ કરજો. આર્થિક રીતે સક્ષમ હો તો ગામની પરંપરાને જીવંત રાખવા યોગદાન આપજો, પરંતુ એ કરતાં પણ વધુ મહત્ત્વનું છે કે તમે પોતે હાજર રહો. કારણ કે ગામની ગરબી માટે માત્ર પૈસા જ નહીં, પરંતુ લોકોની હાજરી, ભાગીદારી અને લાગણી પણ જરૂરી છે. નવી પેઢી ગામની ગરબીમાં જોડાશે, ત્યારે જ આવતી પેઢીને પણ આ પરંપરાનો વારસો મળી શકશે.
અને જો તમે એવા યુવાન કે યુવતી હો, જે આર્થિક પરિસ્થિતિને કારણે નવાં કપડાં ખરીદી શકતાં નથી, તો યાદ રાખજો કે નવરાત્રીમાં આનંદ માણવાનો તમારો અધિકાર કોઈની સરખામણી કરતાં નાનો નથી. તમારી પાસે જે છે તેમાં ગૌરવ રાખજો, તમારા સ્વાભિમાનને કપડાંની કિંમત સાથે બાંધશો નહીં અને શક્ય હોય તો મિત્રો સાથે મળીને ઉત્સવ માણજો. જીવનની સુંદર ક્ષણો માણવા માટે દરેક વખતે મોંઘી વસ્તુઓની જરૂર પડતી નથી; ઘણી વાર સાચા લોકોનો સાથ જ સૌથી મોટી સંપત્તિ બની જાય છે.
યુવકો અને યુવતીઓ, આ નવરાત્રીમાં માત્ર નવ દિવસ ગરબા રમવાનો સંકલ્પ ન કરીએ, પરંતુ નવ દિવસ દરમિયાન કોઈનું મન ન દુભાય, કોઈ પોતાની આર્થિક સ્થિતિને કારણે શરમ ન અનુભવે, કોઈ યુવતી અસુરક્ષિત ન અનુભવે અને કોઈ વ્યક્તિ પોતાના ગામની પરંપરાથી દૂર ન થાય તે માટે પણ પ્રયત્ન કરીએ. આ નવ દિવસમાં જો આપણે એકબીજા પ્રત્યે વધુ સન્માન, વધુ સમજણ અને વધુ માનવતા કેળવી શકીએ, તો નવરાત્રી આપણા જીવનમાં સાચો પરિવર્તન લાવી શકશે.
અંતે એક જ વાત : રોશની ક્યાંયની હોય, મૂળ તો પોતાની માટીમાં જ હોય છેનવરાત્રી બદલાય એ સ્વાભાવિક છે. શેરીના ચોકમાંથી પાર્ટી પ્લોટ સુધીની સફર સમયની સાથે આવી છે અને આવનારા સમયમાં પણ ઉજવણીનું સ્વરૂપ બદલાતું રહેશે. નવી પેઢી નવી રીતે ગરબા રમશે, નવા સંગીતનો આનંદ માણશે અને નવી પરંપરાઓ પણ ઊભી કરશે. આ બધું સ્વીકારવા જેવું છે. પરંતુ આ પરિવર્તનની વચ્ચે પોતાની સંસ્કૃતિનું મૂળ જળવાઈ રહે, દરેક વ્યક્તિને ઉત્સવમાં સમાન સ્થાન મળે અને પોતાના ગામ સાથેનું જોડાણ તૂટે નહીં, એ જોવાની જવાબદારી આપણી સૌની છે.
પાર્ટી પ્લોટની રોશનીમાં ગરબા રમજો, સુંદર વસ્ત્રો પહેરજો, મિત્રો સાથે આનંદ માણજો અને નવરાત્રીની દરેક ક્ષણને યાદગાર બનાવજો. પરંતુ આ બધાની વચ્ચે પોતાના ગામની શેરીમાં પ્રગટતા દીવાને ભૂલશો નહીં. કારણ કે ત્યાં કદાચ ભવ્યતા ઓછી હોય, પરંતુ લાગણી વધુ હોય; ત્યાં કદાચ સંગીતનાં સાધનો ઓછાં હોય, પરંતુ પોતાના લોકોનો સાથ હોય; ત્યાં કદાચ દરેક વ્યક્તિ નવા કપડાંમાં ન હોય, પરંતુ દરેકને સ્વીકારવાની ભાવના હોય.નવરાત્રીની સાચી સફળતા એમાં નથી કે આપણે કેટલા ભવ્ય સ્થળે ગરબા રમ્યા, પરંતુ એમાં છે કે આપણે કેટલાં હૃદયમાં આનંદ જગાવ્યો. આપણે કેટલાં લોકોને સાથે જોડ્યા, કેટલાં સંબંધોને ફરી જીવંત કર્યા અને પોતાની સંસ્કૃતિને આગળની પેઢી સુધી પહોંચાડવા કેટલો પ્રયત્ન કર્યો. જો કોઈ વ્યક્તિ આપણા કારણે પોતાના કપડાંને લઈને શરમ અનુભવવાને બદલે આત્મવિશ્વાસ અનુભવે, જો કોઈ યુવતી આપણા વર્તનને કારણે વધુ સુરક્ષિત અનુભવે અને જો કોઈ યુવાન પોતાના ગામની ગરબીમાં પાછો ફરવાની પ્રેરણા મેળવે, તો આપણો ઉત્સવ ખરેખર સાર્થક બનશે.મારા માટે નવી શિણોલની ગરબી માત્ર નવરાત્રીનો એક કાર્યક્રમ નથી. એ મારા બાળપણની યાદોનું ઘર છે, મારા ગામના લોકો સાથે જોડાયેલી લાગણી છે અને મારી ઓળખનો એક અવિભાજ્ય ભાગ છે. જીવનમાં માણસ ગમે તેટલો આગળ વધે, ગમે તેટલી નવી જગ્યાઓ જુએ અને ગમે તેટલી ભવ્ય ઉજવણીઓમાં ભાગ લે, પરંતુ પોતાની માટી સાથે જોડાયેલી લાગણીનું સ્થાન કોઈ લઈ શકતું નથી.કદાચ પાર્ટી પ્લોટની રોશની આપણને એક રાત માટે મંત્રમુગ્ધ કરી દે, પરંતુ પોતાના ગામની ગરબીની યાદ વર્ષો સુધી મનમાં દીવાની જેમ પ્રગટતી રહે છે.આથી આ નવરાત્રીમાં એક વાર પોતાના ગામ તરફ પાછા વળજો. કદાચ ત્યાં કોઈ જૂનો મિત્ર તમારી રાહ જોતો હશે, કોઈ વડીલ તમારા આગમનથી ખુશ થશે, કોઈ બાળપણની યાદ ફરી જીવંત થશે અને કદાચ તમને પોતાને પણ સમજાશે કે જે ખુશી તમે દુનિયાભરમાં શોધી રહ્યા હતા, તેનો એક અંશ તો તમારા ગામની શેરીમાં જ છુપાયેલો હતો.
મારા માટે નવી શિણોલની ગરબી જ મારું સાચું સ્વર્ગ છે. કારણ કે ત્યાં હું માત્ર ગરબા રમવા જતો નથી; હું મારું બાળપણ મળવા જાઉં છું, મારી માટીની સુગંધ અનુભવવા જાઉં છું અને મારી ઓળખ સાથે ફરીથી જોડાવા જાઉં છું.
આ નવરાત્રીમાં તમે પણ તમારા ગામની ગરબીમાં જજોકદાચ તમારા પાછા ફરવાની રાહ માત્ર કોઈ પરંપરા નહીં, પરંતુ તમારું પોતાનું બાળપણ જ જોઈ રહ્યું હશે.
*ધ્રુવિલ જોષીની કલમે* ✍️
*લેખક પરિચય* :
ધ્રુવિલ જોષી મૂળ નવી શિણોલ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લીના વતની અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. વ્યવસાયિક ક્ષેત્રે કાર્યરત હોવા સાથે તેઓ સામાજિક સંવેદનાઓ, ગુજરાતી સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન અને બદલાતા સમયનાં સામાજિક પરિવર્તનો પર લેખન કરવાનો વિશેષ રસ ધરાવે છે. પોતાની કલમ દ્વારા તેઓ સમાજના રોજિંદા જીવન સાથે જોડાયેલા એવા વિષયોને વાચકો સમક્ષ રજૂ કરે છે, જે ઘણી વાર આપણી નજર સામે હોવા છતાં વિચારવા માટે મજબૂર કરતા નથી. ‘નવરાત્રી બદલાઈ, પણ આપણે આપણી સંસ્કૃતિ તો નથી ભૂલી ગયાને?’ લેખમાં તેઓ આધુનિક નવરાત્રીના બદલાતા સ્વરૂપની સાથે ગામની ગરબી, બાળપણની સ્મૃતિઓ, આર્થિક પરિસ્થિતિને કારણે ઉત્સવથી દૂર રહી જતાં લોકોની લાગણીઓ અને યુવક-યુવતીઓની સામાજિક જવાબદારીને સંવેદનશીલ રીતે રજૂ કરે છે. નવી શિણોલની ગરબી સાથે જોડાયેલી પોતાની અનુભૂતિઓના માધ્યમથી તેઓ યુવા પેઢીને વતન તરફ પાછા ફરવા, પોતાની સંસ્કૃતિનું જતન કરવા અને ઉત્સવને દેખાવ કરતાં લાગણી સાથે જીવવાનો સંદેશ આપે છે. તેમની લેખનદૃષ્ટિનો મુખ્ય આશય વાચકોના હૃદયને સ્પર્શવાની સાથે સમાજમાં આત્મચિંતન, માનવતા અને સકારાત્મક પરિવર્તનની ભાવના જગાડવાનો










